હિન્દ ન્યુઝ, ભાવનગર
ભાવનગર જિલ્લાના પ્રભારી અને વન અને પર્યાવરણ મંત્રી કિરીટસિંહ રાણાની પ્રેરક ઉપસ્થિતિમાં આજે ભાવનગર જિલ્લાના વલ્લભીપુર ખાતે વલભીપુર તાલુકા રાજપુત સમાજ દ્વારા આયોજિત સરસ્વતી સન્માન સમારોહ યોજાયો હતો.
આ સમારોહમાં તેજસ્વી વિદ્યાર્થીઓનું સન્માન કરતાં મંત્રીએ જણાવ્યું કે, જે સમાજની હોસ્ટેલ-છાત્રાલયમાં રહીને અને સહયોગથી આપણે આગળ વધીએ છીએ. ત્યારે આગળ વધ્યાં બાદ આ જ સમાજના ઉત્કર્ષ માટે તેને ખપમાં આવને, ઉપયોગમાં આવીને સમાજ પ્રત્યેનું ઋણ અદા કરીએ તે આપણી જવાબદારી છે.
સમાજ જ્યારે પણ તકલીફમાં હોય ત્યારે એક બનીને નેક બનીને સૌ સાથે ઉભા રહીએ અને સમસ્યાનું નિરાકરણ લાવીએ તે જરૂરી છે તેમ જણાવી તેમણે સમાજસેવામાં કાર્યરત નાનામાં નાની વ્યક્તિનું પણ સન્માન થવું જરૂરી છે તેમ જણાવ્યું હતું.
તેમણે વધુમાં જણાવ્યું કે, કોરોનાના કારણે છેલ્લાં બે વર્ષથી આ સન્માન સમારોહ યોજી શકાયો નહોતો. પરંતુ આજે યોજાઇ રહ્યો છે અને મને તેમાં ઉપસ્થિત રહેવાનો મોકો મળ્યો છે તેનો આનંદ છે.
તેમણે કોરોના કાળમાં સમાજસેવા કરનારા દિવંગત મહાનુભાવોને શ્રદ્ધાંજલિ આપીને તેજસ્વી તારલાઓ જીવનમાં ખૂબ પ્રગતિ કરી અને સમાજના ઉપયોગી બને તેવી અભ્યાર્થના વ્યક્ત કરી હતી.
એક દીકરો કે દીકરી જ્યારે આગળ વધે છે ત્યારે તે કુળ, ગામ સાથે સમાજનું પણ ગૌરવ વધારે છે તેમ તેમને વધુમાં જણાવ્યું હતું.
આ અવસરે જિલ્લા પંચાયતના પ્રમુખ ભરતસિંહ ગોહિલ, ગોહિલવાડ રાજપૂત સમાજના પ્રમુખ વાસુદેવસિંહ ગોહિલ, કિરીટસિંહ ગોહિલ, સિદ્ધાર્થસિંહજી ગોહિલ, દિલીપસિંહજી, દિગ્વિજયસિંહજી સહિતના સમાજના મહાનુભાવો અને રાજપુત સમાજના લોકો ઉપસ્થિત રહ્યાં હતાં.
બ્યુરો ચીફ (ભાવનગર) : ડૉ. હકીમ ઝવેરી