રાજ્યના ખેડૂતો માટે અત્યંત ચિંતિત આ સરકાર ખેડૂતોને સમયસર જરૂરી રાહત મળી રહે તે માટે સંકલ્પબદ્ધ : ઉર્જા મંત્રી કનુભાઈ દેસાઈ

હિન્દ ન્યુઝ, ભુજ
વિધાનસભા ગૃહમાં ખેતીવાડી વીજ ગ્રાહકોને વીજ બિલમાં અપાતી સબસીડી સંદર્ભે પૂછાયેલા પ્રશ્નનો ઉત્તર આપતા ઉર્જા મંત્રી કનુભાઈ દેસાઈએ કહ્યું હતું કે, મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ ચાલતી આ સરકાર રાજ્યના ખેડૂતો માટે અત્યંત ચિંતિત છે. ખેડૂતોના પ્રશ્નો અને તેના સમાધાન ઉપરાંત તેમને યોગ્ય રાહત આપવા સતત કાળજીપૂર્વક નિર્ણયો કરતી આ સરકાર દ્વારા રાજ્યના ખેતીવાડી ગ્રાહકોને વીજબીલમાં સંતોષકારક સબસીડી આપવામાં આવી રહી છે. રાજ્યના ત્રણ જિલ્લાઓ જામનગર, સુરત અને કચ્છના ૪,૫૭,૩૨૯ ખેતીવાડી વીજ ગ્રાહકોને કુલ રૂ.૧૭૬૨.૮૦ કરોડની સબસીડી રાજ્ય સરકાર દ્વારા ચૂકવવામાં આવી છે.
જામનગર જિલ્લાના ખેતીવાડી વીજ ગ્રાહકોને અપાયેલી સબસીડી અંગે માહિતી આપતા મંત્રીશ્રીએ ઉમેર્યું કે, તા.૩૧મી ડિસેમ્બર ૨૦૨૨ની સ્થિતિએ છેલ્લા બે વર્ષમાં રાજ્ય સરકાર દ્વારા જામનગર જિલ્લામાં બે વર્ષમાં કુલ ૨,૧૭,૫૯૮ ખેતીવાડી વીજ ગ્રાહકોને રૂ.૩૭૬.૪૫ કરોડની સબસીડી આપવામાં આવી છે. જેમાં વર્ષ ૨૦૨૧માં કુલ ૧,૦૭,૭૫૩ ખેતીવાડી વીજ ગ્રાહકોને અને વર્ષ ૨૦૨૨માં કુલ ૧,૦૯,૮૪૫ ખેતીવાડી વીજ ગ્રાહકોને વીજબીલમાં સબસીડી આપવામાં આવી છે. જે અંતર્ગત વર્ષ ૨૦૨૧માં રૂ.૧૭૨.૫૫ કરોડ અને વર્ષ ૨૦૨૨માં રૂ.૨૦૩.૯૦ કરોડની સબસીડી આપવામાં આવી છે.
મંત્રીએ સુરત જિલ્લામાં અપાયેલી સબસીડીની વિગતો આપતા વધુમાં જણાવ્યું કે, છેલ્લા બે વર્ષમાં સુરત જિલ્લામાં બે વર્ષમાં ૧,૧૪,૭૯૦ ખેતીવાડી વીજ ગ્રાહકોને રૂ.૧૯૦.૫૭ કરોડની સબસીડી ચૂકવવામાં આવી છે. જેમાં વર્ષ ૨૦૨૧માં કુલ ૫૬,૯૨૬ ખેતીવાડી વીજ ગ્રાહકોને અને વર્ષ ૨૦૨૨માં કુલ ૫૭,૮૬૪ ખેતીવાડી વીજ ગ્રાહકોને વીજબીલમાં સબસીડી આપવામાં આવી છે. જે અંતર્ગત વર્ષ ૨૦૨૧માં રૂ.૮૫.૯૭ કરોડ અને વર્ષ ૨૦૨૨માં રૂ.૧૦૪.૬૦ કરોડની સબસીડી રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવી છે. તેવી જ રીતે કચ્છ જિલ્લામાં બે વર્ષમાં ૧,૨૪,૯૪૧ ખેતીવાડી વીજ ગ્રાહકોને રૂ.૧૧૯૫.૭૮ કરોડની સબસીડી ચૂકવવામાં આવી છે. જેમાં વર્ષ ૨૦૨૧માં કુલ ૬૧,૭૦૧ ખેતીવાડી વીજ ગ્રાહકોને રૂ.૫૪૯.૨૪ કરોડ સબસીડી ચૂકવવામાં આવી છે. જ્યારે વર્ષ ૨૦૨૨માં કુલ ૬૩,૨૪૦ ખેતીવાડી વીજ ગ્રાહકોને રૂ.૬૪૬.૫૪ કરોડની સબસીડી વીજબીલમાં આપવામાં આવી હોવાનું મંત્રીએ ઉમેર્યું હતું.

Related posts

Leave a Comment