દિવાળી તહેવારમાં હાથબનાવટના દીવડાની માંગ વધતા “વોકલ ફોર લોકલ”ને પ્રોત્સાહન પુરૂં પાડતા હરનીશભાઈ માછી દિવાથી દિપ પ્રગટાવી ઘરમાં અજવાળું પાથરી અંધકારને ઉજાસમાં ફેરવે છે

હિન્દ ન્યુઝ, રાજપીપલા 

      VocalforLocal નાના માણસોને રોજગારી અર્થે ગ્રામીણ વિસ્તારના કારીગરોને પણ એક ઉત્તમ કક્ષાનું બજાર મળી રહે અને સ્થાનિક હાથ બનાવટની ઉત્પાદકતાને પ્રોત્સાહન મળે તેવા શુભ આશય સાથે કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા વોકલ ફોર લોકલને ખૂબજ પ્રાધાન્ય આપવામાં આવી રહ્યું છે. જેથી છેવાડાના માનવી પણ જાતે બનાવેલી કે હાથ બનાવટની વસ્તુઓનું યોગ્ય બજારભાવ સાથે વેચાણ કરી રોજગારી પ્રાપ્ત કરી શકે અને આત્મનિર્ભર તરફ આગળ વધે તેવો શુભ આશય રહેલો છે. દિવાળીનો તહેવાર આંગણે આવી ગયો છે ત્યારે રોશનીના ઝડમગાટ માટે દીવાનું પણ અનેરું મહત્વ હોય છે. આવા સંજોગોમાં નર્મદા જિલ્લામાં ગ્રામીણ વિસ્તારોમાં માટીકામ થકી દીવડા-ઘોડાનું સર્જન ઉત્પાદન કરતા પ્રજાપતિ (કુંભાર) પરિવારોને રોજગારી માટે યોગ્ય બજાર પુરૂં પાડી રોજગારી સર્જન કરી શહેરી વિસ્તારના લોકોને ઘર આંગણે હાથબનાવટના દીવડા પુરાપાડી રાજપીપલાનો માછી પરિવાર રોજગારી મેળવી રહ્યો છે.

     રોજગારી અને કલા બંન્ને વચ્ચે સેતુરૂપ બનીને “વોકલ ફોર લોકલ”ના મંત્રને ચરિતાર્થ કરી રહ્યો છે અને કલાને જીવંત રાખે છે. નર્મદા જિલ્લાના વડામથક રાજપીપલા ખાતે પહેલાં રજવાડી ઠાઠ હતો અને નંદરાજાએ વસાવેલું રાજપીપલા જ્યાં દિવાળી તહેવારમાં લોકોમાં અનેરો ઉત્સાહ જોવા મળે છે અને દૂર દૂરથી ખરીદી કરવા અહીં આવે છે. જેમાં મુખ્યત્વે ફટાકડા, મીઠાઈ, એકબીજાને ભેટ આપવાની ચીજવસ્તુઓ, કપડા, દિપોત્સવીમાં ઘરને શણગારવા માટેની સાધન-સામગ્રી, દીવડા વગેરે જેવી ચીજવસ્તુઓની ખરીદી કરે છે. રાજપીપલામાં દીવડા, માટીના ઘોડા, માટીના વાસણો સહિતની ચીજવસ્તુઓનું વર્ષોથી વેચણ કરતા શ્રી હરનીશભાઈ બચુભાઈ માછી જણાવે છે કે, જિલ્લાના ગામડાઓમાંથી સ્થાનિક લોકો આ વસ્તુઓ વધુ પસંદ કરે છે. જેઓ માટીકામ કરે છે અને માટીમાંથી વિવિધ ચીજવસ્તુઓ બનાવે છે તેમની પાસેથી અમે લોકો ખરીદી કરીએ છીએ અને બજારમાં વેચાણ કરી સ્થાનિક કારીગરો માટે રોજગારી સર્જન કરીએ છીએ. તેનાથી અમારૂં ઘર તો ચાલે જ છે પરંતુ શહેરી વિસ્તારમાં વસવાટ કરતા લોકોને પણ મનગમતી હાથ બનાવટની વસ્તુઓ ઘર આંગણે મળી રહે છે અને હોંશથી તેઓ ખરીદી કરે છે. કેન્દ્ર અને રાજ્ય સરકાર પણ ‘પરિશ્રમને અજવાળીએ’ કેમ્પેઈનને વેગવાન બનાવી વોકલ ફોર લોકલને પ્રાધાન્ય આપીને આત્મનિર્ભર ભારતના સ્વપ્નને સાકાર કરવા તરફ નક્કર કદમ ઉઠાવી રહી છે ત્યારે રાજપીપલાના ભદ્રેશભાઈ માછી જણાવે છે કે, દિવાળીના તહેવારમાં હાથ બનાવટના દીવડાનું ખાસ મહત્વ હોય છે અને લોકો પણ તેની ડીમાન્ડ વધુ કરતા હોય છે ત્યારે નર્મદા જિલ્લો આદિવાસી વસ્તી ધરાવતો ગ્રામીણ વિસ્તાર હોય ગ્રામીણ વિસ્તારોમાં અનેક પ્રકારની હાથબનાવટની ચીજવસ્તુઓ બનાવતા કારીગરો-પરિવારો વસવાટ કરે છે. તેઓ પોતાના ઘરે જે માટીકામની વસ્તુઓ બનાવે છે તેની અમે ખરીદી કરી રાજપીપલામાં વેચાણ કરીને તેમને બજાર પુરૂં પાડી આત્મનિર્ભર ભારતના સ્વપ્નને સાકાર કરવા માટે સહાયરૂપ મદદ કરી રહ્યા છીએ. અત્રે ઉલ્લેખનીય છે કે, ‘પરિશ્રમને અજવાળીએ’ કેમ્પેઈન અંતર્ગત સમગ્ર રાજ્યમાં સ્થાનિક સ્તરે નાના વેપારીઓ માટે રોજગાર સર્જન થાય, આર્થિક સમૃદ્દિમાં વૃદ્ધિ થાય તેવા શુભ આશયથી આરંભાયેલું કેમ્પેઈન આગામી તા.૨૦મી નવેમ્બર, ૨૦૨૩ સુધી ચાલનાર છે. જેમાં નાના-મધ્યમ વેપારીઓના વેપારને પ્રોત્સાહન મળે તે માટે સ્થાનિક કારીગરો પાસેથી ચિજવસ્તુઓની ખરીદી કરી આર્થિક રીતે મદદરૂપ થવા અને નાના મોટા શાકભાજી ઉત્પાદકો તેમજ શીતાફળ જેવા દેશી ફળોને પણ ‘વોકલ ફોર લોકલ’ને પ્રોત્સાહિત કરવા જિલ્લાના નાગરિકોને પણ એક જાહેર અપીલ કરવામાં આવી રહી છે.

 

Related posts

Leave a Comment