હિન્દ ન્યુઝ, ગીર રસોમનાથ
ગીર સોમનાથ જિલ્લામાં તા.૧૦/૧૧/૨૦૨૩ થી તા.૧૫/૧૧/૨૦૨૩ દરમિયાન દિવાળીના તહેવાર નિમિત્તે શ્રી સોમનાથ મંદિર ખાતે બહોળી સંખ્યામાં શ્રધ્ધાળુઓ દર્શનાર્થે આવતા હોવાથી ટ્રાફિકની સમસ્યા નિવારવા તથા કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તે માટે અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ શ્રી બી.વી.લિંબાસિયા દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે.
શ્રી સોમનાથ મંદિર ખાતે આગામી દિવાળીના તહેવારો દરમ્યાન યાત્રાળુઓની સલામતી જળવાઈ રહે અને કોઈ અનિચ્છનિય બનાવ બનવા ન પામે તથા ટ્રાફિકની સમસ્યા ન સર્જાય તે મુજબનુ જાહેરનામુ બહાર પાડવામાં આવે છે.
અધિક જિલ્લા મેજીસ્ટ્રેટના જાહેરનામા અનુસાર ગીર સોમનાથ જિલ્લો ફોજદારી કાર્યરીતિ અધિનિયમ-૧૯૭૩ની કલમ-૧૪૪ અને ગુજરાત પોલીસ અધિનિયમ-૧૯૫૧ની કલમ-૩૩(બી)(સી)હેઠળ સત્તાની રૂઈએ શ્રી સોમનાથ મંદિર ખાતે સફારી સર્કલ તરફથી થઈ ગુડલક સર્કલ થઈ વેણેશ્વર થઈ તમામ પ્રકારના વાહનો એકમાર્ગીય રીતે ન્યુ ગૌરીકુંડ પાર્કિંગમાં આવશે અને ત્યાંથી વાહનો પાર્કિંગમાં મુકી માણસો દર્શન કરી પરત ફરે ત્યારે ન્યુ ગૌરીકુંડ પાર્કિંગમાંથી વાહનો લઈ ત્રિવેણી રોડ ઉપર આવેલ પ્રજાપતિ ધર્મશાળા પાસે નવા બનેલ સિમેન્ટ રોડ ઉપર થઈ સદભાવના ગ્રાઉન્ડમાં થઈ સફારી બાયપાસથી બહાર નીકળી જઈ તે મુજબ વન–વે રોડ જાહેર કરવા તથા આ રૂટને “નો-પાર્કિંગ ઝોન જાહેર કરવા આદેશ કરવામાં આવ્યો છે.
આ જાહેરનામું તા.૧૦/૧૧/૨૦૨૩ના રોજ રાત્રીના કલાક ૦૦:૦૦ થી તા.૧૬/૧૧/૨૦૨૩ના રોજ કલાક ૨૪:૦૦ સુધી અમલમાં રહેશે. આ હુકમ ફરજ ઉપરના સરકારી વાહનો, એસ.ટી.બસો, મેડીકલ ટીમના વાહનો તથા ઈમરજન્સી સેવાઓને લાગુ પડશે નહી.આ હુકમનો ભંગ કરનાર વ્યકિત ભારતીય દંડ સંહીતાની કલમ-૧૮૮ તથા ગુજરાત પોલીસ અધિનિયમની કલમ-૧૩૧ મુજબ શિક્ષાને પાત્ર થશે.