અમદાવાદ – ગૃહ રાજ્યમંત્રીનું GST યુથ કોન્ક્લેવમાં સંબોધન GST (Goods & Service Tax) એ ભારતની મહત્વપૂર્ણ અને નિર્ણાયક કરવેરા જોગવાઈ: ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી

હિન્દ ન્યુઝ, અમદાવાદ

           GST (Goods & Service Tax) એ ભારતની મહત્વપૂર્ણ અને નિર્ણાયક કરવેરા જોગવાઈ છે, તેમ રાજ્યના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું છે. અમદાવાદના જે.જી. કેમ્પસ ઓફ એક્સલન્સ ખાતે આયોજિત GST યુથ કોન્ક્લેવને સંબોધતા હર્ષ સંઘવીએ કહ્યું કે, આપણે કરવેરા વ્યવસ્થામાં એકરૂપતા લાવવાના ઈરાદાથી આ વ્યવસ્થા ઉભી કરી છે. ગૃહ રાજ્યમંત્રીએ આ અવસરે યુવાનોમાં આ કાયદાની સમજણ જરૂરી હોવાનું જણાવતા કહ્યું કે, મેક ઈન ઈન્ડિયા અંતર્ગત નવા ઉદ્યોગો સ્થાપિત થઈ રહ્યા છે અને સ્ટાર્ટ અપ ઈન્ડિયા થકી ભારતીય અર્થવ્યવસ્થામાં વ્યાપક પરિવર્તનો આવી રહ્યા છે. શ્રી હર્ષ સંઘવીએ વધુમાં ઉમેર્યું હતું કે, સ્ટાર્ટ અપને લઈને યુવાનોમાં ભારે ઉત્સાહ છે ત્યારે તેઓ જી.એસ.ટી. ની જોગવાઈઓ સમજી આ કાનૂનનો મોટાપાયે લાભ લઈ શકે તેમ છે. મંત્રીએ આ અવસરે આઝાદી કા અમૃત મહોત્સવનું સ્મરણ કરતાં કહ્યું કે, નવા ભારતના નિર્માણમાં યુવાનોની ભૂમિકા અત્યંત અગત્યની બની રહેશે. ગૃહ રાજ્યમંત્રીએ જી.એસ.ટી.ના અસરકારક અમલીકરણમાં ઉદ્યમીઓ અને યુવાનોએ અદા કરેલી ભૂમિકાની પણ પ્રસંશા કરી હતી. તેમણે જી.એસ.ટીના પાંચ વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે ત્યારે તેના અમલથી આવેલા સકારાત્મક પરિણામોનો પણ ઉલ્લેખ કર્યો હતો. તેમણે યુવાનોને અપીલ કરતાં કહ્યું કે, આપણે આ કાયદા અંગે જાગૃતિ આણી એક સરળ અને કરદાતાને અનુકુળ કરવેરા વ્યવસ્થા ઉભી કરી ભારતીય અર્થવ્યવસ્થાને વધુ મજબૂત બનાવી શકીશું.

Related posts

Leave a Comment