હિન્દ ન્યુઝ,ભાવનગર
ભારતના હવામાન વિભાગ દ્વારા આગામી દિવસોમાં ગુજરાતમાં ભારે વરસાદની આગાહી આપવામાં આવેલ છે. ભાવનગર જિલ્લામા તા.૧૪ અને ૧૫ જુલાઇના ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. આ ઉપરાંત ભાવનગર જિલ્લામાં તા.૧૨ અને ૧૩જુલાઇના રોજ છૂટો છવાયો વરસાદ પાડવાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.
હવામાન વિભાગના સંદર્ભના વેધર ફોરકાસ્ટ બુલેટીન દ્વારા આગામી દિવસોમાં સમગ્ર ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવેલ છે જેમાં ભાવનગર જિલ્લા તા.૧૨ અને ૧૩જુલાઇના રોજ ઓરેન્જ એલર્ટ તેમજ તા.૧૪ અને ૧૫ જુલાઈનાં રોજ રેડ એલર્ટની ચેતવણી આપવામાં આવેલ છે જેના કારણે જિલ્લામાં આવેલ ડેમો , નદી , નાળાઓ , તેમજ તળાવો વિગેરે ઓવરફલો થવાની શકયતાઓ રહેલ છે
ઘણા લોકો દ્વારા ગફલતમાં રહી ખોટા સાહસ કરી નદી , તળાવો , ડેમીમાં ન્હાવા પડવાના કારણે પાણીમાં ડૂબી જવાના બનાવો બનતા હોય છે . આ ઉપરાંત ઓવરફ્લો થતી નદીઓના વહેણમાં તેમજ કોઝવે પરથી પસાર થતા વરસાદી પાણીના પ્રવાહમાં તણાય જવાના કારણે માનવ મૃત્યુ થવાના બનાવો બનતા હોય છે જેથી ભાવનગર જિલ્લા વહિવટી તંત્ર દ્વારા જાહેર જનતાને અપીલ કરવામાં આવે છે કે વરસાદની ઋતુમાં લોકોએ ગફલતમાં ન રહેવું . પાણી ભરાયેલ હોય તેવા સ્થળોએ પ્રવેશ કરવો નહીં કે નહાવા પડવું નહી , બાળકોને પણ આવા પાણીથી દુર રાખવા તથા બિનજરૂરી સાહસ કરી પાણીના પ્રવાહમાં વાહનો સાથે કે ચાલીને પસાર થવું નહીં .
આ ઉપરાંત વરસાદની આગાહી અંગેની માહિતી ભારતીય હવામાન વિભાગની વેબ સાઈટ https://mausam.imd.gov.in/ahmedabad/ પરથી મેળવી શકાશે. આ ઉપરાંત આકાશી વિજળીથી બચવા માટે ” DAMINI ” મોબાઈલ એપ્લીકેશન પ્લે સ્ટોરમાંથી ડાઉનલોડ કરી આપ આપના વિસ્તારમાં વિજળી પડવાની શક્યતાઓ અંગે અગાઉથી જાણકારી મળી રહેશે.
ભારે વરસાદ , ચોમાસા દરમ્યાન કોઈ અનિચ્છનિય બનાવ બનવા પામે તો તાત્કાલીક સંબંધીત મામલતદાર કચેરી , તાલુકા પંચાયત કચેરી તથા તાલુકા કક્ષાના કંટ્રોલરૂમ ખાતે અથવા જિલ્લા કક્ષાનાં કંટ્રોલરૂમ ખાતે ફોન નં.૦૨૭૮-૨૫૨૧૫૫૪ / ૫૫ ( ૧૦૭૭ ટોલ ફ્રી ) ઉપર તુરંત જાણ કરવા અનુરોધ કરાયો છે.
બ્યુરો ચીફ (ભાવનગર) : હકીમ ઝવેરી