શ્રી સોમનાથ મંદિર પરિસરમાં શ્રી કપર્દી વિનાયક ગણેશજીના સાનિધ્યમાં વિનાયક ચતુર્થી નિમિત્તે શ્રી ગણપતિ અથર્વશીર્ષ પાઠ મહા અનુષ્ઠાન

હિન્દ ન્યુઝ, સોમનાથ

       પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મંદિરનું મહાત્મ્ય પુરા વિશ્વમાં વિખ્યાત છે, પરંતુ સોમનાથ મંદિર પરિસરમાં જ બિરાજમાન અતી પૌરાણીક શ્રી કપર્દી વિનાયક ગણેશજી ભક્તોની તમામ મનોકામના પૂર્ણ કરવા માટે વિશેષ રૂપે પૂજાય છે. શ્રી ગણેશજીના પૌરાણિક કપર્દી વિનાયક સ્વરૂપને કષ્ટો હારવા માટે અને અષ્ટસિદ્ધિ નવનિધિના દાતા તરીકે ભક્તો પૂજતા આવ્યા છે. ત્યારે અત્યાર સુધીનું શ્રી ગણેશ નું સૌથી મોટું અનુષ્ઠાન સોમનાથ તીર્થમાં તા.07/જૂન/2023 થી પ્રારંભ થયેલું.

દેશના યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીની અધ્યક્ષતામાં કામ કરતા સોમનાથ ટ્રસ્ટનું જનકલ્યાણની કામના સાથે ટ્રસ્ટના સચિવ યોગેન્દ્રભાઇ દેસાઇના માર્ગદર્શન હેઠળ શ્રી ગણેશ અનુષ્ઠાન કરવામાં આવેલ. શ્રી ગણેશજીની સૌથી પ્રિય સ્તુતિ ગણપતિ અથર્વશીર્ષના સવાલક્ષ પાઠ ભાદરવા માસના ગણપતિ નવરાત્ર સુધીમાં સંપન્ન કરવાનું સોમનાથ ટ્રસ્ટે અનુષ્ઠાન કર્યું છે.

ગુજરાતની વિવિધ સંસ્કૃત પાઠશાળાના ઋષીકુમારો સોમનાથ પરિસરમાં ગણેશજીના ચરણોમાં શ્રી ગણપતિ અથર્વશીર્ષના પાઠ કરશે. સમગ્ર ગુજરાતની પ્રત્યેક પાઠશાળા સોમનાથ ટ્રસ્ટના આ મહા અનુષ્ઠાનમાં સહભાગી બનશે જેનાથી સંસ્કૃત પાઠશાળાઓના જ્ઞાનના આદાનપ્રદાનના દ્વાર પણ ખુલશે. આ મહા અનુષ્ઠાનમાં ઋષિકુમારોના ઓજસ્વી મંત્રોચ્ચાર થી પ્રેરણા લઈને અન્ય વિદ્યાર્થીઓ અને વાલીઓ પણ સંસ્કૃત પાઠશાળામાં અભ્યાસ અંગે પ્રેરિત થશે.

આજરોજ વિનાયક ચતુર્થીના શ્રી સદગુરૂ સંસ્કૃત મહાવિદ્યાલય તથા શ્રી આણદાબાવા વેદાન્ત મહાવિદ્યાલયના 111 ઋષીકુમારો/ગુરૂજનોએ મળી કુલ 6,780 ગણપતિ અથર્વશીર્ષ પાઠના આવર્તન કરેલ હતા. આ પ્રસંગે સોમનાથ સંસ્કૃત પાઠશાળાના 50 ઋષીકુમારો અને 3 ગુરુજી દ્વારા શ્રી ગણેશ અથર્વશીર્ષના પાઠ કરવામાં આવ્યા હતા.

શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા આવનાર પ્રત્યેક ઋષિ કુમારને ભક્તિમય પ્રસાદ કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. જેમાં સોમનાથ ટ્રસ્ટ નિર્મિત લઘુયજ્ઞ કીટ, સોમગંગા નિર્માલ્ય જળ, રુદ્રાક્ષ અને ભસ્મપ્રસાદ, અને સોમનાથ મહાદેવનો 3d ફોટો ભેટમાં અપાયા હતા. પાઠ સંપન્ન થયે સોમનાથ મહાદેવના મહા પ્રસાદ સ્વરૂપે ભોજન કરાવીને ઋષિ કુમારો અને ગુરુજનો ને સન્માનપૂર્વક વિદાયમાં આપવામાં આવ્યું હતું.

એકીસાથે મોટા સમૂહ ની અંદર ઋષિ કુમારો દ્વારા શ્રી ગણપતિ અથર્વશીર્ષના પઠનથી સોમનાથ તીર્થમાં ઊર્જાનો નવો સંચાર થયો હતો અને મહાદેવના દર્શને આવનાર ભક્તો પણ શ્રી ગણેશ ભક્તિમાં લીન થયા હતા.

આ પ્રસંગે સંસ્કૃત પાઠશાળા શિક્ષણ વિભાગના નિયામક વસંતભાઇ તેરૈયાની આ પ્રસંગે વિશેષ ઉપસ્થીતી રહી હતી, તેઓ પૂજન, અનુષ્ઠાન સહિતના ઉપક્રમમાં જોડાઇ ધન્ય બન્યા હતા. 

Related posts

Leave a Comment