હિન્દ ન્યુઝ, ભાવનગર
નિરમા લિમિટેડનાં સહયોગથી ભાલ વિસ્તારનાં ૧૨ ગામોમાં આરોગ્ય શિબિર યોજાશે. આ સંબંધે સરપંચ તથા શાળાનાં આચાર્ય સાથે એક બેઠક શિશુવિહાર સંસ્થામાં યોજાઇ હતી જેમાં આરોગ્ય સારવાર ટીમ ઉપરાંત ગામનાં પ્રતિનિધિઓ ઉપસ્થિતિ રહ્યાં હતાં.
આ બેઠકમાં નીચેની વિગતે આરોગ્ય કેમ્પ કરવાં તારીખો નક્કી થઈ છે જે અંતર્ગત વેળાવદર ખાતે તા.૧૬ જૂન, જશવંતપુરા ખાતે તા.૨૫ જૂન, સવાઈનગર તા.૭ જુલાઈ, કોટડા ખાતે તા.૧૫ જુલાઈ, માઢીયા ખાતે તા.૫ ઓગસ્ટ ગણેશગઢ ખાતે તા.૨૪ ઓગસ્ટ, કાળાતળાવ ખાતે તા.૮ સપ્ટેમ્બર, નર્મદ ખાતે તા.૧૬ સપ્ટેમ્બર, ભડભીડ ખાતે તા.૨૨ સપ્ટેમ્બરના રોજ આરોગ્ય કેમ્પ યોજાશે.
ઉલ્લેખનીય છે કે, આ અગાઉ ગામ આંણદપર, સનેસ અને અધેલાઈમાં કેમ્પ કરવામાં આવ્યાં છે. આ પ્રસંગે શિશુવિહાર સંસ્થા તરફથી તમામ પ્રતિનિધિશ્રીઓને જરુરી સાહિત્ય તથા શિશુવિહારમાં યોજાતાં નેત્રયજ્ઞમાં જરૂરિયાતમંદોને વિનામૂલ્યે સારવાર આપવાનું નક્કી કરવામાં આવ્યું હતું.
આ ઉપરાંતે શાળાઓ માટે હિમોગ્લોબીનનાં માર્ગદર્શક ચાર્ટ મુકવા નક્કી કરવામાં આવ્યું હતું. આરોગ્ય શિબિર સમયે શિશુવિહાર ગામ શાળા માટે પુસ્તકો આપે અને તેમાં વધારો કરવા પણ નક્કી કરવામાં આવ્યું હતું.
બ્યુરો ચીફ (ભાવનગર) : હકીમ ઝવેરી