અમદાવાદમાં યોજાશે નેશનલ ઈન્ટર ડિસ્ટ્રીક્ટ જુનિયર એથલેટિક્સ મીટ 2024

હિન્દ ન્યુઝ, અમદાવાદ

    ગુજરાત નેશનલ ઈન્ટર ડિસ્ટ્રિક્ટ જુનિયર એથ્લેટિક્સ મીટ-2024નું યજમાન બન્યું છે. આ માટેની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. જેને પગલે ગુજરાત સ્પોર્ટ્સ ઓથોરિટીના ઉચ્ચ અધિકારીઓએ અમદાવાદમાં ગુજરાત યુનિવર્સિટી કેમ્પસ ખાતે રમતોના આયોજન માટે સ્થળની સમીક્ષા કરી. અધિકારીઓએ કેમ્પસમાં આવેલી સુવિધાઓનું નિરીક્ષણ કર્યું હતું અને ચાલી રહેલા કાર્યની પ્રગતિ વિષયક સમીક્ષા કરી હતી. આ મુલાકાતમાં સ્પોર્ટસ ઓથોરિટી ઓફ ગુજરાતના ડાયરેક્ટર જનરલ આર. એસ. નિનામા, સચિવ આઈ. આર. વાળા, ઓ.એસ.ડી. ડૉ. પ્રો.અર્જુનસિંહ રાણા તથા એથ્લેટિક્સ ફેડરેશન ઓફ ઈન્ડિયાના ઓફિશિયલ્સ તેમજ એસ.એ.જી.ની ટીમના અન્ય સભ્યો સામેલ થયા હતા. ઉલ્લેખનીય છે કે, નેશનલ ઈન્ટર ડિસ્ટ્રિક્ટ જુનિયર એથ્લેટિક્સ મીટ (NIDJAM) એ વાર્ષિક મીટ છે. જેમાં 500થી વધુ જિલ્લાઓના 50,000થી વધુ એથ્લિટ્સ જોડાય છે. અને ફાઈનલ તબક્કામાં 5,000 એથ્લિટ્સ જોડાય છે. ‘નેશનલ ઈન્ટર ડિસ્ટ્રિક્ટ જુનિયર એથલેટિક્સ મીટ 2024’ (NIDJAM) દેશના ખૂણે-ખૂણે તાલીમ પામેલા અંડર 14 અને અંડર 16 ખેલાડીઓ માટે કૌવત દર્શાવવાનું આ મજબૂત પ્લેટફોર્મ છે. જેમાં ટ્રાઈથલોન, શોટપૂટ, ડીસ્ક્સ થ્રો, હાઈ જમ્પ, હર્ડલ્સ વગેરે જેવી રમતોની સ્પર્ધા યોજવામાં આવે છે. એથ્લેટિક્સ ફેડરેશન ઓફ ઇન્ડિયા દ્વારા પ્રોત્સાહિત આ ઈવેન્ટ રેડ-ટેપ મુક્ત વાતાવરણને પ્રોત્સાહિત કરવા અને સંપૂર્ણ પારદર્શકતાના ધ્યેય સાથે યોજવામાં આવે છે. તેની શરૂઆત 2003માં કરવામાં આવી હતી. જે કેન્દ્ર સરકારના યુવા બાબતો અને રમત-ગમત મંત્રાલય દ્વારા સમર્થિત છે. આ અગાઉનું સંસ્કરણ બિહારના પટણા ખાતે આયોજિત કરવામાં આવ્યું હતું.

Related posts

Leave a Comment