હિન્દ ન્યુઝ, ભુજ
ભુજ ટાઉનહોલ ખાતે કચ્છ જિલ્લા સૈનિક કલ્યાણ અને પુનર્વસવાટ કચેરી દ્વારા માજી સૈનિકો, તેમના આશ્રિતોને રાજ્ય સરકાર તેમજ કેન્દ્ર સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓની જાણકારી મળી રહે અને તેમની ફરિયાદોનું નિવારણ આવે તે માટે માજી સૈનિક મહા સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. કચ્છ જિલ્લા કલેકટર દિલીપ રાણાની અધ્યક્ષતામાં મહા સંમેલન યોજાયું હતું.
આ પ્રસંગે જિલ્લા કલેકટર દિલીપ રાણાએ જણાવ્યું હતું કે, દેશમાં સૈનિકો રાત દિવસ વિષમ પરિસ્થિતિઓ વચ્ચે સીમાઓનું રક્ષણ કરે છે. પોતાના સ્વજનોથી દૂર રહીને રાષ્ટ્રીય સુરક્ષા માટે તેઓ નિર્ભયપણે ફરજ બજાવે છે. કલેક્ટરએ દેશ રક્ષા કાજે શહીદ થયેલા જવાનોને શાબ્દિક શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. તેઓએ ઉમેર્યું હતું કે, આ જવાનો અને તેમના પરિવારજનોના પ્રશ્નો વિશે ચર્ચા કરીને તાત્કાલિક નિવારણ લાવવામાં આવશે. આ ઉપરાંત, દેશમાં આપદા સમયે સેના દ્વારા કરવામાં આવતી બચાવ કામગીરીને કલેક્ટરએ બિરદાવી જવાનોને ધન્યવાદ આપ્યા હતા.
આ પ્રસંગે કમાન્ડન્ટ બ્રિગેડિયર અમર કુહિતેએ જણાવ્યું હતું કે, આજે જે પણ જવાન દેશસેવામાં તે કાલે નિવૃત્ત થઈને માજી સૈનિક બનવાનો જ છે. માજી સૈનિક અને તેમના આશ્રિતો માટે રાજ્ય અને કેન્દ્ર સરકારે અનેક કલ્યાણકારી યોજનાઓ અમલમાં મૂકી છે. તેઓએ યુવાનો મોટી સંખ્યામાં અગ્નિવીર અંતગર્ત સેનામાં જોડાઈને દેશ સેવા કરે તે અંગે અનુરોધ કર્યો હતો. આ ઉપરાંત, માજી સૈનિકોએ જિલ્લા સૈનિક કચેરીએ માર્ગદર્શન લઈને અપડેટ રહેવું જોઈએ તેવું સૂચન કર્યું હતું.
માજી સૈનિક સંગઠનના પ્રમુખ દિલાવરસિંહ જાડેજાએ માજી સૈનિકોના હાલના પ્રશ્નોને જિલ્લા કલેક્ટર અને બ્રિગેડિયર સમક્ષ રજૂ કર્યા હતા. કર્નલ કિરીટસિંહ ગઢવીએ સૈનિકોને મળતી આરોગ્ય સેવા અંગે વિસ્તૃત માહિતી આપી હતી.
આ મહા સંમેલન દરમિયાન માજી સૈનિકોના ધર્મપત્નીઓ, વીરનારીઓ અને દાતાઓનું સન્માન કરવામાં આવ્યું હતું. જિલ્લા સૈનિક કલ્યાણ અધિકારી ભરતસિંહ ચાવડાએ સ્વાગત પ્રવચન કરીને કાર્યક્રમની રૂપરેખા રજૂ કરી હતી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન પંકજભાઈ ઝાલાએ કર્યું હતું.
આ મહા સંમેલનમાં એડમ કમાન્ડન્ટ કર્નલ ગીલ, મેજર મહિપતસિંહ ગઢવી, વીરનારી સુ સોનલબેન ગઢવી, અખિલ હિંદ મહિલા પરિષદના સુ જ્યોતિબેન ભટ્ટ, મહિલા કિસાન સંઘ પ્રમુખ સુ રાધાબેન ભુડિયા, માજી સંગઠનના જનરલ સેક્રેટરી ભરત સુથાર, અશોકસિંહ ઝાલા, ધર્મેશભાઇ ખેંગાર સહિત માજી સૈનિકો અને તેમના આશ્રિતો ઉપસ્થિત રહ્યા હતા.