હિન્દ ન્યુઝ, ભાવનગર
ભાવનગર તાલુકાના કોળીયાક ગામે નિષ્કલંક મહાદેવ ખાતે આગામી તા. ૨૬ અને ૨૭ ના રોજ યોજાનાર મેળા માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આગોતરું આયોજન હાથ ધરીને જરૂરી તૈયારીઓને આખરી ઓપ આપવાં માટે જિલ્લા કલેકટર યોગેશ નિરગુડેનાં અધ્યક્ષ સ્થાને એક બેઠક યોજાઇ હતી. જિલ્લા આયોજન કચેરી, કલેકટર ઓફિસ, ભાવનગર ખાતે અલગ-અલગ વિભાગના વડા સાથે યોજાયેલ આ બેઠકમાં તેમણે જણાવ્યું કે, કોરોનાનાં બે વર્ષ નાં સમયગાળા બાદ મેળાનું આયોજન કરવામાં આવી રહ્યું છે ત્યારે આ લોકમેળા દરમિયાન કોઇ અનિચ્છનીય બનાવ ન બને તેમજ કાયદો- વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઇ રહે તે માટેની જરૂરી સૂચનાઓ અધિકારીઓને આપી હતી.
આ મેળો માણવાં માટે અંદાજીત એક થી દોઢ લાખ લોકો આવનાર છે ત્યારે ફાયર ફાઇટરની વ્યવસ્થા, પીવાના પાણીની વ્યવસ્થા, મોબાઇલ ટોઇલેટ, જરૂરી પાર્કિંગની વ્યવસ્થા, રેસ્ક્યુ ટીમની તૈનાતી, સતત પેટ્રોલીંગ, બેરીકેડિંગ, એસ.ટી. બસ, લાઇટ તથા માઇકની વ્યવસ્થા, બચાવ કામગીરી માટે બોટની વ્યવસ્થા, મેડિકલ ટીમ સહિતની વ્યવસ્થાઓ સુનિશ્ચિત કરવામાં આવી છે. આ બેઠકમાં મેળાના આયોજન સાથે સંકળાયેલ અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.