હિન્દ ન્યુઝ, રાજકોટ
રાજ્યના જળસંપત્તિ અને પાણી પુરવઠા મંત્રી કુંવરજીભાઈ બાવળીયા તથા સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રી શ્રીમતિ ભાનુબેન બાબરીયાના હસ્તે આણંદપર તથા દેવડા ગામ ખાતે સૌની યોજનાની લિંક-ત્રણના પેકેજ ૧૦ હેઠળ પાઇપલાઇનને ડોન્ડી નદી સુધી લંબાવવાના રૂપિયા ૩.૪૮ કરોડના વિકાસકાર્યનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.
મંત્રી કુંવરજીભાઈ બાવળીયાએ જણાવ્યું હતું કે, ડોન્ડી ડેમ ભરવા માટેની ફીડર લાઇનની કામગીરી આશરે રૂ. ૩.૪૮ કરોડના ખર્ચે થનાર છે. જે અંતર્ગત જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના આણંદપર ગામમાં ૨૫૧૧ મીટરની ૫૦૦ એમ.એમ. વ્યાસ ધરાવતી પાઇપલાઇન નાખવામાં આવશે. આ કામગીરી થતાં લોધિકા તાલુકાના છાપરા, દેવડા, મોટાવડા, પાંભર ઇટાળા, લક્ષ્મી ઇટાળા, પડધરી તાલુકાના નાનાવડા અને નાના ઇટાળા વિગેરે ગામોને લાભ થશે.
લિંક-૩ના પેકેજ-૧૦માં દ્વારકાના છેવાડાના ત્રણ ડેમ વર્તુ, કબરકા તથા સોનમતીને જોડવાનું પણ આયોજન કરવામાં આવ્યું છે. સૌની યોજના લિંક-૩ના પેકેજ-૧૦ના કામની શરૂઆત, લિંક-૩ પેકેજ-૭ને આગળ વધારીને થશે. પાઈપની પથરેખાની સાંકળ ૨૧૬.૦૫૩ કિ.મી.થી આ પાઇપલાઇન શરૂ થનારમાંથી પાણીનું વહન ગ્રેવીટી ફ્લોથી થનાર છે. ત્રમ્બા ખાતે નવા પમ્પિંગ સ્ટેશનની યોજનાની જાહેરાત કરતા કહ્યું હતું કે, રાજકોટ તાલુકાના ૪૧ ગામોને પાણી મળી રહે તે માટે ₹૨૩૫ કરોડના ખર્ચે ત્રંબા ખાતે નવું સ્ટેશન બનશે. ટૂંક સમયમાં જ આ યોજનાના કામો શરૂ થઈ જશે.