જામનગર શહેરમાં આગામી તા.05 માર્ચના જોબફેર યોજાશે

હિન્દ ન્યુઝ, જામનગર

    મદદનીશ નિયામક રોજગારની કચેરી, જામનગર દ્વારા આગામી તા.05 માર્ચના રોજ ટાટા કન્સલટન્સી સર્વિસીઝમાંં બી.પી.એસ.ની જગ્યા માટે ખાસ જોબફેરનું આયોજન કરવામાં આવ્યું છે. આ ભરતી મેળામાં ઉપસ્થિત રહેનાર રોજગારવાંચ્છુ ઉમેદવારોએ પોતાના શૈક્ષણિક લાયકાત તેમજ અનુભવના પ્રમાણપત્રોની નકલો અને પાસપોર્ટ સાઈઝના ફોટોગ્રાફ્સ સાથે સવારે 10:30 કલાકે પ્લેસમેન્ટ બ્યુરો, રોજગાર કચેરીની સામે, આઈ.ટી.આઈ. કેમ્પસ, જામનગર ખાતે સમયસર ઉપસ્થિત રહેવું.

આ જોબફેરમાંં ટાટા કન્સલટન્સી સર્વિસીઝ દ્વારા ટી.સી.એસ. અમદાવાદ- ગ્રીમા પાર્ક ગિફ્ટ સિટી ખાતે બી.પી.એસ. ટ્રેઈની માટે 100 ખાલી જગ્યાઓ માટે પસંદગી પ્રક્રિયા હાથ ધરવામાંં આવશે. જેમાં ઉમેદવારોની શૈક્ષણિક લાયકાતમાં બી.કોમ., બી.એ., બી.બી.એ., બી.બી.એમ., બી.એમ.એસ., બી.એસ.સી. (નોન આઈ.ટી. કે સી.એસ.) ની ગ્રેજ્યુએટ્સની ડીગ્રી હોવી જોઈએ. 18 to 26 વર્ષના વયજુથમાં સમાવિષ્ટ ઉમેદવાર હોવો જોઈએ. વર્તમાન પગાર ધોરણ રૂપિયા 15000 એક વર્ષ સુધી રહેશે. ત્યારેબાદ તેમાં વધારો થશે. આ ઉપરાંત, તેમને ફ્રી ટ્રાન્સપોર્ટ સુવિધા અને ફ્રી હેલ્થ ઈન્સ્યુરન્સ આપવામાં આવશે.

અત્રે જણાવેલ મુજબ જ ઉમેદવારોની ઉચ્ચ શૈક્ષણિક લાયકાત હોવી જોઈએ. તેમજ ઉમેદવાર કોઈ પણ શાખાની અનુસ્નાતકની ( Master) ડીગ્રી ધરાવતા જોઈએ નહિ. ઉચ્ચતમ લાયકાત સુધી એકંદર શૈક્ષણિક અંતર 24 મહિનાથી વધુ ન હોવું જોઈએ. ઉમેદવાર ફક્ત ગત વર્ષ 2023 માં પાસ થયેલા હોવા જોઈએ અથવા તો ચાલુ વર્ષ 2024 સ્નાતકમાં અભ્યાસ ચાલુ હોઈ એવા જ ઉમેદવારો આ ભરતીમેળામાં ભાગ લઈ શકશે.

આ અંગે વધુ માહિતી મેળવવા માટે રોજગાર કચેરી, જામનગરના ફોન નંબર ૦૨૮૮-૨૫૬૪૬૫૪ પર સંપર્ક કરવાનો રહેશે. તેમ મદદનીશ રોજગાર નિયામક સુ. સરોજ સાંડપા, જામનગરની યાદીમાં જણાવવામાં આવ્યું છે.

 

 

 

 

 

 

Related posts

Leave a Comment