સુરેન્દ્રનગર
સુરેન્દ્રનગર રેલવે સ્ટેશન ખાતે તમિલ બાંધવો- ભગીનીઓનું ભવ્ય સ્વાગત તમિલનાડુમાં સ્થાયી થયેલા મૂળ સૌરાષ્ટ્રના તમિલ ભાઈબહેનોનું પોતાની માતૃભૂમિ સાથે પૂનર્મિલન કરાવવાના હેતુથી અને ગુજરાત-તામિલનાડુ વચ્ચેના સદીઓ જૂના સંબંધોની ભવ્ય ઉજવણી કરવાના હેતુથી યોજાઇ રહેલા ‘સૌરાષ્ટ્ર તમિલ સંગમ’ માટે તામિલનાડુથી નીકળેલી ટ્રેન રાત્રે ૯:૨૫ કલાકે સુરેન્દ્રનગર રેલવે સ્ટેશન પર આવી પહોંચતા ધારાસભ્ય પી.કે પરમાર તેમજ અગ્રણી હિતેન્દ્રસિંહ ચૌહાણ દ્વારા યાત્રિકોનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત સૌરાષ્ટ્ર તમિલ સંગમ કાર્યક્રમ માટે ખાસ મદુરાઈથી સ્પેશિયલ ટ્રેનમાં સૌરાષ્ટ્રીયન તમિલ લોકો સાંજે સુરેન્દ્રનગર રેલવે સ્ટેશન ખાતે આવી પહોંચતા ટ્રેનના સુરેન્દ્રનગર સ્ટોપેજ દરમિયાન રેલવે સ્ટેશન ખાતે ઉપસ્થિત નાગરિકોએ પણ તમિલ બાંધવો- ભગીનીઓનું ઉષ્માભેર સ્વાગત કર્યું હતું. ‘વંદે માતરમ’ અને ‘ભારત માતાકી જય’ના જયઘોષથી સમગ્ર સ્ટેશન પર સાંસ્કૃતિક એકતાની પ્રતીતિ થઈ હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, ‘સૌરાષ્ટ્ર – તમિલ સંગમ’ નો શુભારંભ તા. ૧૭ એપ્રિલે સૌરાષ્ટ્રમાં દ્વાદશ જ્યોતિર્લિંગમાંના પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં થયો હતો. તા.૧૭ એપ્રિલથી ૩૦ એપ્રિલ સુધી ચાલનાર ‘સૌરાષ્ટ્ર – તમિલ સંગમ’ માં તામિલનાડુથી આશરે ૩૦૦૦ થી ૫૦૦૦ લોકો સૌરાષ્ટ્રની મુલાકાત લેશે અને આ રંગારંગ ઉજવણીનો ભાગ બનશે. આ ગુજરાત યાત્રા સુરેન્દ્રનગર ખાતે પહોંચતા અગ્રણી સર્વ દિલીપભાઈ પટેલ, અમથુભાઈ કમેજળીયા, સોનાજી ઠાકોર, પ્રકાશભાઈ ડોડીયા સહિત મોટી સંખ્યામાં નાગરિકો સ્વાગતમાં ઉમટ્યા હતા.