મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે વર્ચ્યુઅલ મીટીંગ દ્વારા કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ અંગે માર્ગદર્શન આપ્યું

હિન્દ ન્યુઝ, ભાવનગર 

   આગામી તા.૨૬,૨૭ અને ૨૮ જૂન-૨૦૨૪ દરમિયાન ૨૧મા તબક્કાનો શાળા પ્રવેશોત્સવ યોજાનાર છે. ત્યારે આજે રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે ગાંધીનગર ખાતેથી વર્ચ્યુઅલ માધ્યમથી બ્રિફીગ મીટીંગ યોજીને કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ-૨૦૨૪ને ખરા અર્થમાં સાર્થક કરવા જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. આ અવસરે શિક્ષણ ક્ષેત્રે થયેલી સિધ્ધિઓની શોર્ટ ફિલ્મ રજૂ કરી હતી. તેમજ શિક્ષણ સચિવ વિનોદ રાવે શિક્ષણક્ષેત્રની પરિવર્તન યાત્રા અંગે વિસ્તૃત જાણકારી પૂરી પાડી હતી.

ગાંધીનગર ખાતેની વર્ચ્યુઅલ બ્રિફીંગ મીટીંગ પૂર્ણ થયા બાદ ભાવનગર કલેક્ટર કચેરી ખાતે જિલ્લા કલેક્ટર આર.કે.મહેતાના અધ્યક્ષસ્થાને શાળા પ્રવેશોત્સવ અંગે સમીક્ષા બેઠક યોજાઇ હતી જેમાં જિલ્લા કલેક્ટરએ જણાવ્યું હતું કે, કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવ ખરા અર્થમાં ભૂલકાંઓનો પ્રવેશોત્સવ બની રહે તે જોવા, ઉપસ્થિત રહેનાર મહાનુભાવો દ્વારા યોગ્ય નિરીક્ષણ થાય તે સુનિશ્ચિત કરવા, કંન્ટ્રોલ રૂમ ઉભા કરવા,પાત્રતા ધરાવતા કોઇ ભુલકા-વિદ્યાર્થી પ્રવેશ મેળવવાથી બાકાત ન રહે તે જોવાની સાથે સરકારશ્રીની નમો લક્ષ્મી યોજના અને નમો સરસ્વતી યોજનાથી કોઈ વિદ્યાર્થી વંચિત ન રહી જાય તેની ખાસ તકેદારી રાખવા અનુરોધ કર્યોં હતો. આ ઉપરાંત શાળા પ્રવેશોત્સવ અંગે જરૂરી સુચનો સાથે માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.

ભાવનગર જિલ્લામાં શાળા પ્રવેશોત્સવ-૨૦૨૪ની ઉજવણી માટે કુલ ૭૮ રૂટ નક્કી કરવામાં આવ્યા છે. જેમાં રાજ્યના સનદી અધિકારીઓ, મંત્રીઓ, જિલ્લાના ચૂંટાયેલા જન પ્રતિનિધિઓ, પદાધિકારીઓ એક દિવસમાં ત્રણ શાળાના કાર્યક્રમમાં હાજરી આપશે. આ કાર્યક્રમ દરમિયાન જિલ્લામાં આંગણવાડીમાં ૧૧,૧૫૭ બાળકો અને બાલવાટિકામાં ૧૮,૬૪૧, ધોરણ-૧માં ૧૪,૧૪૮ ભૂલકાઓ તેમજ ધોરણ-૯, અને ૧૧માના વિદ્યાર્થીઓને મહાનુભાવોના હસ્તે પ્રવેશ આપવામાં આવશે.

રિજિયોનલ કમિશનર ઓફ મ્યુનિસિપાલિટીઝ ડી. એમ. સોલંકીએ શાળા પ્રવેશોત્સવ અંગે જરૂરી રચનાત્મક સુચનો કર્યાં હતાં. તેમજ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી કે.એ.પટેલે કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવના આયોજનની જાણકારી આપી હતી.

બેઠકમાં ધારાસભ્ય સેજલબેન પંડ્યા, પ્રોબેશનરી આઇ. એ. એસ.અધિકારી આયુષી જૈન,પોલીસ અધિક્ષક ડો. હર્ષદ પટેલ,અધિક કલેક્ટરશ્રી ડી. એન. સતાણી, ડી.આર.ડી.એ. નિયામક જયશ્રીબહેન જરૂ સહિત સંબંધિત નોડલ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.


Advt.

 

 

 

 

Related posts

Leave a Comment