આઝાદી કા અમૃત મહોત્સવ નિમિત્તે નાયબ બાગાયત નિયામકની કચેરી, સુરત દ્વારા સુરત જિલ્લાના ઉમરપાડા તાલુકામાં નાના સુતખડકા ગામે એક દિવસીય ખેડૂત તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ અવસરે મદદનીશ બાગાયત નિયામક ડો.ક્રિષ્ના ડી.પટેલે બાગાયત પાકોની પ્રાકૃતિક ખેતી અપનાવવા અંગે તથા બાગાયતી પાકોના મુલ્યવર્ધન ઉપર માર્ગદર્શન આપ્યું હતું. હિરલબેન ચૌધરી, બાગાયત અધિકારી-ઉમરપાડા દ્વારા બાગાયત ખાતાની વિવિધ યોજનાઓ અને પ્રધાનમંત્રી ફોર્મલાઇઝેશન ઓફ માઇક્રો એન્ડ સ્મોલ સ્કેલ ફૂડ પ્રોસેસીંગ એન્ટરપ્રાઈઝીજ (PMFME) વિશેની ખેડૂતોને જાણકારી આપવામા આવી હતી. સાથે જ અમરસિંગભાઈ દ્વારા ખેતીવાડીની યોજના અંગે માર્ગદર્શન અને પ્રગતિશીલ ખેડૂતોને માહિતીગાર કરવામાં આવ્યા હતા. આ અવસરે કુમારી અંકિતાબેન પી. હળપતિ (બાગાયત અધિકારી-બારડોલી), તાલુકા પંચાયત સભ્ય ગુલાબભાઈ વસાવા, સરપંચ દક્ષાબેન સહિત ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા.