કેબિનેટ મંત્રી મુળુભાઈ બેરાએ પી.એમ. શ્રી લાલપુર કન્યાશાળાના નવીન ઓરડાઓનું તથા લાઇબ્રેરીનું લોકાર્પણ કર્યું

હિન્દ ન્યુઝ, જામનગર 

    રાજ્યના પ્રવાસન મંત્રી તથા જામનગર જિલ્લાના પ્રભારી મંત્રી મુળુભાઈ બેરાએ જામનગર જિલ્લાના લાલપુર તાલુકામાં આવેલ પી.એમ. શ્રી લાલપુર કન્યા શાળાના ચાર નવીન ઓરડા તથા શાળા અપગ્રેડેશનનું તથા લાલપૂર તાલુકા સરકારી લાઇબ્રેરીનું લોકાર્પણ કર્યું હતું.

જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ જામનગર સંચાલિત પીએમશ્રી લાલપુર કન્યા શાળામાં રૂ.67.50 લાખના ખર્ચે ચાર નવીન ઓરડાઓનું અને શાળા અપગ્રેડેશનનું કામ કરવામાં આવ્યું છે. આ શાળામાં સ્માર્ટ ક્લાસરૂમની સુવિધા પણ ઉપલબ્ધ છે. મંત્રીશ્રીએ ક્લાસરૂમની મુલાકાત લઈ શિક્ષકો દ્વારા વિદ્યાર્થીનીઓને પ્રોજેક્ટરના માધ્યમથી અભ્યાસ કરાવવામાં આવે છે તેનું પણ નિરીક્ષણ કરી, શાળાના સાયન્સ રૂમની તથા કોમ્પ્યુટર લેબની મુલાકાત લઈ વિદ્યાર્થિનીઓ સાથે સંવાદ કર્યો હતો.

આ ઉપરાંત શાળાના પટાંગણમાં રૂ. 25 લાખના ખર્ચે ગ્રામ પંચાયતના મકાનમાં ચાર ઓરડા વાળી ગ્રંથાલયનું નિર્માણ કરવામાં આવ્યું છે. જેનું મંત્રીએ લોકાર્પણ કર્યું હતું. લાઇબ્રેરીમાં ગુજરાતી, હિન્દી અને અંગ્રેજી ભાષાની વિવિધ 3000 બુક ઉપરાંત ઓટોમેશન લાઇબ્રેરીની પણ સુવિધા છે. લાઇબ્રેરી ખાતે મહિલાઓ અને પુરુષો માટે અલગ રૂમમાં વાંચન વ્યવસ્થા, બાળકો માટે વિવિધ બુકો, સામાયિકોની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે. એકી સાથે 150 લોકો બેસીને વાંચન કરી શકે તેવી સુવિધા પણ લાઇબ્રેરીમાં ઉપલબ્ધ છે. સરકારી તાલુકા ગ્રંથાલય લાલપુર મંગળવાર થી શનિવાર દરમિયાન સવારે 10:30 થી સાંજે 6:10 તથા રવિવારના રોજ સવારે 8:00 થી બપોરે 12:00 વાગ્યા સુધી ખુલ્લી રહેશે. સોમવાર તથા જાહેર રજાના દિવસે ગ્રંથાલય સંપૂર્ણ બંધ રહેશે.

Related posts

Leave a Comment