હિન્દ ન્યુઝ, વડોદરા
શહેરમાં વ્યાવસાયિક તમામ મહિલા સંગીતકારોના સમૂહની શરૂઆત થવા જઈ રહી છે. આગામી આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ-૮મી માર્ચના અવસરે “સ્વર શક્તિ” કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમ મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી વડોદરાની ફેકલ્ટી ઓફ પરફોર્મિંગ આર્ટ્સ ખાતે યોજાશે અને જનતા માટે નિઃશુલ્ક ખુલ્લો રહેશે.
ભારતીય સંગીત પરંપરામાં મહિલાઓના અમૂલ્ય યોગદાનને શ્રદ્ધાંજલિ આપવા માટે રચાયેલ સ્વર શક્તિ કાર્યક્રમમાં શાસ્ત્રીય ગાયન, ગઝલ, લોકસંગીત, સુગમ સંગીત, વાદ્યસંગીત તેમજ આધુનિક સંગીત શૈલીઓ જેવી વિવિધ પરંપરાઓને ઉજાગર કરવામાં આવશે.
આ સંગીત સમૂહમાં વડોદરાની 15 થી 50 વર્ષથી વધુ ઉંમરની પ્રતિભાશાળી યુવતીઓ અને મહિલાઓ જોડાઈ છે. આ પહેલનું નેતૃત્વ અશીતા અને સચિન લીમયે દ્વારા કરવામાં આવ્યું છે. તેમનો વિચાર પ્રતિષ્ઠિત મંચો પર પ્રદર્શન આપી શકે અને વડોદરાનું પ્રતિનિધિત્વ કરી શકે એવું એક વ્યાવસાયિક સર્વ મહિલા બેન્ડ તૈયાર કરવાનો છે.
આ કલાકારો વિવિધ બેકગ્રાઉન્ડમાંથી આવે છે જેમાં વિદ્યાર્થીઓ, ગૃહિણીઓ અને કામકાજ કરતી મહિલાઓનો સમાવેશ થાય છે. તેઓ ભારતીય શાસ્ત્રીય તેમજ આધુનિક સંગીતમાં તાલીમ પ્રાપ્ત કરી છે. કાર્યક્રમ દરમિયાન હાર્મોનિયમ, તબલા, ઢોલ અને વાયોલિન જેવા પરંપરાગત વાદ્યો સાથે વિવિધ પ્રસ્તુતિઓ રજૂ કરશે.
