દાહોદ,
દાહોદ જિલ્લા વિકાસ અધિકારી રચિત રાજે જિલ્લાના તમામ સરપંચોએ એક પત્ર પાઠવી મેલેરિયા સામેની લડાઇમાં સહભાગી બવ્નવા આહ્વાન કર્યું છે. તેમણે આ પત્રમાં મેલેરિયાને દાહોદમાંથી દેશવટો આપવા સાથે તકેદારી રાખવા જણાવ્યું છે. રાજે સરપંચોને ઉદ્દેશીને લખેલા પત્રમાં જણાવ્યું છે કે, મેલેરિયા એ દેશની એક ગંભીર સમસ્યા છે. આ સમસ્યા માટે મચ્છર જવાબદાર છે. કારણ કે મેલેરિયા મચ્છરથી જ ફેલાય છે. પરંતુ આજ દિન સુધી આપણે એના પ્રત્યે ગંભીરતા દાખવી નથી. મેલેરિયા આપણા દેશને સૌથી વધુ આર્થિક તેમજ શારીરિક નુકશાન પહોચાડી રહેલ છે. જેને કાબુમાં લેવો એ સમાજના તમામની જવાબદારી બને છે. ચાલુ વર્ષે રાજ્ય સરકાર દ્વારા કોરોનાની પરિસ્થિતિને ધ્યાને રાખી સામાજિક અંતર તેમજ વખતો વખત કરવામાં આવતી માર્ગદર્શિકાનું ચુસ્ત પણે પાલન કરી વાહક જન્ય રોગોનું નિયંત્રણ અને અટકાયતી પગલા લેવાના થાય છે. ગુજરાત પંચાયત ધારાની અનુસૂચિ-૧ માં ગ્રામ પંચાયતની ફરજો બતાવવામાં આવેલ છે તેના ભાગ-૧ માં ગામની સફાઈ, સ્વચ્છતાના, ચેપી રોગ અટકાવવા કચરો અને ગંદકી, પાણીનો નિકાલ કરવો, ગામનું વાતાવરણ આરોગ્યપ્રદ રાખવાની જવાબદારી ગ્રામ પંચાયતના સરપંચની છે. મેલેરિયાની રોગચાળો આપના વિસ્તારમાં ન થાય તે માટે પંચાયતે સાવચેતીના તમામ પગલા સક્રિય રીતે હાથ ધરવા પડશે.
જેમાં સમાજમાં રહેલા મેલેરીયાના જીવાણુંઓને નાશ કરવો. મચ્છર ની ઉત્પતિ અટકાવવી, સમાજમાં રહેલા મેલેરીયાના જીવાણુંઓને દુર કરવા દરેક ગામે તાવ સારવાર કેન્દ્ર, દવા વિતરણ કેન્દ્ર હોવું જરૂરી છે. જેથી તાવના સમયેજ યોગ્ય સારવાર દર્દીને મળી રહે આ માટે દરેક ગામ ખાતે રાખેલ આરોગ્ય મિત્ર ,આશા વર્કર તથા અન્યને કામગીરી સોપવા મદદરૂપ થવું જરૂરી છે. મચ્છર ઉત્પતિ રોકવાથી મેલેરિયા, ડેન્ગ્યું, ચિકનગુનિયા, હાથીપગા, જાપાનીઝ એનકેફેલાઈટીસ જેવા જીવલેણ રોગો પણ થતા અટકાવી શકાય.
મેલેરિયા ડેન્ગ્યું જેમાં રોગો ફેલાવતા મચ્છરો ચોખ્ખા પરંતુ એકઠાં થયેલ પાણીમાં જ ઉત્પન્ન થાય છે. જેથી પાણી એકઠું થવા ન દેવું જોઈએ. અને પાણી વહેતું રહે તેવી વ્યવસ્થા ગોઠવવી જોઈએ. પાણીની કોડીમાં ડબ્બામાં કે ટાંકીમાં કે અન્ય પાણી ભરવાના સાધનોમાં ભરી રાખેલ પાણીને અઠવાડિયામાં એકવાર ખાલી કરી નાંખી પાત્રને ઘસીને સાફ કરી સુકવીને પછી જ પાણી ભરવું જોઈએ. ઈયળ (પાણી પોરા) દેખાય તો પાણી ગાળી લઈને કે ઢોળી દઈ બરાબર સાફ કરી સુકવીને પછી જ પાણી ભરવું જોઈએ. પાણી ભરાઈ રહેતા બિન ઉપયોગી ખાડા, ખાબોચિયા,માટી પુરાણ કરી દેવા જોઈએ.તથા ગટર કે નાળાનું પાણી વહેવડાવી દેવું જોઈએ.
પીવાના પાણીના કુવા, હેન્ડ પંપની આજુ-બાજુ પાણી એકઠું થવા ન દેવું જોઈએ.યોગ્ય વ્યવસ્થા કરી પાણી વહી જાય અને સુકાય જાય તેવી વ્યવસ્થા ગોઠવણી જોઈએ. જ્યાં પાણી વહેવડાવી શકાય તેમ ન હોય ત્યાં કેરોસીન, બળેલું ઓઈલ રેડી લેયર તૈયાર કરવું, જેથી ઈયળોનો નાશ કરી શકાય અને ઘર તેમજ ગામને મચ્છર મુક્ત કરી શકાય અને મચ્છર થી ફેલાતા જીવલેણ રોગોનો ફેલાવો અટકાવી શકાય. મોટા ખાડાઓ, તળાવો વગેરે માં મચ્છર ઉત્પતિ રોકવા પોરાભક્ષક માછલી (ગપ્પી તથા ગંબુશિયા) મુકાવવી જે મચ્છર ની ઈયળો ખાય જાય છે. અને જેના દ્વારા મચ્છરની ઉત્પતિ નિયંત્રિત કરી શકાય છે. આ રીતે મચ્છરની ઘનતા ઘટાડી મનુષ્ય અને મચ્છરો સંપર્ક ઘટાડી મચ્છરથી ફેલાતાં રોગોનું નિયંત્રણ કરી દેશને આર્થિક અને શારીરિક રીતે સમૃદ્ધ કરીએ.એ આપની સૌની ફરજ બની રહે છે. આપના ગામમાં ગ્રામ પંચાયતની આરોગ્ય સમિતિની કાર્યરત કરી મેલેરિયા નિયંત્રણ માટેના પગલા ભરવા માટે આપના ગામમાં સેવાભાવી માણસ મારફતે તાવ સારવાર કેન્દ્ર ખોલવાની વ્યવસ્થા કરવા રાજે આ પત્રમાં જણાવ્યું છે. જે ગામમાં જંતુનાશક દવા છંટકાવ માટેનું આયોજન થયેલ હોય તેવા ગામના ધરોમાં ૧૦૦ ટકા છંટકાવ કરવામાં મદદ કરવા ઉપરાંત જનજાગૃતિના લાવવા તેમણે સરપંચોને અનુરોધ કર્યો છે.
રિપોર્ટર : વિજય બચ્ચાની, દાહોદ