હિન્દ ન્યુઝ, ભાવનગર
ભાવનગર શહેરનાં અટલ ઓડિટરિયમ ખાતે ગુજરાત રાજ્યના યોગ બોર્ડ નાં ચેરમેન શીશપાલ રાજપૂતનાં અધ્યક્ષ સ્થાને સૌરાષ્ટ્ર ઝોન કક્ષાનો યોગ સ્નેહ મિલન સમારોહ યોજાયો હતો.
આ તકે ચેરમેનએ જણાવ્યું કે, વિશ્વ આજે તણાવપૂર્ણ પરિસ્થિતિમાંથી પસાર થઇ રહ્યું છે ત્યારે યોગને જીવનશૈલી સાથે જોડવો તે સમયની માંગ છે. યોગથી શરીરના રોગનું નિદાન, ઉત્તમ જીવનશૈલી, શારીરિક-માનસિક સ્વાસ્થ્ય, આધ્યાત્મિક સુખ જીવનમાં સફળતા અને શાંતિ સરળતાથી પ્રાપ્ત કરી શકાય છે.
આજે સમગ્ર વિશ્વ યોગને અપનાવી રહ્યું છે ત્યારે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા જન જન સુધી યોગ પહોંચાડવાનું ભગીરથ કાર્ય કરવામાં આવી રહ્યું છે તેમ તેમણે વધુમાં ઉમેર્યું હતું.
આ તકે મેયર ભરતભાઈ મેર, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન રાજુભાઈ રાબડિયા, સ્ટેટ કો – ઓર્ડીનેટર રાધેશ્યામભાઈ યાદવ, ઝોન કો -ઓર્ડીનેટર જીગ્નેશભાઈ પટેલ, ડિસ્ટ્રિકટ કો – ઓર્ડીનેટરઓ ડો.રિધ્ધિ માંડલિયા – ભાવનગર, અર્જુનભાઈ નિમાવત – બોટાદ અને નિકિતા મહેતા – અમરેલી સહિતનાં મહાનુભાવો, ભાવનગરના યોગ પ્રેમીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.