હિન્દ ન્યુઝ, સોમનાથ
પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મંદિરનું મહાત્મ્ય પુરા વિશ્વમાં વિખ્યાત છે, પરંતુ સોમનાથ મંદિર પરિસરમાં જ બિરાજમાન અતી પૌરાણીક શ્રી કપર્દી વિનાયક ગણેશજી ભક્તોની તમામ મનોકામના પૂર્ણ કરવા માટે વિશેષ રૂપે પૂજાય છે. શ્રી ગણેશજીના પૌરાણિક કપર્દી વિનાયક સ્વરૂપને કષ્ટો હારવા માટે અને અષ્ટસિદ્ધિ અને નવનિધિના દાતા તરીકે ભક્તો પૂજે છે. ત્યારે અત્યાર સુધીનું શ્રી ગણેશજીની અર્ચનાનું નું સૌથી મોટું અનુષ્ઠાન સોમનાથ તીર્થમાં તા.07/જૂન/2023 થી પ્રારંભ થયેલું છે.
દેશના યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીની અધ્યક્ષતામાં ધાર્મિક ચેતનાનો પ્રસાર કરતા શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા જનકલ્યાણની કામના સાથે ટ્રસ્ટના સચિવ યોગેન્દ્રભાઇ દેસાઇના માર્ગદર્શન હેઠળ શ્રી ગણપતિ અથર્વશીર્ષ મહાઅનુષ્ઠાન ગત 7 જૂનથી પ્રારંભ કરવામાં આવ્યું છે. શ્રી ગણેશજીની સૌથી પ્રિય સ્તુતિ ગણપતિ અથર્વશીર્ષના 1.25 લાખ પાઠ ભાદરવા માસમાં આવનાર ગણપતિ નવરાત્ર સુધીમાં સંપન્ન કરવા સોમનાથ ટ્રસ્ટે મહાઅનુષ્ઠાન કર્યું છે.
ગુજરાતની વિવિધ સંસ્કૃત પાઠશાળાના ઋષીકુમારો સોમનાથ પરિસરમાં શ્રી કપર્દિવિનાયક ગણેશજીના ચરણોમાં શ્રી ગણપતિ અથર્વશીર્ષના પાઠ કરી રહ્યા છે. સમગ્ર ગુજરાતની પ્રત્યેક પાઠશાળા સોમનાથ ટ્રસ્ટના આ મહાઅનુષ્ઠાનમાં સહભાગી બનાવી રહ્યું છે. જેનાથી સંસ્કૃત પાઠશાળાઓના જ્ઞાનના આદાનપ્રદાનના દ્વાર પણ ખુલ્યા છે. આ મહાઅનુષ્ઠાનમાં ઋષિકુમારોના તેજોમય મંત્રોચ્ચાર થી પ્રેરણા લઈને અન્ય વિદ્યાર્થીઓ અને વાલીઓ પણ સંસ્કૃત પાઠશાળામાં અભ્યાસ અંગે પ્રેરિત થશે.
આજરોજ સંકષ્ટચતુર્થીએ શ્રી સોમનાથ ટ્રસ્ટ તરફથી ગણપતિ પૂજન અને આરતી સાથે સંકલ્પ લઈને પાઠનું પઠન શરૂ કરવામાં આવ્યું હતું. જેમાં શ્રી અંબિકા સંસ્કૃત મહાવિદ્યાલય – અંબાજી તેમજ શ્રી ભગવાન યાજ્ઞવ્લક વેદ સંસ્કૃત મહાવિદ્યાલય-મૂળેટી ઇડર એમ બંને પાઠશાળાના કુલ 110 ઋષીકુમારો અને ગુરૂજનોએ મળી કુલ 6930 થી વધુ ગણપતિ અથર્વશીર્ષ પાઠના આવર્તન કરેલ હતા. આ પ્રસંગે સોમનાથ સંસ્કૃત પાઠશાળાના 50 ઋષીકુમારો અને 3 ગુરુજી દ્વારા પણ શ્રી ગણેશ અથર્વશીર્ષના પાઠ કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે ટ્રસ્ટના સચિવ યોગેન્દ્રભાઇ દેસાઈ, ટ્રસ્ટના જનરલ મેનેજર વિજયસિંહ ચાવડા, સંસ્કૃત પાઠશાળા માંથી આવેલ ગુરુજનો, સોમનાથ ટ્રસ્ટ પરિવાર મહા અનુષ્ઠાનમાં મંત્રોચ્ચારના સાક્ષી બન્યા હતા.
શ્રી સોમનાથ ટ્રસ્ટના સચિવ યોગેન્દ્રભાઈ દેસાઈ સહિત ટ્રસ્ટ પરિવાર દ્વારા આવનાર પ્રત્યેક ઋષિ કુમારને ભક્તિમય પ્રસાદ કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. જેમાં સોમનાથ ટ્રસ્ટ નિર્મિત લઘુયજ્ઞ કીટ, સોમગંગા નિર્માલ્ય જળ, રુદ્રાક્ષ અને ભસ્મપ્રસાદ, અને સોમનાથ મહાદેવનો 3d ફોટો ભેટમાં અપાયા હતા. પાઠ સંપન્ન થયે સોમનાથ મહાદેવના મહા પ્રસાદ સ્વરૂપે ભોજન કરાવીને ઋષિ કુમારો અને ગુરુજનો ને સન્માનપૂર્વક વિદાય આપવામાં આવ્યા.