હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ
સરકારી વિજ્ઞાન કોલેજ, વેરાવળના આચાર્ય ડૉ. સ્મિતા.બી.છગના માર્ગદર્શન હેઠળ વિજ્ઞાન ગુર્જરીના સહયોગથી સરકારી વિજ્ઞાન કોલેજમાં “વિશ્વસ્તરે ભારતીય વિજ્ઞાન અને વૈજ્ઞાનિકોનું યોગદાન” વિષય પર વિશેષ વ્યાખ્યાન યોજાયું હતું. “સ્ટુડન્ટ ઇનોવેશન ફેસ્ટ ૨૦૨૪”ના ભાગરૂપે આયોજિત આ વ્યાખ્યાનમાં ૨૫૦થી વધુ વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.
આ કાર્યક્રમ દ્વારા ભારતીય વિજ્ઞાનના વૈશ્વિક યોગદાનને બીરદાવવામાં આવ્યું હતું અને વિદ્યાર્થીઓને વૈજ્ઞાનિક શોધ અને અન્વેષણમાં ઉત્કૃષ્ટતા હાંસલ કરવા માટે પ્રેરણા આપવામાં આવી હતી.
આ સેમિનારમાં વૈશ્વિક વૈજ્ઞાનિક વિકાસમાં ભારતીય વિજ્ઞાન અને વૈજ્ઞાનિકોના યોગદાન પર પ્રકાશ પાડવામાં આવ્યો હતો. ડૉ. સુકાંતકુમાર સેનાપતિ દ્વારા પ્રાચીન ભારતીય વૈજ્ઞાનિકોના યોગદાન પરચર્ચા કરવામાં આવી. ત્યારબાદ વિવાસ્વાનજી દ્વારા ભારતના વૈજ્ઞાનિક અને ચિકિત્સા ક્ષેત્રે નોંધપાત્ર સિદ્ધિઓ વિશે વિસ્તૃત રીતે ચર્ચા કરવામાં આવી.
આ સત્રના અંતમાં નીરજ સિંઘ દ્વારા ડૉ જે.સી. બોઝના યોગદાન અને તેમના કામની ઐતિહાસિક પૃષ્ઠભૂમિ આપી ચર્ચા કરવામાં આવી હતી.
આ આયોજનને સફળ બનાવવામાં પ્રિન્સિપાલ ડૉ. સ્મિતા.બી. છગના માર્ગદર્શન હેઠળ શ્રી એસ.એમ. સીતાપરા, જે.બી. ઝાલા, ડો. એસ.જી. ચોવટિયા, કુ. કે.એ. બારડ તેમજ કોલેજનાં અન્ય સ્ટાફનો મહત્વનો ફાળો રહ્યો હતો. કાર્યક્રમની સમગ્ર આભારવિધિ એમ.એલ. પરમાર દ્વારા કરવામાં આવી હતી.
આ પ્રસંગે સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી કુલપતિ ડો.સુકાંતકુમાર સેનાપતિ, વિજ્ઞાનગુર્જરીના સહ-સમન્વયક પ્રદીપ જોશી, જે.એમ. સાયન્સ કોલેજ પ્રિન્સિપાલ કુંજભાઈ ધનેશા, વિજ્ઞાન ભારતી સંગઠન મંત્રી વિવાસ્વાનજી, અગ્રણી ઝવેરીભાઈ ઠકરાર, મહેન્દ્રભાઈ પીઠિયા તેમજ સરકારી વિજ્ઞાન કોલેજના શિક્ષકો અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.