જિલ્લા કક્ષાના ૭૩મા પ્રજાસતાક પર્વની ભાવનગર ખાતે હર્ષોલ્લાસભેર ઉજવણી કરાઈ

હિન્દ ન્યુઝ, ભાવનગર

           ભાવનગર ખાતે જિલ્લા કક્ષાના ૭૩મા પ્રજાસત્તાક દિનની પોલીસ પરેડ ગ્રાઉન્ડ, ભાવનગર ખાતે હર્ષોલ્લાસભેર ઉજવણી કરવામાં આવી હતી. વન અને પર્યાવરણ મંત્રી કિરીટસિંહ રાણાએ ત્રિરંગાને આન, બાન અને શાન સાથે સલામી આપી પ્રજાસત્તાક પર્વની ઉજવણીની શરૂઆત કરાવી હતી.

       આ પ્રસંગે મંત્રીએ પોલીસ બેન્ડની સુરાવલીઓ વચ્ચે રાષ્ટ્રગીતના સમૂહગાન વચ્ચે ત્રિરંગો લહેરાવ્યો હતો. તેમણે પોલીસ પરેડનું પણ નિરીક્ષણ કર્યું હતું. દેશના મહાપુરૂષો એવાં મહાત્મા ગાંધીજી, સરદાર વલ્લભભાઈ પટેલ અને દેશના બંધારણના ઘડવૈયા ડો.બાબાસાહેબ આંબેડકરને યાદ કરી તેમના પ્રત્યેનો કૃતજ્ઞતા ભાવ વ્યક્ત કર્યો હતો. ભાવનગરના પ્રજાવત્સલ મહારાજા કૃષ્ણકુમારસિંહજીને યાદ કરી તેમની દેશભક્તિને વંદન કરી મંત્રીએ જણાવ્યું હતું કે, દેશની આઝાદી માટે જેમણે પોતાનું પોતાનું સર્વસ્વ ન્યોછાવર કર્યું હતું એવાં દેશભક્તોને આજ વંદન કરવાનો અવસર છે. આવાં દેશભક્તોના બલિદાન થકી જ આજે આપણે આઝાદીની મુક્ત હવામાં શ્વાસ લઈ રહ્યાં છીએ. દેશની આઝાદી થી લઈ દેશમાં સુરાજ્ય સ્થપાય તે માટે કરેલાં તેમના કાર્યો ચિરકાળ સુધી સદાય જનમાનસમાં જીવંત રહેશે.

           જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કોરોનાને નિયંત્રણમાં રાખવાં માટે કરેલાં પ્રયત્નોની સરાહના કરી તેમણે કોરોના કાળમાં વિવિધ વિભાગોના કોરોના વોરિયર એવાં કર્મયોગીઓનું શ્રેષ્ઠ કામગીરી બદલ સન્માન કર્યું હતું.

મંત્રીએ ઉત્તરાયણના પર્વ દરમિયાન આરંભાયેલાં કરૂણા અભિયાન દરમિયાન શ્રેષ્ઠ કામગીરી કરનાર સંસ્થાઓ અને તેના કર્મીઓ અને ખેલકૂદ ક્ષેત્રે જિલ્લાનું નામ રોશન કરનાર પ્રતિભાવંત ખેલાડીઓનું ખાસ સન્માન કર્યું હતું.

મંત્રીએ જિલ્લાના વિકાસ માટે રૂા. ૨૫ લાખનો ચેક જિલ્લા કલેક્ટર યોગેશ નિરગુડેને અર્પણ કર્યો હતો. આ ઉપરાંત મંત્રી અને મહાનુભાવોએ કાર્યક્રમના સ્થળે વૃક્ષારોપણ પણ કર્યુ હતું.

મંત્રીની ઉપસ્થિતિમાં પૂર્વ મંત્રી અને ધારાસભ્ય સુ. વિભાવરીબેન દવે અને સિનિયર સિટીઝન અને કોરોના વોરિયર્સ લોકોનને પ્રિકોશન ડોઝથી સંરક્ષિત કરવામાં આવ્યાં હતાં.

ટ્રાફિક પોલીસ, અશ્વ દળ, મહિલા પોલીસ, જિલ્લા પોલીસ, તેમજ હોમગાર્ડના જવાનો દ્વારા જાનદાર પરેડ કરવામાં આવી હતી. આ પરેડનું નેતૃત્વ પરેડ કમાન્ડન્ટ જીતેન્દ્ર અગ્રવાલે કર્યું હતું. આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન મિતુલભાઈ રાવલે કર્યુ હતું.

આ કાર્યક્રમમાં પૂર્વ મંત્રી અને ધારાસભ્ય સુ. વિભાવરીબેન દવે, જિલ્લા કલેક્ટર યોગેશ નિરગુડે, જિલ્લા વિકાસ અધિકારી ડો. પ્રશાંત જિલોવા, પ્રાદેશિક મ્યુનિસિપાલિટી કમિશનર અજય દહિંયા, જિલ્લા પોલીસ અધિક્ષક જયપાલસિંહ રાઠૌર, મદદનીશ પોલીસ કમિશનર સફિન હસન, નિવાસી અધિક કલેકટર બી.જે. પટેલ, મદદનીશ કલેક્ટર શ્રીમતી પુષ્પલત્તા, પ્રોબેશનર આઇ.એ.એસ. જયંત માનકલે, જિલ્લા પુરવઠા અધિકારી શ્રીમતી ભૂમિકા વાટલિયા, આમંત્રિત મહેમાનો, પદાધિકારીઓ-અધિકારીઓ, વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.

બ્યુરો ચીફ (ભાવનગર) : હકીમ ઝવેરી

Related posts

Leave a Comment