બોટાદ જિલ્લામાં ઉત્સાહપૂર્વક પી.એમ.પોષણ (મધ્યાહન ભોજન યોજના) નો પુન:પ્રારંભ કરાયો

હિન્દ ન્યુઝ, બોટાદ

બોટાદ જિલ્લામાં ઉત્સાહપૂર્વક પી..એમ.પોષણ (મધ્યાહન ભોજન યોજના) નો પુન: પ્રારંભ કરવામાં આવ્યો. કોવિડ મહામારીને લીધે છેલ્લા ૨ વર્ષ જેટલા લાંબા સમયથી સરકારી શાળા બંધ હોવાના કારણે મધ્યાહન ભોજન યોજના અંતર્ગત ભોજનના સ્થાને ફૂડ સીકયુરીટી અલાઉન્સ આપવામાં આવ્યું હતું. જે તા.૩૧/૦૩/૨૦૨૨ થી જિલ્લા કલેકટરના માર્ગદર્શન હેઠળ બોટાદ જિલ્લા ખાતે તમામ સરકારી શાળાના કુલ – ૨૪૫ મધ્યાહન ભોજન કેન્દ્રો ખાતેથી ૨ વર્ષ બાદ ગરમા – ગરમ ભોજન આપવાની પુન: શરૂઆત કરવામાં આવી છે. આ ઉપરાંત જિલ્લાના વિકાસશીલ તાલુકા બરવાળા ખાતે ગરમા – ગરમ ભોજન ઉપરાંત કાર્યરત દૂધ સંજીવની યોજના પુન:શરૂ કરી લાભ આપવાપાત્ર બાળકોને ફ્લેવર્ડ મીલ્ક (૨૦૦ મીલી) આપવાની પણ શરૂઆત કરવામાં આવી છે. ઘણા લાંબા સમય બાદ ઓફ્લાઈન શિક્ષણની સાથે ગરમા – ગરમ ભોજન મળવા સાથે મધ્યાહન ભોજનના પુન:આરંભના શુકનરૂપે સુખડી – લાપસી આપવામાં આવતા બાળકોમાં અનેરો ઉત્સાહ અને આનંદ જોવા મળ્યો હતો. જિલ્લાના ચારેય તાલુકાના મધ્યાહન ભોજન કેન્દ્રો સાથે સંકળાયેલ અધિકારીઓ દ્વારા તથા જિલ્લા પુરવઠા અધિકારી દ્વારા કેન્દ્રોની મુલાકાત લઈ બાળકોને આપવામાં આવતા ભોજનની ગુણવત્તા અંગેની ખરાઈ કરવામાં આવી હતી.

રિપોર્ટર: સંજય ડણીયા, બોટાદ

Related posts

Leave a Comment