હિન્દ ન્યુઝ, જામનગર
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર દ્વારા ધોરણ 10 એસ.એસ.સી. અને ધોરણ 12 એચ.એસ.સી. વિજ્ઞાન પ્રવાહ અને સામાન્ય પ્રવાહના ઉમેદવારોની પૂરક પરીક્ષા યોજાશે. આગામી તારીખ 24/06/2024 થી તારીખ 06/07/2024 દરમિયાન આયોજિત પરીક્ષા સત્રમાં ચોરીના દુષણને કારણે તેજસ્વી વિદ્યાર્થીઓને નિયમોનુસાર પરીક્ષા આપવામાં અડચણ થવાની સંભાવના રહે છે.
પરીક્ષાઓ દરમિયાન પ્રશ્નપત્રો અને તૈયાર ઉત્તરોની કોપી ઝેરોક્સ કે કોપીયર મશીન દ્વારા મેળવીને અને પરીક્ષાખંડમાં મોબાઈલ ફોનથી પરીક્ષાર્થીઓને મદદ થતી હોવાથી તેજસ્વી વિધાર્થીઓને અન્યાય થતો અટકાવવો જરૂરી જણાય છે.
તેથી જામનગર જિલ્લામાં નિયત કરાયેલા પરીશિષ્ટ મુજબના પરીક્ષા કેન્દ્રોની આજુબાજુના 100 મીટર વિસ્તારની હદમાં આવેલા કોપીયર મશીન દ્વારા કોપીનો વ્યવસાય કરતા ધંધાર્થીઓ, અંગત વપરાશકર્તાઓએ તારીખ 24/06/2024 થી 26/06/2024 સુધી અને તારીખ 01/07/2024 થી 06/07/2024 સુધી સવારના 09:00 કલાકથી સાંજના 07:00 કલાક સુધી કોપીયર મશીનો દ્વારા પરીક્ષા વિષયક પત્રો, દસ્તાવેજી કાગળોની નકલો કાઢવી નહીં. તેમજ પરીક્ષા કેંદ્રોની આસપાસ લાઉડ સ્પીકર વગાડી શકાશે નહીં.
તેમજ પરીશિષ્ટ મુજબના પરીક્ષા કેન્દ્રોમાં કોઈપણ વ્યક્તિ મોબાઈલ ફોન, સ્માર્ટ વોચ, કેલ્ક્યુલેટર, અન્ય ઈલેક્ટ્રોનિક ઉપકરણો અને અનધિકૃત સાહિત્ય સાથે પ્રવેશ કરવા પર અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ બી.એન.ખેર, જામનગર દ્વારા બહાર પાડવામાં આવેલા જાહેરનામામાં પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે.
ઉક્ત પ્રતિબંધાત્મક હુકમનો ભંગ કરનારી વ્યક્તિ ભારતીય ફોજદારી અધિનિયમ-1860 ની કલમ-188 તળે સજાને પાત્ર થશે. આ હુકમ સરકારી, અર્ધસરકારી અને જાહેર સાહસો સિવાયના કોપીયર મશીન વપરાશકર્તાઓને લાગુ પડશે નહીં.
જામનગર જિલ્લામાં નિયત કરાયેલા પરીશિષ્ટ મુજબના પરીક્ષા કેન્દ્રોની યાદી
ડી.એસ.ગોજીયા વિદ્યાલય, સજુબા સરકારી ગર્લ્સ હાઈસ્કૂલ, આર.આર.શાહ હાઈસ્કૂલ, એ.બી.વિરાણી કન્યા વિદ્યાલય, જી.એસ.મહેતા કન્યા વિદ્યાલય, દયાનંદ કન્યા વિદ્યાલય, નેશનલ હાઈસ્કૂલ, શારદા મંદિર હાઈસ્કૂલ, જેકુરબેન સોની કન્યા વિદ્યાલય, ભવન્સ એ.કે.દોશી વિદ્યાલય, બ્રિલિયન્ટ સ્કૂલ અને એલ.જી.હરીયા સ્કૂલ.
Advt.