ભીમ અગિયારસ પર સોમનાથ મહાદેવને કરાયો 2500 કિલો કેરીનો મનોરથ

હિન્દ ન્યુઝ, સોમનાથ
           પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના ચરણોમાં ભક્તો અનેક પ્રકારના પ્રસાદ ધરાવે છે. અને વિશેષ રૂપે પ્રતિવર્ષ ઉનાળામાં ફળોનો રાજા ગણાતી કેસર કેરીનો સોમનાથ મહાદેવને ભવ્ય મનોરથ કરવામાં આવે છે. અને એ મનોરથ પ્રસાદ સ્વરૂપે નાના બાળકો અથવા દિવ્યાંગો સુધી પહોંચે છે જે સોમનાથ ટ્રસ્ટની ભક્તિ અને માનવતાનો સુભગ સમન્વય બને છે.
        સોમનાથ મહાદેવને ભીમ અગિયારસ એટલે કે જેઠ શુક્લ એકાદશી ના પવિત્ર અવસર પર 2500 કિલોથી વધુ કેસર કેરીનો શૃંગાર કરવામાં આવ્યો હતો. જિલ્લા વહીવટી તંત્રના સંકલન સાથે વેરાવળ તાલુકાની 324 આંગણવાડીના 10,000 થી વધુ બાળકો સુધી આ કેરી પ્રસાદ સ્વરૂપે પહોંચાડવામાં આવશે. આ અગાઉ પણ કેરીના મનોરથ બાદ સોમનાથ ટ્રસ્ટ દ્વારા વેરાવળ તેમજ જૂનાગઢના દિવ્યાંગ ગૃહોમાં પ્રસાદ સ્વરૂપે કેરીનું વિતરણ કરવામાં આવ્યું હતું.
 આ ઉપરાંત સોમનાથ ટ્રસ્ટ દેશના યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીની અધ્યક્ષતામાં અનેકવિધ લોક ઉપયોગી કાર્ય કરી રહ્યું છે. જેમાં પ્રતિમાસ આરોગ્ય ચિકિત્સા કેમ્પ હોય કે પછી કુપોષિત બાળકોને ચીકી વિતરણ કરી અને સુપોષિત બનાવવાનો અભિયાન સોમનાથ ટ્રસ્ટ હંમેશા સામાજિક જવાબદારી નિભાવવામાં અગ્રેસર રહ્યું છે. તેવી જ રીતે પ્રત્યેક કેરીની સીઝનમા આંગણવાડી અને દિવ્યાંગ ગૃહોને કેરીનું વિતરણ કરી સોમનાથ ટ્રસ્ટ મહાદેવનો કૃપા પ્રસાદ દિવ્યાંગ જનો અને નાના ભૂલકાઓ સુધી પહોંચાડે છે.

Related posts

Leave a Comment