રાજ્યભરમાંથી ૯ જિલ્લાના ૩૦ પર્વતારોહકો ગુજરાત ડુંગરાળ વિસ્તાર પરિભ્રમણમાં જોડાયા

હિન્દ ન્યુઝ, જૂનાગઢ

અભ્યાસની સાથે સાથે સાહસિક પ્રવૃત્તિ, સામાજીક જીવન ઘડતર, વન પર્યાવરણનું જ્ઞાન મેળવ્યું

કમિશનર યુવક સેવા અને સાંસ્કૃત્તિક પ્રવૃત્તિઓ ગાંધીનગર આયોજીત પંડિત દીનદયાળ ઉપાધ્યાય પર્વતારોહણ તાલીમ કેન્દ્ર, જૂનાગઢ સંચાલિત ગુજરાત ડુંગરાળ વિસ્તાર પરિભ્રમણ કાર્યક્રમ ૨૦૨૧-૨૨ તા.૨૮ જાન્યુઆરી ૨૦૨૨ થી ૦૬ ફેબ્રુઆરી ૨૦૨૨ દરમિયાન આયોજન કરવામાં આવ્યું હતું. રાજ્યભરમાંથી ૯ જિલ્લાના પર્વતારોહક ભાઈઓ ૧૯ અને બહેનો ૧૧ મળી કુલ ૩૦ એ ગુજરાત ડુંગરાળ વિસ્તાર પરિભ્રમણ કાર્યક્રમ ૨૦૨૧-૨૨ (૧૮ થી ૪૫ વર્ષ)માં ભાગ લઈ ટ્રેકીંગની સાથે સાથે વૃક્ષોનો પરીચય, પશુપક્ષીઓનો પરીચય, વન સંવર્ધન, વન્ય જીવ, પ્રકૃતિ અને ડુંગરાળ પ્રદેશો પ્રત્યે પ્રત્યેક રીતે માહિતગાર થયા હતા. જે અંગે વન વિભાગ જૂનાગઢના અધિકારી, કર્મચારી ગણનો સારો સહયોગ મળ્યો હતો. વિશેષમાં કોર્સ ઈન્ચાર્જ કે.પી.રાજપુતના માર્ગદર્શન હેઠળ વન વિસ્તારની સાફ સફાઈ પણ રાખવાની કામગીરી કરી હતી. માનદ્દ ઇન્સ્ટ્રકટર તરીકે બચુભાઈ મકવાણા, નિમિષાબેન દવે એ સફળ રીતે કામગીરી સંભાળેલ હતી. તાજેતરમાં આ કાર્યક્રમના સમાપન સમારોહમાં તાલીમાર્થીઓને પ્રોત્સાહિત કરવા માટે કાર્યક્રમના અધ્યક્ષ મુખ્ય વન સંરક્ષકશ્રી, વન્ય પ્રાણી વર્તુળ, જૂનાગઢ શ્રી ડી.ટી.વસાવડા, તથા ભૂતપૂર્વ પ્રિન્સિપલ, સ્વામી વિવેકાનંદ પર્વતારોહણ તાલીમ સંસ્થા કે.પી.રાજપુત, રેન્જ ફોરેસ્ટ ઓફીસર ડુંગર દક્ષિણ રેન્જ એ.એ.ભાલીયા, ઈન્સ્ટ્રક્ટર ઈન્ચાર્જ ઉપેન્દ્રસિંહ રાઠોડ ઉપસ્થિતી રહી પ્રોત્સાહન પુરુ પાડેલ હતું. આ તકે સફળ પર્વતારોહકોને પ્રમાણપત્ર આપી મહેમાનો દ્વારા સન્માનિત કર્યા હતા. પર્વતારોહકોને પ્રોત્સાહક પ્રવચનમાં કાર્યક્રમના અધ્યક્ષએ પહેલુ સુખ તે જાતે નર્યાનું સૂત્ર કહીને વધુમાં વધુ પર્વતારોહકો આવી પ્રવૃત્તિઓમાં જોડાય અને સરકારી વન વિભાગ, પોલીસ વિભાગ, રમતગમત વિભાગ, શિક્ષણ વિભાગમાં પોતાના અનુભવોનો ઉપયોગ કરીને રાજ્યના વિકાસમાં સંયુક્ત ફાળો આપવા આહવાન કરેલ હતું. તેમજ શિબિર દરમિયાન શીખવવામાં આવેલ નિયમ, શિસ્ત, સાહસ, આત્મવિશ્વાસ, જીવન ઘડતરના ગુણોનું જીવનમાં કરવા અંગે માર્ગદર્શન આપ્યુ હતું. કોર્સ ઈન્ચાર્જ કે.પી.રાજપુતએ જૂનાગઢમાં શરૂ થયેલ પર્વતારોહણ પ્રવૃત્તીઓનો અને વન વિભાગ સાથે કરેલ કામગીરીના અનુભવો વ્યકત કર્યા હતા અને પર્યાવરણ પ્રવૃત્તિ વન વિસ્તારમાં જ નહિ પણ શહેર વિસ્તારમાં પણ સ્વચ્છતાથી માંડી વૃક્ષો વાવવાની કામગીરી કરવા માર્ગદર્શન આપ્યું હતું. ઉપેન્દ્રસિંહ રાઠોડ એ રાજય સરકાર દ્વારા ચલાવવામાં આવતી આ સાહસિક પ્રવૃત્તિઓમાં અન્ય લોકોને જોડવા અનુરોધ કરવામાં આવ્યો હતો.

Related posts

Leave a Comment