હિન્દ ન્યુઝ, સુરત
ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી અને સધર્ન ગુજરાત ચેમ્બર ટ્રેડ એન્ડ ઈન્ડસ્ટ્રીઝ ડેવલપમેન્ટ સેન્ટર દ્વારા સરસાણા સ્થિત સુરત ઇન્ટરનેશનલ એકઝીબીશન એન્ડ કન્વેન્શન સેન્ટર ખાતે સાતમા ‘સીટેક્ષ- સુરત ઈન્ટરનેશનલ ટેક્સટાઈલ એક્ષ્પો– ર૦ર૩’ પ્રદર્શનને કેન્દ્રીય ટેક્સટાઈલ અને રેલ્વે રાજ્યમંત્રી દર્શનાબેન જરદોશના હસ્તે ખુલ્લું મુકાયું હતું. આ પ્રસંગે ઉદ્યોગ, નાગરિક ઉડ્ડયન અને શ્રમ અને રોજગાર મંત્રીશ્રી બળવંતસિંહ રાજપુત અને ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. સીટેક્ષ એક્ઝીબિશનમાં ટેકસટાઈલ મશીનરી, એસેસરીઝ મેન્યુફેક્ચરર્સ તેમની વિશ્વની સૌથી અદ્યતન ટેકનોલોજી ધરાવતી એરજેટ લૂમ્સ, વોટર જેટ લૂમ્સ, રેપીપર, લૂમ્સ, જેકાર્ડ, ડોબી મશીન, વેલવેટ વિવિંગ મશીન, સકર્યુલર નીટિંગ, યાર્ન ડાઈંગ, વોર્મિંગ મશીન, ડિજીટલ પ્રિન્ટીંગ મશીનરી, પોઝીશન પ્રિન્ટીંગ મશીન, વિવિધ પ્રિન્ટીંગ ઇન્ક, સ્યુઇંગ મશીન, હીટ ટ્રાન્સફર મશીન, હોટ ફિકસ મશીન, ટીએફઓ મળીને ૧૦૦થી વધુ એક્ઝીબિટર્સે ભાગ લઈને મશીનરી તથા એસેસરીઝ પ્રદર્શિત કરવામાં આવી છે. પ્રસંગે મંત્રીશ્રીમતી દર્શનાબેન જરદોશે જણાવ્યું કે, મેન મેઈડ ફાઈબરના ઉત્પાદનમાં સુરત હબ બન્યું છે. ટેક્ષટાઇલક્ષેત્રમાં રેડીમેન્ટ ગારમેન્ટ અને ટેકનિકલ ટેક્ષટાઇલક્ષેત્રે વિકાસની વિશાળ સંભાવનાઓ રહેલી છે. ત્યારે કેન્દ્ર સરકારની પીઆઈએલ સ્કીમનો લાભ લઇને ઉદ્યોગકારોને આગળ વધવાનો અનુરોધ તેમણે કર્યો હતો. ટેક્સટાઈલમાં નવા રિસર્ચ અને ટેક્નિકલ ક્ષેત્ર વિકાસ માટેના ૪૦૦ કરોડના ફંડને વધારીને ૧૨૦૦ કરોડ કરવામાં આવ્યું છે. આગામી G-20ની ઈવેન્ટ્સમાં સમગ્ર દેશની સાથે ગુજરાત સહભાગી બનવાની તૈયારીઓ અંગેની વિગતો આપી હતી. તેમણે વધુમાં કહ્યું કે, ટેક્ષટાઇલ ઈન્ડસ્ટ્રીઝ અન્ય વિભાગો સાથે મળીને ઈકો સીસ્ટમ સાથે કાર્ય કરી રહી છે. આ હેન્ડલુમ્સ અને હેન્ડીક્રાફટક્ષેત્રે ૭૦ ટકા મહિલાઓ રોજગારી મેળવી રહી છે ત્યારે આત્મનિર્ભર ભારત બનવા માટે એમએસએમઈનો બહોળો વિકાસ થાય નવી રોજગારી તકોનું સર્જન થાય તે માટે સરકાર દ્વારા કરવામાં આવી રહેલા પ્રયાસોની વિગતો આપી હતી. રેલ્વેમંત્રીશ્રીએ વધુમાં કહ્યું કે, સીટેક્ષ-૨૦૨૩ એક્ઝીબિશન થકી આત્મનિર્ભર બનવા મશીનરીની સાથે સાથે ઉચ્ચગુણવત્તા યુક્ત કાપડ એક્ષ્પોર્ટ થવાની તક વધશે. ટેક્નિકલ ટેક્સટાઈલક્ષેત્રે સ્પોર્ટસવેર મહત્વનું યોગદાન આપી શકશે. પીએલઆઈ સ્કીમમાં ગુજરાતના ૬૭ પ્લેયર્સમાંથી સુરતના ૭ પ્લેયર્સ છે ત્યારે વધુમાં વધુ ઉદ્યોગકારો આ સ્કીમનો લાભ લેવાનો અનુરોધ કર્યો હતો. આ અવસરે ઉધોગમંત્રી બલવંતસિંહ રાજપુતે જણાવ્યું કે, ગુજરાતના વિકાસ મોડેલમાં ખેતીની સાથે ટેક્સટાઈલ ઉદ્યોગે પણ મહત્વનું યોગદાન આપ્યું છે. આ પ્રદર્શનમાં લેટેસ્ટ ટેક્નોલોજી સાથેની વિવિધ પ્રકારની આધુનિક મશીનરી જોવા મળી છે. કેન્દ્ર અને રાજ્ય સરકાર અનેકવિધ પોલીસીઓ દ્વારા ટેક્સટાઈલ ક્ષેત્રનો વિકાસ ઝડપી થાય તે માટેના પ્રયાસો કરી રહી હોવાનુ તેમણે જણાવ્યું હતું. ગુજરાત રાજ્યને પીએમ મિત્રા પાર્કની નવી ભેટ મળી છે. ત્યારે વધુને વધુ આધુનિક ટેક્નોલોજીના સથવારે રાજયના વિકાસને વધુ તેજ ગતિએ આગળ વધારવાની નેમ વ્યકત કરી હતી. આ અવસરે મંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું કે, સમગ્ર વિશ્વમાં કાપડ અને હીરા ઉધોગક્ષેત્રે સુરત જાણીતું છે. તેમણે ચેમ્બર્સના ઉદ્યોગકારોને ઈન્ટરનેશનલકક્ષાના એક્ઝીબિશનો કરીને સુરતના ટેક્ષટાઇલ ઉધોગને વધુ આગળ લઈ જવાનો અનુરોધ કર્યો હતો. ગુજરાત રાજ્યની સ્પોર્ટસ પોલીસી હેઠળ ટેક્સટાઈલના વેપારીઓને સ્પોર્ટસ ગારમેન્ટ માટે નવું પ્લેટફોર્મ મળશે. તેમણે કહ્યું કે, વ્યાપારીઓ સાથે છેતરપીંડી કરનારાઓને સામે ક્રિમિનલ ફ્રોડ તરીકે ઝડપી કાર્યવાહી થાય તે દિશામાં સરકાર આગળ વધી રહી છે. સુરતમાં છેલ્લા વર્ષે દરમિયાન વેપારીઓ સાથે છેતરપીંડી કરનારા પાસેથી ૪૦ કરોડની રકમ પરત કરાવી હોવાનું જણાવ્યું હતું. આગામી બજેટમાં સુરત ટેક્સટાઈલ માર્કેટ માટે નવું પોલીસ સ્ટેશન પણ મંજુર કરવામાં આવ્યું હોવાનું જણાવીને તેમા ૭૫ પોલીસ સ્ટાફ પણ ફાળવવામાં આવનાર હોવાની વિગતો તેમણે આપી હતી. કેન્દ્રના ટેક્ષટાઇલ વિભાગના સેક્રેટરી શ્રીમતિ રચના શાહે જણાવ્યું હતું કે, ભારતની અર્થવ્યવસ્થા અને જીડીપીમાં ટેક્ષટાઇલક્ષેત્રનું યોગદાન બહુમુલ્ય રહ્યું છે. ખેતીક્ષેત્ર પછી સૌથી વધુ રોજગારી આ ક્ષેત્ર પુરુ પાડે છે. ડોમેસ્ટીક કેપેસિટી વધારવા, મેડમેન ફાઈબર તથા ટેકનિકલ ટેક્ષટાઇલક્ષેત્રના વિકાસમાં આગળ વધવાની હિમાયત કરી હતી. કેન્દ્ર સરકારની પીઆઈએલ સ્કીમનો લાભ લેવા ઉધોગકારોને અનુરોધ કર્યો હતો. ઉત્પાદન ક્ષેત્રે કવોલિટી, વેલ્યુએડેડ અને સસ્ટેનેબલમાં ધ્યાન આપીને આગળ વધવાનો અનુરોધ કર્યો હતો. ભારત આગામી સમયમાં ૧૦૦ બિલિયન એક્સપોર્ટના લક્ષ્યાંક સાથે આગળ વધી રહ્યો છે ત્યારે ટેક્ષટાઇલ ક્ષેત્ર પણ તેમાં પોતાનુ પુર્ણ યોગદાન આપશે તેમ વિશ્વાસ તેમણે વ્યકત કર્યો હતો. નોંધનીય છે કે, ટેક્સટાઈલ સીટી તરીકે ખ્યાતનામ સુરતમાં છેલ્લા ૨૦ વર્ષમાં હંમેશા અગ્રેસર બનતું રહ્યું છે. સુરતમાં ૨૦૦૨માં વોટરજેટ એક હજાર મશીન જ હતા ત્યારે વર્ષ ૨૦૨૨માં ૮૦ હજાર વોટરજેટ મશીન કાર્યરત છે. ૨૦૦૨માં ૨૫૦૦ રેપીયર મશીનની સરખામણીએ ૨૦૨૨માં ૨૬ હજાર થયા છે તેમજ પ્રોજેકટ ટેક્ષટાઈલ ૧૦૦ લુમ્સ વધીને આજે ૧૧૦૦ લુમ્સ થયા છે. આમ સતત ટેક્ષટાઈલ ઈન્ડસ્ટ્રીઝ નવી નવી મશીનરીઓ અપનાવીને આગળ વધી રહ્યો છે. આ પ્રસંગે ધારાસભ્ય સંદિપભાઈ દેસાઈ, સુરત મ્યુ.સ્થાયી સમિતિ ચેરમેન પરેશભાઈ પટેલ, બાંગ્લાદેશના ડેપ્યુટી હાય. કમિશનર હીઝ એસીલસી ચિરંજીબ સરકાર, ભારત સરકારના ટેક્સટાઇલ કમિશ્નર રૂપ રાશી, ગુજરાત રાજ્યના ઇન્ડસ્ટ્રીઝ કમિશ્નર ડો. રાહુલ ગુપ્તા (આઇ.એ.એસ.), ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ હિમાંશુભાઈ બોડાવાલા, ઉપપ્રમુખ રમેશભાઈ વઘાસીયા સહિત ટેક્સટાઈલ ક્ષેત્રના એક્ઝીબિટર્સ ઉપસ્થિત રહ્યા હતા.
Post Views:
40