વનવાસી-આદિજાતિઓની રાષ્ટ્રભક્તિ-વતન પ્રેમ અને આઝાદી જંગમાં યોગદાનની શૌર્યગાથા ‘લિવ ફોર ધ નેશન-ડાય ફોર ધ નેશન’ની પ્રેરણા આજીવન આપે છે :મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ

હિન્દ ન્યુઝ, અમદાવાદ 

         મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સ્પષ્ટપણે જણાવ્યું કે, અંગ્રેજોના જુલ્મી શાસન સામે પ્રાણ ન્યોછાવર કરીને શહાદત વ્હોરનારા વનવાસી આદિજાતિઓની રાષ્ટ્રભક્તિ, વતન પ્રેમ અને શૌર્યગાથા આપણને આજીવન ‘લિવ ફોર ધ નેશન-ડાય ફોર ધ નેશન’ ની પ્રેરણા આપે છે આ સંદર્ભમાં તેમણે કહ્યું કે, લગાન વધારાના જુલમ સામે વિરોધ નોંધાવવા ૭ માર્ચ ૧૯રરના દિવસે પાલ-દઢવાવમાં એકઠા થયેલા ૧ર૦૦ આદિવાસી બાંધવો પર બ્રિટીશરોએ ગોળીઓ વરસાવી અને વિંધી નાખ્યા હતા. ૧૯૧૯ના જલિયાવાલા બાગ હત્યાકાંડથી પણ વધુ ક્રૂર આ હત્યાકાંડ ગુજરાતના પાલ-દઢવાવમાં થયો હતો. આ ભિષણ રક્તપાતને ઇતિહાસમાં શહિદ સ્મૃતિ તરીકે અમર રાખવા ૭ માર્ચ-ર૦રર ને શહિદ શતાબ્દી દિન તરીકે પાલ-દઢવાવનો મનાવવામાં આવ્યો હતો. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ સ્મૃતિ દિવસમાં ગાંધીનરગથી વિડીયો કોન્ફરન્સથી સહભાગી થતાં વનવાસી શહિદોને ભાવાંજલિ આપી હતી. ભૂપેન્દ્ર પટેલે ઉમેર્યુ કે, આ ૧ર૦૦ વનવાસી શહિદવીરોની સ્મૃતિને ચિરંજીવ રાખવા પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીએ ગુજરાતમાં તેમના મુખ્યમંત્રી પદ કાળ દરમ્યાન ર૦૦૩માં ૧ર૦૦ વૃક્ષો વાવી શહિદ સ્મૃતિ વન ઉભું કર્યુ છે. આ શહિદ સ્મૃતિ વન વનવાસી શહિદોને યથોચિત શ્રદ્ધાંજલિ છે એમ પણ તેમણે જણાવ્યું હતું . મુખ્યમંત્રીએ કહ્યું કે, આઝાદી-સ્વતંત્રતા સંગ્રામની આવી વિસરાયેલી ઘટના અને આઝાદી સંગ્રામના વિરલાઓને જન-માનસમાં ઉજાગર કરવા આ વર્ષે પ્રધાનમંત્રીશ્રીની પ્રેરણાથી આઝાદીનો અમૃત મહોત્સવ ઉજવાઇ રહ્યો છે તેમણે જણાવ્યું કે, ગત પ્રજાસત્તાક દિવસ, તા.ર૬ જાન્યુઆરી-ર૦રર એ નવી દિલ્હીમાં યોજાયેલી પરેડમાં ગુજરાતની આ ઐતિહાસિક વનવાસી શહિદ ગાથાને દેશ સમક્ષ પ્રસ્તુત કરતો ટેબ્લો પણ પ્રદર્શિત કરવામાં આવ્યો હતો. મુખ્યમંત્રીશ્રીએ સ્વતંત્રતા સંગ્રામ પૂર્વેના ક્રાંતિ સંગ્રામ અને સ્વતંત્રતા સંગ્રામ બેયમાં વનવાસીઓએ મોતીલાલ તેજાવત, ગોવિંદ ગુરૂ જેવા ક્રાંતિવીરોના નેતૃત્વમાં આપેલા યોગદાનને રાષ્ટ્રભક્તિના ઉત્તમ દાખલારૂપ ગણાવ્યા હતા. તેમણે વનવાસીઓના આવા શૌર્યસભર બલિદાન અને યોગદાનને સદાકાળ ચિરંજીવ રાખવા સાથે વનબાંધવોના સર્વગ્રાહી વિકાસને વેગવંતો બનાવવાની રાજ્ય સરકારની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી. આ અવસરે આદિજાતિ કલ્યાણ મંત્રી નરેશભાઇ પટેલ, રાજ્યમંત્રી વિનોદભાઇ મોરડીયા તેમજ આદિજાતિ વિકાસ સચિવ ડૉ. મુરલીક્રિષ્ણા ગાંધીનગરથી સહભાગી થયા હતા. પ્રભારી મંત્રી ડૉ.કુબેરભાઇ ડીંડોર પાલ દઢવાવ ખાતે આવીને સૌપ્રથમ શહિદ સ્મારક ખાતે પુષ્પાંજલી અર્પણ કરી હતી ત્યાર બાદ વિરાંજલી વન ખાતે મોતીલાલ તેજાવતની પ્રતિમાને પુષ્પાંજલી અર્પણ કરી વિરાંજલિ વનનું નિરિક્ષણ કર્યું હતું ત્યાર બાદ કાર્યક્ર્મ સ્થળે પહોંચી દિપ પ્રાગટ્ય કરી શહિદોને બે મિનિટ મૌન પાળિ શહિદોને શ્રધ્ધાંજલિ આપી હતી. ત્યાર બાદ મંત્રીએ જણાવ્યું હતું કે, ભારતની આઝાદીનાં ૭૫ વર્ષ પ્રસંગે અમૃત મહોત્સવ ઉજવાઈ રહ્યો છે ત્યારે આવા ઐતિહાસિક સ્થળને ઉજાગર કરવા અને આઝાદી માટે પોતાના બલિદાન આપનાર શહિદ વીરોને યાદ કરવાનો કાર્યક્રમ ઠેર-ઠેર યોજાઈ રહ્યો છે, જે આનંદ અને ગૌરવની વાત છે. વડાપ્રધાનશ્રી નરેંદ્રભાઇ મોદીને જ્યારે ગુજરાતના મુખ્ય મંત્રી હતા ત્યારે વિજયનગરના પાલ દઢવાવના ઇતિહાસને ઉજાગર કરવા અહિ શહિદ સ્મૃતિ વન નિર્માણ કરવાનું કામ આરંભ્યું હતું. વિજયનગર તાલુકાના પાલ દઢવાવમાં ૭મી માર્ચ ૧૯૨૨ના રોજ પંજાબના જલિયાંવાલાકાંડ કરતાં પણ વધુ ભયાનક હત્યાકાંડ અંગ્રેજો દ્વારા કરવામાં આવ્યો હતો જેમાં આદિજાતિના ૧૨૦૦ જેટલા શહીદોએ શહાદત વ્હોરી હતી. આ ઘટનાને સો વર્ષ પૂર્ણ થયા છે. જેથી અહીં શહીદોની શહાદતને નમન કરવા રાષ્ટ્રપ્રેમ દેશદાઝની ભાવના જગાડવા આજના યુવાનો આઝાદીનું મૂલ્ય સમજે તે માટે આ શતાબ્દી શ્રદ્ધાંજલિ કાર્યક્રમ યોજાયો છે. વધુમાં તેમણે ઉમેર્યું કે, મોતીલાલ તેજાવત ભીલ ક્રાંતિના પ્રણેતા હતા. મોતીલાલ તેજાવતનું જીવન આઝાદીના આંદોલન સાથે ઉંડાણથી જોડાયેલું હતું. તેઓએ અંગ્રેજોના અમાનુષી કરના વિરોધમાં ૧૯૨૨માં પાલ દઢવાવના આંદોલનનું નેતૃત્વ કર્યું હતું. તેમનું જીવન અને ભીલ આંદોલન ભાવિ પેઢી માટે પ્રેરણાસ્રોત બની રહેશે. આ પ્રસંગે રાજ્ય સરકાર દ્રારા વિસ્તારના વિકાસને પ્રાધાન્ય આપીને આદિજાતિઓના વિકાસના દ્રાર ખોલ્યા છે. રોડ, રસ્તા, આરોગ્ય, શિક્ષણ કન્યાકેળવણી, પ્રધાનમંત્રી ઉજ્જ્વલા યોજના, નલ સે જલ યોજના શૌચાલય જેવી મૂળભૂત જરૂરીયાતો ઉંડાણના વિસ્તાર સુધી પહોંચાડી છે. પહેલા બહેનોને એસ.ટી. બસમાં મફત પાસની યોજના અમલી હતી હવે ભાઇઓને પણ આ સેવાનો લાભ આપવાની રાજ્ય સરકારે પહેલ કરી છે. સંચરાઇ માતાના મંદિરના વિકાસ અને નિર્માણ માટે નાણાકિય જોગવાઇ કરવામાં આવી છે. તેમજ ખેડૂતોના ખાતામાં યોજનાકિય લાભો સીધે-સીધા બેંક ખાતામાં જમા કરાય છે. વચેટીયાને દૂર કર્યા છે. આ કાર્યક્ર્મમાં સાંસદ શ્રીમતિ રમિલાબેન બારાએ પ્રાસંગિક પ્રવચન કરતા જણાવ્યું હતું કે, ૧૯૨૨ની આ ઘટના ગોઝારી ઘટના હતી. અંગ્રેજોની બર્બતાની પ્રતિતી કરાવતી આ ઘટનામાં આદિજાતીના ૧૨૦૦ જેટલા શહિદોએ શહાદત વહોરી હતી. આ ઘટનાની યાદમાં વિરાંજલી વન ખાતે આજે ૧૨૦૦ જેટલા વૃક્ષો વાવીને અને દિલ્હીમાં પ્રજાસત્તાક પર્વે તે ઘટનાના ટેબ્લો નિદર્શન દ્રારા આ ઘટના વિશ્વ સમક્ષ ઉજાગર કરવામાં આવી છે. સાબરકાંઠા સાંસદ દિપસિંહ રાઠોડે પ્રાસંગિક પ્રવચન કરતા જણાવ્યું કે આઝાદી માટે પોતાના બલિદાન આપનાર આ શહિદોને અનેકોનેક વંદન. આ શહિદોએ મા ભોમની રક્ષા કાજે પોતાની આહુતિ આપી છે. આવા વિરોના બલિદાનોએ આપણને આ મહામૂલી આઝાદી મળી છે.તેમને હું વંદન કરી નમન કરૂ છું. આ પ્રસંગે માહિતી ખાતા દ્વારા એક લોકડાયરો, દેશભક્તિ ગીતો, પ્રસંગને અનુરૂપ એક નાટકકૃતિ “નમન હો શહિદોને” પાલ દઢવાવની ઘટના આધારીત રજૂ કરાઇ હતી. તેમજ શહિદોના વારસોને સન્માન તથા દિલ્હી ખાતે રજૂ થયેલ ટેબ્લોના કલાકારોનું સન્માન કરવામાં આવ્યું હતું. અને દિલ્હી ખાતે ૨૬મીએ પાલ દઢવાવની ઘટનાની ટૂંકી ફિલ્મ રજૂ કરાઇ. આ પ્રસંગે શ્રીમોતીલાલ તેજાવતના જીવન કવન પર શ્રી મહેન્દ્ર પરમાર દ્રારા લીખીત પુસ્તક દ્વારા મહાનુભાવોનું સ્વાગત કરવામાં આવ્યું હતું. આ કાર્યક્ર્મમાં જિલ્લા પંચાયત પ્રમુખશ્રી ધીરજભાઇ પટેલ, જિલ્લા સમાહર્તા હિતેષ કોયા, ઇન્ચાર્જ ડી.ડી.ઓ ડામોર, જિલ્લા અગ્રણી જે.ડી. પટેલ, મહેંદ્રસિંહ રહેવર, ભરતભાઇ આર્ય, આદિજાતી અગ્રણી દિપકભાઇ, રણજીત પાંડોર, લોકેશ ગમાર, ભોજાભાઇ મકવાણા સહિત આસ-પાસ વિસ્તારના ચૂંટાયેલા પ્રતિનિધિઓ, અધિકારીઓ આદિજાતી બાંધવો ઉપસ્થિત રહ્યા હતા.

 

Related posts

Leave a Comment