હિન્દ ન્યુઝ, ગાંધીનગર
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે વિકાસ સપ્તાહ અંતર્ગત આજે ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે આયોજિત ઉદ્યોગ સાહસિકતા દિવસની ઉજવણીના ભાગરૂપે રાજ્યના મંત્રીઓ તેમજ અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં નવી ‘ગુજરાત ટેક્સટાઈલ પોલિસી-2024’ લોન્ચ કરી હતી. મુખ્યમંત્રીના વરદ્હસ્તે આ અવસરે GIDCના ₹146 કરોડના કામોનું લોકાર્પણ તથા ₹418 કરોડના કામોનું ખાતમુહૂર્ત તેમજ 5500 જેટલા ઔદ્યોગિક એકમોને ₹1107 કરોડથી વધુની સહાયનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું. મુખ્યમંત્રીએ આ અવસરે ખનીજ ક્ષેત્રના ઉદ્યોગ સાહસિકોને Letter of Intent અને Grant Order એનાયત કર્યા હતા.
મુખ્યમંત્રીએ ગુજરાતને ‘ટેક્સટાઇલ સ્ટેટ ઓફ ઇન્ડિયા’ અને ‘ડેનિમ કેપિટલ’ ગણાવતા કહ્યું હતું કે, માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ વર્ષ 2012માં તેમના ગુજરાતના મુખ્યમંત્રી તરીકેના કાર્યકાળ દરમિયાન જાહેર કરેલ ફાર્મ ટુ ફાઇબર, ફાઇબર ટુ ફેબ્રિક, ફેબ્રિક ટુ ફેશન, ફેશન ટુ ફોરેનની ‘5F’ ફોર્મ્યુલા આધારિત ટેક્સટાઇલ પોલિસીના કારણે રાજ્યના કાપડ ઉદ્યોગને વ્યાપક પ્રોત્સાહન મળ્યું તેમજ એક સુદ્રઢ ઇકોસિસ્ટમનું નિર્માણ થયું છે. તેમણે ટેક્સટાઈલ ઉદ્યોગને સંલગ્ન પોલિસીઓની રૂપરેખા આપી ટેક્સટાઇલ ક્ષેત્રના વિકાસ માટેની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી.
મુખ્યમંત્રીએ પીએમ મિત્ર પાર્ક, સરકારનો ‘ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસ’ એપ્રોચ તેમજ આજે જાહેર કરવામાં આવેલ ‘ટેક્સટાઈલ પોલિસી-2024’ થકી માનનીય વડાપ્રધાનના ‘મેક ઇન ઇન્ડિયા, મેક ફોર ધ વર્લ્ડ’ ના ધ્યેયને સાકાર કરી ‘વિકસિત ગુજરાતથી વિકસિત ભારત’ માટેની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી.