હિન્દન્યુઝ, જૂનાગઢ
યુવતી અને મહિલાઓને સક્ષમ બનાવવા રાજ્ય સરકારશ્રી કટીબધ્ધ છે. જેના માટે યુવતી, મહિલાઓને સ્વરક્ષણની તાલીમ આપવામાં આવે છે. જેમાં જુડો, લાઠી દાવ, ચુની દાવ સહિતના દાવ શીખવાડવામાં આવે છે. જે અંતર્ગત જૂનાગઢ જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી તથા ડિસ્ટ્રીક્ટ મિનરલ ફાઉન્ડેશન, જૂનાગઢના સંયુક્ત ઉપક્રમે જિલ્લાની કિશોરીઓ, મહિલાઓને સ્વરક્ષણની તાલીમ આપવામાં આવે છે. જેમાં માત્ર ૪ મહિનામાં ૧૧ ગામની ૧૪૯૭ કિશોરી, મહિલાઓને સ્વરક્ષણની તાલીમ આપી સક્ષમ બનાવી છે. યુવતી, મહિલાઓની પજવણીને લગતી ઘટનાને ધ્યાને રાખીને યુવતી, મહિલાઓને સક્ષમ બનાવવા માટે રાજ્ય સરકાર દ્વારા સેલ્ફ ડિફેન્સની તાલીમ આપવામાં આવે છે. જેથી કરી યુવતી, મહિલાઓ પોતાનું સ્વરક્ષણ કરી શકે છે. આવી જ તાલીમ સાથે માર્ગદર્શન જૂનાગઢ જિલ્લાની કિશોરીઓ, મહિલાઓને આપવામાં આવે છે. હાલના સમયમાં કિશોરીઓ, મહિલાઓના રક્ષણની તાંતી જરૂરિયાત ઉભી થઇ છે. જેને ધ્યાને રાખીને જૂનાગઢ જિલ્લા મહિલા અને બાળ અધિકારી તથા ડિસ્ટ્રીક્ટ મિનરલ ફાઉન્ડેશન, જૂનાગઢના સંયુક્ત ઉપક્રમે જિલ્લામાં કિશોરી, મહિલાઓના રક્ષણ અર્થે નવીનતમ પ્રયાસના ભાગરૂપે સ્વરક્ષણ તાલીમનું આયોજન કરવામાં આવે છે. જેમાં માત્ર ૪ મહિનામાં જૂનાગઢ જિલ્લાના ખાણકામથી પ્રભાવિત ૧૧ ગામમાં સ્વ-રક્ષણ તાલીમનું આયોજન કરી ૧૪૯૭ કિશોરી, મહિલાઓને તાલીમ આપી સક્ષમ બનાવવામાં આવી છે. જેમાં લાઠી દાવ, નુનચક દાવ, જુડો, ચુની દાવ સહિત ૧ થી ૧૦ ટેકનીકના દાવ સ્વરક્ષણ માટે શીખવાડવામાં આવ્યા છે. તે ઉપરાંત સ્વરક્ષણ દ્વારા કેવી રીતે પોતાને સલામત રાખી શકાય તે અંગે વિસ્તૃત સમજ આપવામાં આવી હતી. માત્ર ૪ મહિનામાં ૧૪૯૭ જેટલી દિકરીઓએ આ તાલીમનો લાભ લીધો હતો. આ તાલીમનું આયોજન મહિલા શક્તિ કેન્દ્ર, જૂનાગઢના કર્મચારીઓ દ્વારા કરવામાં આવે છે. સશક્ત ભારતના સ્વપ્નને સાકાર કરવા અને તેનાથી કિશોરીઓ અને મહિલાઓના આત્મ વિશ્વાસને વધારવાના સ્વપ્નને સાકાર કરી શકીશુ. જેથી કોઇ પણ કિશોરી, મહિલા પોતાના જીવનમાં આવનાર અણધારી દુર્ઘટના વખતે પોતાનો બચાવ કરી શકે તેમ જૂનાગઢ જિલ્લા મહિલા અને બાળ અધિકારી જીગર જસાણની યાદીમાં જણાવાયું છે. ગોલ્ડ મેડાલીસ્ટ આપે છે કિશોરી, મહિલાઓને તાલીમ જૂનાગઢના નાઝીનીન ખાન મહિલા ટ્રેનર કિશોરીઓને સેલ્ફ ડિફેન્સની તાલીમ આપે છે. નાઝીનીન ખાન ગોલ્ડ મેડાલીસ્ટ છે તે સ્વરક્ષણની તાલીમ સાથે માર્ગદર્શન પણ કિશોરી, મહિલાઓને આપે છે. કિશોરી, મહિલાઓને તાલીમ સાથે કીટ અપાય છે. જૂનાગઢની કિશોરીઓ, મહિલાઓને સેલ્ફ ડિફેન્સની તાલીમ સાથો સાથ સર્ટીફિકેટ, બેગ, ટ્રેકપેન્ટ, ટી-શર્ટ, ટોપી સહિતની કીટ આપવામાં આવે છે. સ્વરક્ષણની તાલીમ મેળવી સક્ષમ બની છું – કિશોરી સેલ્ફ ડિફેન્સની તાલીમ મેળવનાર કિશોરી આરઝુબેને જણાવ્યું હતું કે, હાલના સમયમાં યુવતી, મહિલાઓની પજવણીના કિસ્સાને ધ્યાને રાખીને મારા સ્વરક્ષણ માટેના મને વિચાર આવતા હતા. ત્યારે મહિલા અને બાળ અધિકારીની કચેરી દ્વારા સેલ્ફ ડિફેન્સની તાલીમ આપતા હું તેમા જોડાય અને ૮ દિવસની સેલ્ફ ડિફેન્સની તાલીમ મેળવી વિવિધ દાવ શીખી મારા સ્વરક્ષણ માટે હું સક્ષમ બની છું.