આણંદ ખાતે રાષ્ટ્રીય માર્ગ સલામતી માસ નો સમાપન કાર્યક્રમ યોજાયો

હિન્દ ન્યુઝ, આણંદ

        આણંદમા ગુરુવારે જિલ્લા કલેક્ટર પ્રવીણ ચૌધરી અને જિલ્લા પોલીસ અધિક્ષક અતુલકુમાર બંસલની વિશેષ ઉપસ્થિતિમાં “સડક સુરક્ષા જીવન રક્ષા” સૂત્ર અંતર્ગત યોજાયેલ માર્ગ સલામતી માસ – ૨૦૨૪ નો સમાપન કાર્યક્રમ સહાયક પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી અને જિલ્લા ટ્ર્રાફિક પોલીસના સંયુક્ત ઉપક્રમે ડી.એન.હાઈસ્કુલ, આણંદ યોજવામાં આવ્યો હતો. 

આ પ્રસંગે જિલ્લા કલેકટર પ્રવીણ ચૌધરીએ વિવિધ માર્ગ સલામતીની બાબતોનું ધ્યાન રાખીને જ આપણે માર્ગ અકસ્માતોને ઘટાડી શકીએ છીએ તેમ જણાવ્યું હ્તું. નાગરિકો દ્વારા પોતાની જવાબદારી સમજીને ટ્રાફિકના નિયમોનું પાલન માર્ગ સલામતી માટે અનિવાર્ય છે તેમ જણાવી તંત્ર દ્વારા જિલ્લામાં માર્ગ સલામતી અંગે કરવામાં આવેલા નિર્ણયો અને કામગીરી વિશે જણાવ્યું હતું. વધુમાં કલેકટરએ ૧૮ વર્ષથી ઓછી વયના નાગરિકોને વાહન નહી ચલાવવા તેમજ ૧૮ વર્ષ કે તેથી વધુ ઉંમરના કોઇપણ વ્યક્તિએ લાયસન્સ વિના વાહન ન હંકારવા, હેડફોન કે ઈયરબડ પહેરીને વાહન ન ચલાવવા સહિત હેલ્મેટ પહેરી અને સીટબેલ્ટ બાંધીને માર્ગની ડાબી બાજુએ જ વાહન હંકારવા સહિતની બાબતો ઉપર ધ્યાન રાખવા વિદ્યાર્થીઓને જણાવ્યું હતું. 

જિલ્લા પોલીસ અધિક્ષક અતુલકુમાર બંસલએ જણાવ્યું હતુ કે અકસ્માતોના ભોગ બનનાર વ્યક્તિઓમાં મહત્તમ સંખ્યા ૧૮ થી ૩૫ની વયજૂથમાં આવતા લોકોની છે. મોટાભાગના અકસ્માત હેલ્મેટ કે સીટબેલ્ટના ઉપયોગ વિના વાહન હંકારવાથી થાય છે તેમ જણાવી તેમણે વાહન ચલાવતી વખતે ફોનનો ઉપયોગ કરવાથી અકસ્માતનો અવકાશ વધી જાય છે તેમ જણાવ્યું હતું. તેથી ચાલુ વાહને ફોનનો ઉપયોગ ટાળીએ અને અન્યને પણ ચાલુ વાહને ફોનનો ઉપયોગ કરતા રોકીએ તેમજ વાહન ચલાવતી વખતે હેલ્મેટ અને સીટ-બેલ્ટનો ઉપયોગ કરીએ તો આપણે અકસ્માતોની વધતી સંખ્યા પર અંકુશ લાવી શકીએ છીએ તેમ તેમણે જણાવ્યુ હતું. 

સહાયક પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારીએ આ તકે વિદ્યાર્થીઓને માર્ગ સલામતીના નિયમોનું પાલન ન થવાના કારણે સર્જાતા અકસ્માતો અંગે જાણકારી આપી હતી. માર્ગ પર ક્યાંક અકસ્માત થયો હોય તેમ દેખાય તો અકસ્માતનો ભોગ બનનાર વ્યક્તિને પ્રથમ એક કલાક દરમિયાન તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવાથી જાનહાની ટાળી શકાય છે. તેમણે જિલ્લા વહીવટી તંત્ર, જિલ્લા પોલીસ વિભાગ અને એઆરટીઓ કચેરી દ્વારા સંયુક્ત રીતે હાથ ધરવામાં આવેલા માર્ગ સલામતી જાગૃતિ અંગે કરવામાં આવેલી વિવિધ કાર્યવાહી વિશે સૌને માહિતગાર કર્યા હતાં.  

આ પ્રસંગે નાયબ જિલ્લા પોલીસ અધિક્ષક પંચાલ, ચરોતર એજ્યુકેશન સોસાયટીના મંત્રી કે.ડી.પટેલ અને ડી.એન.હાઇસ્કૂલના વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.

આણંદ જિલ્લા બ્યુરોચીફ : ભાવેશ સોની

Related posts

Leave a Comment