બોટાદ જિલ્લામાં તા.૨૩થી ૨૫ જૂન દરમિયાન શાળા પ્રવેશોત્સવનું આયોજન

હિન્દ ન્યુઝ, બોટાદ

છેલ્લા ત્રણ વર્ષથી કોરોનાની પરિસ્થિતિને કારણે કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવનું આયોજન શક્ય બન્યું નહોતું.ત્યારે આ વર્ષે ૨૩ જૂનથી ૨૫ જૂન સુધી રાજ્ય સરકાર દ્વારા કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવનું સુચારૂ આયોજન કરવામાં આવ્યું છે. જેના અનુસંધાને બોટાદ જિલ્લા કલેક્ટર બી.એ.શાહના અધ્યક્ષ સ્થાને કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ-૨૦૨૨ની જિલ્લા કક્ષાની સમિતિની બેઠક યોજાઈ હતી. આ ઉપરાંત પ્રવેશોત્સવ અંગે મુખ્યમંત્રીના અધ્યક્ષસ્થાને વીડિયો કોન્ફરન્સનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. શિક્ષણમંત્રી જીતુભાઈ વાઘાણીની વિશેષ ઉપસ્થિતિમાં ગાંધીનગર ખાતે બેઠક યોજાઈ હતી. જેમાં બોટાદ જિલ્લાના તમામ અધિકારીઓ વર્ચ્યુઅલી જોડાયા હતા. સમિતિની બેઠકમાં કલેક્ટરએ અધિકારીઓ સાથે બોટાદ જિલ્લામાં સરકારના આયોજનને સફળ બનાવવા મુદ્દે માર્ગદર્શન આપ્યું હતું. વધુમાં વધુ બાળકોનો પહેલા ધોરણમાં પ્રવેશ સુનિશ્ચિત થાય તે રીતે કામગીરી કરવા જણાવ્યું હતું.ધોરણ ૧માં પ્રવેશપાત્ર એકપણ બાળક પ્રવેશથી વંચિત ન રહી જાય તેની તકેદારી દાખવવાની સુચના કલેક્ટરએ અધિકારીઓને આપી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે બોટાદ ગ્રામ્યમાં ૬,૩૪૨ બાળકો ધોરણ ૧માં પ્રવેશ મેળવશે. બોટાદ જિલ્લા સમિતિની બેઠકમાં જિલ્લા પંચાયત પ્રમુખશ્રી ઘનશ્યામભાઈ વિરાણી, જિલ્લા શિક્ષણ સમિતિ ચેયરમેન દયાબેન અણિયારા, જિલ્લા વિકાસ અધિકારી પી.ડી.પલસાણા, એસ.પી. કરણરાજ વાઘેલા,અધિક નિવાસી કલેક્ટર મુકેશભાઈ પરમાર, જિલ્લા શિક્ષણાધિકારી ધારાબેન પટેલ સહિત વિવિધ વિભાગોના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

રિપોર્ટર : સંજય ડણીયા, બોટાદ

Related posts

Leave a Comment