લોક વિજ્ઞાન કેન્દ્ર ધ્રોલ દ્વારા મોટા ગરેડીયા ગામે બહેનો માટે તાલીમ સત્ર યોજાયું

હિન્દ ન્યુઝ, જામનગર 

    ગુજકોસ્ટ, ગાંધીનગર પ્રેરિત અને શ્રી એમ.ડી.મહેતા એજ્યુકેશન ટ્રસ્ટ, ધ્રોલ સંચાલિત શ્રી એમ.ડી.મહેતા જિલ્લા વિજ્ઞાન કેન્દ્ર, ધ્રોલ અને એફપ્રો સંસ્થા- લતીપુરના સંયુક્ત ઉપક્રમે ગ્રામ્ય વિસ્તારના બહેનો માટે તાલીમ સત્રનું આયોજન કરવામાં આવ્યું હતું. 

જેમાં પુનઃ પ્રાપ્ય ઊર્જાનો ઉપયોગ કરતા થાય, ગેસ- ચૂલા- કેરોસીનની જગ્યાએ સૂર્ય કૂકરનો ઉપયોગ કરતા થાય, નિઃ શુલ્ક કુદરતી રસોઈ બનાવતા થાય તે ઉદ્દેશ્યથી મોટા ગરેડીયા ગામના 50 મહિલા બહેનો માટે તાલીમ કાર્યક્રમનું આયોજન કરાયું હતું. કાર્યક્રમમાં 50 લાભાર્થીઓ હાજર રહ્યા હતા.   

જેમાં લોક વિજ્ઞાન કેન્દ્રના પ્રોગ્રામ ઓફિસર ડો.સંજય પંડયાએ બહેનોને પુનઃ પ્રાપ્ય ઊર્જા ઉપયોગના ફાયદા સમજાવીને “બેઝીક સોલર કૂકર” કે જે માત્ર નકામા ખોખા અને એલ્યુમીનીયમ ફોઈલમાંથી બને તે બનાવવાની તાલીમ આપી હતી. કાર્યક્રમ દરમિયાન મહિલાઓએ પ્રાયોગિક ધોરણે સોલાર કૂકર બનાવ્યું હતું. 

આ કૂકરની ખાસિયત એ છે કે તે તદન ઓછા ખર્ચે અને ઝડપથી સારી રસોઈ બનાવી આપે છે. જેથી કરીને એટલા પ્રમાણમાં ગેસ- કેરોસીનનો બહેનો ઘરમાં ઓછો ઉપયોગ કરે. કાર્યક્રમમાં સહાયક તરીકે પંકજભાઈ ડાંગર, એફપ્રો સંસ્થા લતીપુરના મેનેજર પ્રવીણભાઈ ગોધાણી અને તેની ટીમ, સંસ્થાના ચેરમેન ધર્મેશભાઈ મહેતા અને સેક્રેટરી સુધાબેન ખંઢેરીયા હાજર રહ્યા હતા. તેમ જિલ્લા લોક વિજ્ઞાન કેન્દ્ર, ધ્રોલ દ્વારા જણાવાયું છે. 

Related posts

Leave a Comment