કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજાની સીધી દેખરેખ હેઠળ સર્કિટ હાઉસથી સોમનાથ મંદિર રોડ પર સફાઈ અભિયાન

હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ

‘સ્વચ્છતા ત્યાં પ્રભુતા’ના સૂત્રને સાર્થક કરતા ગીર સોમનાથ જિલ્લાના કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજાની સીધી દેખરેખ હેઠળ સર્કિટ હાઉસ થી સોમનાથ મંદિર સુધીના રોડ પર સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું.

આજે વહેલી સવારે કલેક્ટરના વડપણ હેઠળ સર્કિટ હાઉસ થી સોમનાથ મંદિર રોડ પર સફાઈ કર્મચારીઓએ દરિયાઈ પવનના કારણે રસ્તા પર આવી ગયેલી રેતી, પ્લાસ્ટિકની કોથળીઓ, લાકડાના ઝીણાં ટૂકડાઓ, થર્મોકોલના નકામા ટૂકડાઓ વગેરેની સફાઈ કરી સમગ્ર રોડને ચોખ્ખોચણાક બનાવ્યો હતો.

કલેક્ટર દ્વારા રસ્તા પર નડતરરૂપ બાવળ દૂર કરવા, વધી ગયેલી ડાળીઓ કાપવા, પેવર બ્લોકની મરામત તેમજ દૈનિક ધોરણે સફાઈ કામગીરી જાળવવા, કચરો ન કરવા અંગે જાગૃતિ લાવતાં નોટિસબોર્ડ મૂકવા, જ્યાં ત્યાં કચરો ન બાળવા સહિતની સફાઈલક્ષી કામગીરી અંગેની સૂચનાઓ તંત્રના સફાઈ કર્મીઓને આપી હતી.

કલેક્ટરએ સફાઈ અંગે અનુરોધ કરતા જણાવ્યું હતું કે, પ્રભાસતીર્થ એ પવિત્ર ભૂમિ છે. અખૂટ ઉર્જાનો અહેસાસ કરાવતી આ સાત્વિક ભૂમિમાં કુદરતી સંપત્તિ એ ઈશ્વરની અમૂલ્ય દેણ છે. તમામ લોકો આ કુદરતી સંપત્તિની જાળવણી કરવામાં તેમજ દૈનિક ધોરણે સ્વચ્છતામાં પોતાનું યોગદાન આપે, જેથી બહારથી આવતા પ્રવાસીઓ પણ ગીર સોમનાથની સારી છાપ લઈને પરત ફરે.

આ સફાઈ કામગીરીમાં નગરપાલિકા ચીફ ઓફિસર ચેતન ડુડિયા, સેનિટેશન સમિતિ ચેરમેન રાજુભાઈ ગઢિયા, સેનેટરી ઈન્સ્પેક્ટર હરદિપસિંહ ખેર, બાબુભાઈ ટિંબાણિયા સહિત મોટી સંખ્યામાં સફાઈ કર્મીઓ જોડાયા હતાં.

Related posts

Leave a Comment