બોટાદ ખાતે સુજલામ સુફલામ જળસંચય અભિયાનનો શુભારંભ

બોટાદ

બોટાદ ખાતે જિલ્લા પંચાયત પ્રમુખ ઘનશ્યામભાઈ વિરાણીના અધ્યક્ષસ્થાને કૃષ્ણસાગર તળાવ ખાતે ખાતમૂહુર્ત કરી જિલ્લા કક્ષાના સુજલામ સુફલામ જળ અભિયાન – ૨૦૨૨નો શુભારંભ કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખએ જણાવ્યું હતું કે, મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે આજે સુજલામ સુફલામ જળ અભિયાન – ૨૦૨૨ નો શુભારંભ ગાંધીનગર જિલ્લામાંથી કર્યો છે ત્યારે આજે આપણા બોટાદ જિલ્લામાં પણ જિલ્લા કક્ષાના કાર્યક્રમનો શુભારંભ કૃષ્ણસાગર તળાવ ખાતેથી કરવામાં આવ્યો છે, સમગ્ર રાજ્યમાં જળસંચયની પ્રવૃત્તિ ચાલી રહી છે. સુજલામ સુફલામ યોજના એ ગુજરાતનું ખૂબ મોટું જળસંચય અભિયાન છે. જે તત્કાલિન મુખ્યમંત્રી અને હાલના વડા પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના શાસનમાં શરૂ થયું હતું. જિલ્લા પંચાયત પ્રમુખએ ઉમેર્યું હતું કે, રાજ્યમાં સૌરાષ્ટ્રના વિસ્તારોમાં પીવા માટે પાણીની ખૂબ જ મોટી સમસ્યા હતી. રાજ્ય સરકાર દ્વારા પીવાના પાણીની જે સમસ્યા હતી તેનો નિકાલ સૌની યોજના અને સુજલામ સુફલામ જેવી યોજનાઓ થકી નિકાલ કરવામાં આવ્યો છે. જળસંચય માટે સરકાર ઘણી બધી કામગીરી કરી રહી છે. આ વર્ષે સરકાર દ્વારા કૃષિ તેમજ જળસંચય માટે સારું એવું બજેટ પણ ફાળવવામાં આવ્યું છે. જે ખેડુતો માટે ઘણી પ્રશંસનીય બાબત રહી છે. ઉપસ્થિત તમામ ખેડૂત મિત્રો, સરપંચઓ સંસ્થા તેમજ કામ સાથે સંકળાયેલ તમામ લોકોને આ યોજનાઓનો લાભ લેવા જણાવ્યું હતું. આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારી પી.ડી.પલસાણા તેમજ જિલ્લા ભાજપ પ્રમુખ ભીખુભા વાઘેલાએ પ્રસંગને અનુરૂપ પ્રાસંગિક પ્રવચન કર્યું હતું.

અત્રે ઉલ્લેખનીય છે કે આ યોજના થકી પાણીના સંગ્રહમાં વધારો થવાથી ભૂગર્ભ જળ સ્તર ઉંચા આવશે, ખોદકામ તથા ડીસીલ્ટીંગની કામગીરીથી નીકળેલ માટી/કાંપનો ઉપયોગ ખેડૂતોના ખેતરોમાં તથા સરકારના અન્ય વિકાસના કામોમાં થયેલ છે, સ્થાનિક કક્ષાએ ઘરગથ્થું વપરાશ, ઢોર-ઢાંખરને પીવાના પાણીની સમસ્યાઓ હલ થશે, સિંચાઈ વ્યવસ્થા સુદ્રઢ થશે, ખેત ઉત્પાદનામાં વધારો થશે અને પર્યાવરણમાં સુધારો થશે. આ કાર્યક્રમની સ્વાગતવિધિ સિંચાઈ વિભાગના કાર્યપાલક ઈજનેરશ્ર પંડ્યાએ તેમજ આભાર વિધિ નાયબ કાર્યપાલક ઈજનેર સીકોતરીયાએ કરી હતી. આ કાર્યક્રમમાં અધિક જિલ્લા કલેકટર મુકેશ પરમાર, નાયબ જિલ્લા વિકાસ અધિકારી મકવાણા, એપીએમસી ચેરમેન જીવરાજભાઈ, પ્રાંત અધિકારી સતાણી, તાલુકા પંચાયતના પ્રમુખ, સરપંચ તેમજ જિલ્લા તાલુકાની સમિતિના ચેરમેનઓ સહિતના મહાનુભાવો તથા મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.

Related posts

Leave a Comment