એઈમટ્રોન ફાઉન્ડેશન દ્વારા ત્રંબા ગામે “એઇમટ્રોન લાઇબ્રેરી”નું લોકાર્પણ, રકતદાન કેમ્પ, હેલ્થ ચેકઅપ સહિતના કાર્યક્રમ યોજાયા

હિન્દ ન્યુઝ, રાજકોટ 

      એઇમટ્રોન ફાઉન્ડેશન અમેરિકા સ્થિત સામાજિક સંસ્થા દ્વારા રાજકોટમાં મહિલા, યુવા અને બાળકોનાં સર્વાંગી વિકાસ માટે આરોગ્ય, શિક્ષણ, સ્કીલ ડેવલોપમેન્ટ, સેલ્ફ ડિફેન્સ, આર્ટ, ક્રાફટ જેવી અનેકવિધ સામાજિક પ્રવૃત્તિઓ કરવામાં આવી રહી છે. જેના ભાગરૂપે સંસ્થા દ્વારા પોપ્યુલર સ્કૂલ, ત્રંબા ખાતે એઇમટ્રોન લાઇબ્રેરી તથા સાયન્સ લેબનું લોકાર્પણ, બ્લડ ડોનેશન કેમ્પ, હેલ્થ ચેકઅપ, તેજસ્વી તારલાઓનું સન્માન, સીવણ તાલીમાર્થી બહેનોને પ્રમાણપત્ર વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. 

એઈમટ્રોન ફાઉન્ડેશનના સ્વપ્નદ્રષ્ટા એવા અમેરિકા સ્થિત મુકેશભાઈ વાસાણીની દીર્ઘદ્રષ્ટિ અને વતન પ્રત્યેનું ઋણ અદા કરવાની સામાજિક ભાવના સાથે અનેક સેવાકાર્યો હાથ ધરવામાં આવી રહ્યા છે. આ લોકાર્પણ પ્રસંગે તેઓએ ખાસ ઉપસ્થિત રહી માર્ગદર્શન આપતાં જણાવ્યું હતું કે, તેઓ અને તેઓની સંસ્થા મહિલાઓને પગભર કરવા હરહંમેશ પ્રયત્નશીલ છે. તેઓનું સ્પષ્ટ માનવું છે કે, પગભર થયેલી એક મહિલા તેના જેવી અન્ય ઓછામાં ઓછી ૧૦ મહિલાઓને પગભર કરી શકે છે. ગ્રામ્ય વિસ્તારના લોકો પણ આગળ વધી ખુબ સારું કાર્ય કરી શકે છે. દ્રઢ નિશ્ચયશક્તિથી જીવનમાં સફળતા પ્રાપ્ત થઈ શકે.

આ લોકાર્પણ પ્રસંગે યોજાયેલા રકતદાન કેમ્પમાં ૪૦ જેટલી બોટલ એકત્ર થઇ હતી. ૨૩૫ જેટલા ભાઈઓ બહેનોનું હેલ્થ ચેકઅપ કરી જરૂર જણાયે વિનામૂલ્યે દવા આપવામાં આવી હતી. ૩૦ જેટલા સીવણ તાલીમાર્થી બહેનોને પ્રમાણપત્ર એનાયત કરાયા હતા. એલ.કે.જી. થી ધો.૧૨ સુધીમાં પ્રથમ, દ્વિતીય, તૃતીય ક્રમાંક પ્રાપ્ત કરનાર ૪૮ જેટલા તેજસ્વી તારલાઓને પ્રોત્સાહક ઈનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. 

આ કાર્યક્રમની શરૂઆત મહાનુભાવોનાં હસ્તે દીપ પ્રાગટય થી કરવામાં આવી હતી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન સરોજબેન મારડિયા દ્વારા સુંદર શૈલીમાં કરવામાં આવ્યું હતું.

આ તકે શાળા સંચાલક શર્મિલાબેન બાંભણિયા, ટ્રસ્ટી લખનભાઈ બાંભણીયા, શાળાના શિક્ષકો, વિદ્યાર્થીઓ તથા ગ્રામજનો સહિત ભાઈઓ બહેનો જોડાયા હતા.

Related posts

Leave a Comment