હિન્દ ન્યુઝ, છોટાઉદેપુર
નાગરિકોની મુસાફરી સ્વચ્છ અને સુગમ બની રહે તે માટે છોટાઉદેપુર જિલ્લાના પ્રત્યેક નાગરિકોમાં જાહેર મિલકતની દેખરેખ અને સ્વચ્છતાની ભાવના કેળવવા માટે આજે છોટાઉદેપુર એસટી ડેપો ખાતે ‘શુભ યાત્રા, સ્વચ્છ યાત્રા’ અભિયાન અંતર્ગત છોટાઉદેપુરનાં ધારાસભ્ય રાજેન્દ્રભાઈ રાઠવાએ પોતે સાફ-સફાઈ કરીને મુસાફરો સહિત જિલ્લાના પ્રત્યેક નાગરિકને સ્વચ્છતાને જીવનનો એક ભાગ બનાવવા અનુરોધ કર્યો હતો.
આ પ્રસંગે ધારાસભ્ય રાજેન્દ્રભાઈ રાઠવાએ જણાવ્યું કે, આસપાસના પાડોશી રાજ્યો તેમજ જિલ્લામાંથી આવતા મહેમાનો, મુસાફરોનો પ્રવાસ સુગમ બની રહે, તેમને સારું વાતાવરણ મળી રહે તે માટે આપણા જિલ્લાના બસ ડેપો સહિત જિલ્લાની અન્ય જાહેર મિલકતની દેખરેખ અને સ્વચ્છતા આપણી જવાબદારી છે.
રાજયના વાહનવ્યવહાર નિગમ દ્વારા શરૂ કરાયેલી આ પહેલ અંતર્ગત બસ ડેપો તેમજ બસોમાં કચરાપેટી મુકવામાં આવી હતી. જેનો અસરકારક ઉપયોગ કરીને જિલ્લાને પ્લાસ્ટિક મુક્ત બનાવવામાં પોતાની મહત્વપૂર્ણ ભાગીદારી અદા કરવા નાગરિકોને ધારાસભ્ય રાજેન્દ્રભાઈ રાઠવા અનુરોધ કર્યો હતો. વધુમાં મુસાફરોને એક સુગમ યાત્રાનો અનુભવ થાય તે માટે પણ ધારાસભ્યએ બસના કર્મીઓને બસની સમયાંતરે સફાઈ કરવા અપીલ કરી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે, મુસાફરો બસ અને સ્ટેશનોની સ્વચ્છતાનો અભિપ્રાય આપી શકે તે માટે ખાસ પેસેન્જર ફિડ બેક સિસ્ટમ QR કોડ શરૂ કરાયું છે. જેના ઉપયોગથી નિગમ દ્વારા સ્વચ્છતાની કામગીરીનું સમયસર ઇન્સ્પેકશન અને ઇવેલ્યુશન કરાશે.
આ પ્રસંગે છોટાઉદેપુર તાલુકા પંચાયતના પ્રમુખ, છોટાઉદેપુર ડેપો મેનેજર, રાજ્ય એસ.ટી નિગમના અધિકારી, નાગરિકો તથા મુસાફરો હાજર રહ્યા હતા.