પાટણની યુવતીએ લગ્ન પ્રસંગે જતા પહેલા કર્યું મતદાન

લગ્ન પ્રસંગે જતા પહેલા મતદાન જરૂરી

હિન્દ ન્યુઝ, પાટણ

આજરોજ વહેલી સવારથી જ પાટણની જિલ્લાની ચાર વિધાનસભા બેઠક પર મતદાનની શરૂઆત થઈ ચૂકી છે. શિયાળાની ગુલાબી ઠંડી વચ્ચે પણ લોકો વહેલી સવારે ઊઠીને મતદાન કરવા માટે આવી રહ્યા છે. ગૃહિણીઓથી લઈને વયોવૃદ્ધ લોકો, દિવ્યાંગો, યુવાનો આજે મતદાન કરીને લોકશાહીને મજબૂત બનાવવાના સંકલ્પને સાર્થક કરી રહ્યા છે. પાટણના માતરવાડી મોડલ પોલીંગ સ્ટેશન પર સવારથી જ લોકો મતદાન કરવા માટે આવી રહ્યા છે. માતરવાડી મોડલ પોલીંગ સ્ટેશન જાણે લગ્ન પ્રસંગ હોય તે રીતે સુશોભિત કરવામાં આવ્યું છે, એવામાં પાટણની યુવતી સ્નેહા પ્રજાપતિ લગ્ન પ્રસંગે જતા પહેલા ચૂંટણીના પ્રસંગે (અવસરે) આવવાનું ભૂલી નથી.

પાટણના માતરવાડી વિસ્તારની નિમા વિદ્યાલયમાં પાટણની સ્નેહા પ્રજાપતિએ લગ્ન પ્રસંગે જતા પહેલા ચૂંટણીના આ પ્રસંગે એટલે કે અવસરે આવવાનું જરૂરી સમજ્યું અને મતદાન કરવા માટે આવી પહોંચી. સ્નેહા પ્રજાપતિ મતદાન કર્યા બાદ જણાવે છે કે, પાટણના આ મોડલ પોલીંગ સ્ટેશનને લગ્નની જેમ જાણે એક પ્રસંગ,અવસર હોય તે રીતે જ સજાવવામાં આવ્યું છે. મારે આજે લગ્નમાં જવાનું હોવા છતા પહેલા મત આપવા માટે આવી છું તેથી તમે પણ મત આપીને લોકશાહીના સુંદર અવસરના સહભાગી બનો.

રિપોર્ટેર : અનિલ રામાનુજ, રાધનપુર

Related posts

Leave a Comment