બોટાદ જિલ્લામાં તા.૨૫ જાન્યુઆરીના રોજ રાષ્ટ્રીય મતદાતા દિવસ – ૨૦૨૨ ની ઉજવણી ‘ચાલો ચૂંટણી પ્રક્રિયાને સમાવિષ્ટ, સુગમ અને સહભાગી બનાવીએ’ ની થીમ પર ઉજવાશે

હિન્દ ન્યુઝ, બોટાદ

બોટાદ નાયબ જિલ્લા ચૂંટણી અધિકારીની એક અખબારી યાદીમાં જણાવ્યા મુજબ આગામી તા.૨૫ મી જાન્યુઆરી, ૨૦૨૨ ના રોજ સમગ્ર દેશમાં ૧૨ મો “રાષ્ટ્રીય મતદાતા દિવસ” ની ઉજવણી કરવામાં આવનાર છે આ કાર્યક્રમની ઉજવણી “ચાલો ચૂંટણી પ્રક્રિયાને સમાવિષ્ટ, સુગમ અને સહભાગી બનાવીએ” ની થીમ પર વર્ચુઅલ (ઓનલાઈન) ઉજવાશે. જે અન્વયે CEO કચેરી, ગાંધીનગર ખાતે આયોજિત કાર્યક્ર્મને નિહાળવામાં આવશે. આ કાર્યક્રમ પૂર્ણ થયા બાદ જિલ્લા કક્ષાનો કાર્યક્રમ જિલ્લા કલેકટર બી.એ.શાહના અધ્યક્ષસ્થાને તા.૨૫ જાન્યુઆરી ૨૦૨૨ ના રોજ ૧૧-૦૦ થી ૧-૦૦ કલાક દરમિયાન કલેકટર કચેરી, વિડીયો કોન્ફરન્સ હોલ, જિલ્લા સેવા સદન, ખસ રોડ, બોટાદ ખાતે વર્ચુઅલી (ઓનલાઈન) કાર્યક્રમ યોજાશે. આ કાર્યક્રમમાં મહાનુભાવો, અધિકારી- કર્મચારીઓ, શૈક્ષણિક સંસ્થાઓ, સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓના પ્રતિનિધિઓ તેમજ બોટાદની જનતાને ઓનલાઈન જોડાવા અનુરોધ કરવામાં આવે છે. આ કાર્યક્રમના પ્રસારણ માટેની લીંક કલેકટર કચેરી, બોટાદ તથા જિલ્લાની સરકારી કચેરીઓના સોશ્યલ મિડીયા પ્લેટફોર્મ પર પ્રસારીત કરવામાં આવશે જે લીંકથી આ કાર્યક્રમમાં જોડાઈ શકાશે. મતદારયાદી ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ-૨૦૨૨ દરમિયાન બોટાદ જિલ્લામાં સમાવિષ્ટ ૧૦૬-ગઢડા(અ.જા) વિધાનસભા મતદાર વિભાગ તથા ૧૦૭-બોટાદ વિધાનસભા મતદાર વિભાગમાં કુલ-૧૯૩૦૫ નવા મતદારોના નામ દાખલ થયેલ છે. ૪૯૦૦ મતદારોના નામ કમી થયેલ છે તથા ૧૫૬૯૪ મતદારોના નામમા સુધારા – વધારા કરવામાં આવેલ છે જ્યારે ૩૧૭ મતદારો એક જ વિધાનસભા વિસ્તારમાંથી અન્ય સરનામે સ્થળાંતર થયેલ છે. હાલમાં પણ મતદારયાદી સતત સુધારણા કાર્યક્રમ શરૂ છે મતદારયાદીમાં નામ નોંધાવવા/કમી કરવા/સુધારો કરવા માટે ઓનલાઈન એપ્લિકેશન જેવી કે, yoter help line, www.voterportal.eci.in, www.nvsp.in નો ઉપયોગ કરીને પણ મતદરયાદીમાં નામ દાખલ કરવા, નામ કમી કરવા તથા નામ – સરનામામાં સુધારાની કામગીરી થઈ શકે છે તેમજ સબંધિત બી.એલ.ઓ મારફતે પણ કામગીરી થઈ શકશે. મતદારયાદીમાં ઓનલાઈન નામ નોંધણી નામ કરાવવા માટે જો આપના આધારકાર્ડમાં સરનામું યોગ્ય હોય તો અન્ય કોઈ પુરાવાની જરૂરીયાત રહેતી નથી. અન્યથા બીજા કોઈ સરનામાનો પુરાવો અપલોડ કરવાનો રહેશે. તેમજ આ અંગે કોઈ મુંઝવણ હોય તો હેલ્પલાઈન નં.૧૯૫૦ પરથી પણ જરૂરી માર્ગદર્શન મેળવી શકશો. ઉપરોક્ત સેવાઓ માટે વધુમાં વધુ ઓનલાઈન એપ્લીકેશનનો ઉપયોગ કરવા તથા મતદાર બનવા માટેની યોગ્યતા ધરાવનાર એક પણ વ્યકિતનું નામ મતદારયાદીમાં નોંધાયા વિના ન રહે તે માટે બોટાદ જિલ્લા કલેકટર દ્વારા ખાસ અનુરોધ કરવામાં આવ્યો છે.

રિપોર્ટર : સંજય ડણીયા, બોટાદ

Related posts

Leave a Comment