કાલાવડના નિકાવા ગામે શ્રી મચ્છો માતાજીના મંદિરે ભરવાડ સમાજની ૧૦૯ દિકરીઓના લગ્ન લખાયા સાથો સાથ લગ્ન જીવન સુખમય બને તે માટે ગૃહશાંતિ હવનનું પણ આયોજન કરવામાં આવેલ

 હિન્દ ન્યુઝ, નીકવા (કાલાવડ)

        કાલાવડ તાલુકાના નિકાવા ગામે સમસ્ત ભરવાડ સમાજના ઉપક્રમે આગામી તા. ૧૬-૦૨-૨૦૨૩ ના રોજ સમૂહ લગ્નોત્સવ – ૨૦૨૩ ના આયોજનના ભાગરૂપે ૧૦૯ દિકરીઓના લગ્ન લખાયા. સમૂહ લગ્નમાં જોડાયેલ તમામ દિકરીઓનું લગ્ન જીવન સુખમય, શાંતિમય બને તે માટે ગૃહશાંતિ હવન પણ કરવામાં આવેલ.

         સમસ્ત ભરવાડ સમાજના ઉપક્રમે આગામી તારીખ ૧૬ – ૦૨ – ૨૦૨૩ ના રોજ સમૂહ લગ્નોત્સવ – ૨૦૨૩ નું અતિ ભવ્યાતિભવ્ય આયોજન થવા જઈ રહ્યું છે જેના ભાગરૂપે કાલાવડ તાલુકાના નિકાવા ગામે પીપર રોડ પર આવેલ ‘શ્રી મચ્છો માતાજી’ ના મંદિરે ૧૦૯ દિકરીઓના લગ્ન લખાયા. વહેલી સવારથી નજદીક અને દૂર દૂરથી ૧૦૯ દિકરીઓ કે જેઓએ આ સમૂહ લગ્નોત્સવમાં જોડાવા માટે ફોર્મ ભરાવેલ તમામ દિકરીઓ ‘શ્રી મચ્છો માતાજી’ ના મંદિરે પોતાના પરિવાર સાથે આવીને તમામ ૧૦૯ દિકરીઓનું આવનાર લગ્ન જીવન સુખમય અને શાંતિમય બને તેના માટે ખાસ હવનનું આયોજન કરવામાં આવેલ હતું. શાસ્ત્રોક્ત વિધિથી આશરે ત્રણ કલાક જેટલો સમયમાં હવન ચાલેલ હતો અને તમામ દિકરીઓ આ ગૃહશાંતિ હવનમાં બેસીને પોતાના હાથે યજ્ઞકુંડમાં ઘી ની આહૂતિ આપેલ હતી અને અંતમાં શ્રી ગૌપાલક સમૂહ લગ્ન સમિતિ – રાજકોટ તેમજ શ્રી મચ્છોઆઈ સમૂહ લગ્ન સમિતિ – નિકાવા (કાલાવડ) ના તમામ સભ્યો દ્વારા પણ યજ્ઞકુંડમાં ઘી ની આહૂતિ આપી હતી અને તમામે તમામ ૧૦૯ દિકરીઓ નું આવનાર લગ્ન જીવન સુખ શાંતિથી પસાર થાય તેવી પ્રાર્થના સાથે આશિર્વાદ આપ્યા હતા.

      સમૂહ લગ્નના આયોજકો દ્વારા તમામ ૧૦૯ દિકરીઓને કરીયાવરમાં સોનાના દાણા, ચાંદીના ફેરવા સહિત ઘરવખરીની જીવન જરૂરી ચીજ વસ્તુઓમાં કબાટ, પથારી સેટ, બાજોટ, પાટલા, મામટ, કાંસાની તાંસળી તેમજ સ્ટીલના વાસણો વગેરે તમામ વસ્તુઓ આપવામાં આવેલ હતી. અમુક વર – કન્યા પક્ષના વાલીઓએ ગોળ ધાણાંની વિધિ પણ માતાજીના સાનિધ્યમાં કરેલ હતી અને ઘણાં બધા એ છાબની વિધિ પણ કરેલ હતી. યજ્ઞમાં દિકરીઓ તેમજ બન્ને સમિતિના સભ્યો દ્વારા બીડુ હોમવામાં આવ્યુ હતુ ત્યાર બાદ તમામ લોકો એ પ્રસાદી સ્વરૂપે ભોજન લીધું હતું. બપોરે પ્રસાદી લીધા બાદ તમામ ૧૦૯ દિકરીઓના જે લગ્ન લખાયા હતા તે કન્યા પક્ષે બે બહેનો દ્વારા લગ્ન કંકુ ચોખાથી વધાવીને વર પક્ષ તરફથી આવેલ ભાઈને આપેલ. ગૃહશાંતિ હવન તેમજ લગ્ન લખવાના પ્રસંગે ભરવાડ સમાજના આશરે ૩૦૦૦ જેટલા ભાઈઓ – બહેનો હાજર રહીને સમૂહ ભોજન કરીને ભરવાડ સમાજની એકતા બતાવી હતી. સમિતિના સભ્યો દ્વારા જરૂરી માહિતી અને માર્ગદર્શન આપીને સમૂહમાં મચ્છો માતાજી તેમજ દ્વારકાધીશના જયઘોષ કરીને પ્રસંગમાં આવેલ કન્યા સહિત સમાજના ભાઈઓ – બહેનો સૌ કોઈ છુટા પડ્યા હતા. ૧૦૯ દિકરીઓના લગ્ન લખવાના અને ગૃહશાંતિ હવનને સફળ બનાવવા માટે શ્રી મચ્છોઆઈ સમૂહ લગ્ન સમિતિ – નિકાવા તેમજ શ્રી ગૌપાલક સમૂહ લગ્ન સમિતિ – રાજકોટ ના તમામ સભ્યોએ ભારે જહેમત ઉઠાવી હતી.

કાલાવડના નિકાવા ગામે ભરવાડ સમાજની ૧૦૯ દિકરીઓના લગ્ન લખાયા, દિકરીઓનું લગ્ન જીવન સુખમય બને તે માટે ગાયત્રી યજ્ઞનું પણ આયોજન કરવામાં આવ્યું.

અહેવાલ : ભોજાભાઈ વી. ટોયટા, નિકવા

Related posts

Leave a Comment