હિન્દ ન્યુઝ, ભુજ
પૂર્વ રાજ્યમંત્રી જૈન સમાજ રત્ન અનશનવ્રતધારી તારાચંદભાઈ છેડાના સ્મૃતિ વિશેષ કાર્યક્રમમાં વિધાનસભા અધ્યક્ષ ડૉ.નીમાબેન આચાર્યે હાજરી આપીને પરિવારને તામ્રપત્ર- સ્મૃતિચિન્હ અર્પણ કર્યું હતું. આ સ્મૃતિ વિશેષ કાર્યક્રમ કવીઓ જૈન મહાજન ભુજ ખાતે યોજાયો હતો.
વિધાનસભા અધ્યક્ષ ડૉ.નીમાબેન આચાર્યે તારાચંદભાઈના સંસ્મરણોને યાદ કરીને કહ્યું હતું કે, તારાચંદભાઈ એવું વ્યક્તિત્વ છે જેમણે રાજકીય ક્ષેત્રને પણ સેવાનું ક્ષેત્ર બનાવ્યું હતું. મને મારા જીવનમાં સેવાકીય પ્રવૃતિઓ કરવા માટે તારાચંદભાઈના જીવનમાંથી પ્રેરણા મળી છે. તેઓ લોકોનું દુઃખ જોઈને દ્રવિત થઈ જતા એવા લાગણીશીલ વ્યક્તિ હતા. જનકલ્યાણનું કામ હોય, જરૂરિયાતમંદનું કામ હોય કે પછી અબોલ પશુઓની જીવદયાનું કામ હોય તેમણે અવિરતપણે સતત સેવા કરી છે. તારાચંદભાઈએ સમગ્ર જીવન સેવામાં સમર્પિત કર્યું હતું. તેઓ સ્પષ્ટ વક્તા અને નીડર વ્યક્તિ હતા. આ સેવાભાવ જોઈને દેશ વિદેશમાં વસતા કચ્છીઓએ હંમેશા તારાચંદભાઈના પરોપકારના કાર્યોમાં હંમેશા સાથ આપ્યો છે.
કચ્છ મોરબી સાંસદ વિનોદભાઈ ચાવડાએ તારાચંદભાઈને યાદ કરીને જણાવ્યું હતું કે, તેમને માતૃભૂમિ પ્રત્યે અપાર પ્રેમ હતો. આથી જ તેઓ મુંબઈ છોડીને કચ્છમાં આવીને વસ્યા હતા. તેઓનું ધ્યેય હંમેશા લોકોની સેવા કરવાનું રહ્યું હતું. દાયકાઓ પહેલાં કચ્છની વિકટ પરિસ્થિતિઓમાં તેઓએ હંમેશા પોતાની જવાબદારી નિભાવી છે. ગૌમાતાથી માંડીને લોકોની સેવા તારાચંદભાઈએ કરી છે. તારાચંદભાઈના આ કાર્યોને કચ્છ હંમેશા યાદ રાખશે.
કચ્છ જિલ્લાના પંચાયતના પ્રમુખ પારૂલબેન કારાએ જણાવ્યું હતું કે, તારાચંદભાઈ લોકોના દુઃખેથી દુઃખી થયા છે. તેમણે લોકસેવાની સાથે જળસંચય સહિત અનેક કાર્યો છે. તેમના સેવાકીય કાર્યોની સુવાસથી લોકો સતત તેમને યાદ કરતા રહેશે.
અંજાર ધારાસભ્ય વાસણભાઈ આહિરે જણાવ્યું હતું કે, તારાચંદભાઈ એક એવું વ્યક્તિત્વ હતા જેમણે સમાજના દરેક ક્ષેત્રમાં આગવી ભૂમિકા નિભાવી છે. લોકોને પ્રેરણા મળે એવું જીવન તેઓ જીવીને ગયા છે. તેમના સેવાકાર્યોના લીધે તારાચંદભાઈ કચ્છની જનતાની સ્મૃતિમાં જીવી રહ્યા છે.
પૂર્વ સાંસદ પુષ્પદાનભાઈ ગઢવી અને પૂર્વ ધારાસભ્ય પંકજભાઈ મહેતાએ પણ તારાચંદભાઈની લોકસેવાના કાર્યોને યાદ કરીને તેમના જીવનમાંથી પ્રેરણા લેવા સૌને અનુરોધ કર્યો હતો. પ્રાસંગિક પ્રવચન વિનોદ ગાલાએ કર્યું હતું. સંચાલન ધીરજ છેડા ‘એકલવીર’ એ કર્યું હતું. જીગરભાઈ છેડાએ કાર્યક્રમના અંતે ઋણ સ્વીકાર કરતા કહ્યું હતું કે પોતાના પિતાના પગલે તેઓ સેવાકીય કાર્યો ચાલુ રાખશે. તેઓએ વધુમાં સમાજના શ્રેષ્ઠીઓ, દાતાઓ અને આગેવાનો દ્વારા આ સેવાયજ્ઞમાં સારો સહયોગ મળી રહ્યો છે. આ પ્રસંગે તારાચંદભાઈ છેડાના જીવન ઝરમર દર્શાવતી સેવાકાર્યોની ડોક્યુમેન્ટરી ફિલ્મ દર્શાવાઈ હતી.
આ સ્મૃતિચિન્હ અર્પણ પ્રસંગે ભુજ નગરપાલિકા પ્રમુખ ઘનશ્યામભાઈ ઠક્કર, ભુજ નગરપાલિકા ઉપપ્રમુખ રેશ્માબેન ઝવેરી, તાલુકા પંચાયતના પ્રમુખ મંજુલાબેન ભંડેરી, જૈન સમાજના પ્રમુખ સ્મિતભાઈ ઝવેરી, પૂર્વ ધારાસભ્ય રમેશભાઈ મહેશ્વરી, જોધપુર ડેવલપમેન્ટ ઓથોરિટીના પૂર્વ ચેરમેન ડૉ. મહેન્દ્રસિંહ રાઠોડ, પૂર્વ નાણામંત્રી બાબુભાઈ શાહ, બાડમેર ધારાસભ્ય હમીરસિંહજી ભાયલ, કેડીસીસી બેંકના ચેરમેન દેવરાજભાઈ ગઢવી, આગેવાન સર્વ જોરુભા રાઠોડ, અનિલભાઈ ગોર, વિજયભાઈ છેડા, નવીનભાઈ વ્યાસ, કૌશલ્યાબેન માધાપરિયા, ડૉ. કૌશિકભાઈ શાહ અને મૃગેશભાઈ બારહડ, સૌરાષ્ટ્ર ટ્રસ્ટના ટ્રસ્ટી હાર્દિકભાઈ મામણીયા, કચ્છમિત્રના તંત્રી દિપકભાઈ માંકડ, નિખીલભાઈ પંડ્યા, મેનેજર શ્રી શૈલેષભાઈ કંસારા સહિત તારાચંદભાઈ છેડાના પરિવારજનોમાં હંસાબેન, નિર્મળાબેન, કસ્તુરબેન, ગીરીશભાઈ, લહેરીભાઈ, જયેશભાઈ, કવીઓ પરિવારના મુકેશ છેડા, હિરેન પાસડ, હરેશ ગોગરી, લાલભાઈ રાંભીયા વિનોદ ગાલા, કેશવજી હરીયા, ચેતનાબેન છેડા, અમિત વોરા, હીરાલાલ સૈયા તથા સમાજના સૌ પરિવારજનો, સર્વ સેવા સંઘના સૌ ટ્રસ્ટીઓ અને વિવિધ સંસ્થાઓના આગેવાનો, મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.


