બોટાદમાં “હર ઘર તિરંગા”અભિયાનનાં આયોજન અંગે જિલ્લા કલેકટરશ્રી બી.એ.શાહના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઈ

હિન્દ ન્યુઝ, બોટાદ

 દેશની આઝાદીને ૭૫ વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે ત્યારે રાજ્યભરમાં વિવિધ કાર્યક્રમોની ઉજવણી કરવામાં આવી રહી છે. આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત દેશભરમાં તા. ૧૩ થી ૧૫ ઓગસ્ટ દરમિયાન “હર ઘર તિરંગા” અભિયાન યોજાનાર છે. આ અભિયાનનાં સુચારૂ આયોજન અંગે જિલ્લા કલેકટર બી.એ.શાહના અધ્યક્ષસ્થાને બોટાદ કલેકટર કચેરીના સભાખંડ ખાતે બેઠક યોજાઇ હતી.

આ બેઠકમાં કલેકટરએ જણાવ્યું હતું કે “હર ઘર તિરંગા” અભિયાન રાષ્ટ્રપ્રેમની ભાવનાને વ્યક્ત કરવાનો તેમજ બાળકોથી લઈને વયસ્કો સુધીના લોકોને આ ઉજવણીમાં સામેલ કરવાનો અવસર છે ત્યારે તેને અનુરૂપ જિલ્લામાં ઉજવણી થાય અને જિલ્લાના તમામ નાગરિકો ઉત્સાહભેર આ ઉજવણીનાં સહભાગી થાય તે દિશામાં કામગીરી કરવા તેમણે સંબંધિત અધિકારીઓને સૂચના આપી હતી.

અત્રે ઉલ્લેખનીય છે કે, હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત દરેક ઘર, સરકારી કચેરીઓ, ઔદ્યોગિક એકમો, સ્કુલ-કોલેજો, પોલીસ સ્ટેશનો, સસ્તા ભાવની અનાજની દુકાનો, પેટ્રોલપંપ, હોટલો, દુકાનો દૂધ મંડળીઓ, ખાનગી સંસ્થાઓ, એ.પી.એમ.સી., સહકારી મંડળીઓ સહિતનાં સ્થળોએ રાષ્ટ્રધ્વજ ફરકાવીને દેશપ્રેમ વ્યક્ત કરવામાં આવશે. ઝંડાના વેચાણ માટે ગુજરાત રાજ્યની ખાદી કામગીરી સાથે સંકળાયેલ સંસ્થાઓ દ્વારા ઝંડા ઉપલબ્ધ કરાવવામાં આવશે.

કલેકટરશ્રીએ વધુમાં ઉમેર્યું હતું કે, જિલ્લાના વિવિધ કેન્દ્રો પર વેચાણ માટે પૂરતી વ્યવસ્થા ગોઠવી વધુને વધુ ઝંડાનુ વેચાણ થાય તે માટે તંત્ર દ્વારા પૂરતો સાથ સહકાર આપવા ઉપરાંત ફ્લેગ કોડનું પાલન થાય તે રીતે ઝંડા ફરકાવવામાં આવે તે જરૂરી છે. નાગરિકોને પણ આ બાબતે જાગૃત કરવા સંબંધિત અધિકારીઓને સૂચના આપવામાં આવી હતી.

આ બેઠકમાં આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી પી.ડી.પલસાણા, નિવાસી અધિક કલેકટર મુકેશ પરમાર સહિત જિલ્લાના તમામ અમલીકરણ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

રિપોર્ટર : સંજય ડણીયા, બોટાદ

Related posts

Leave a Comment