મકરસંક્રાંતિ વિષય પર અમરેલી જિલ્લાકક્ષાની ચિત્રસ્પર્ધાનું આયોજન કરાશે

હિન્દ ન્યુઝ, અમરેલી

રમત ગમત વિભાગ દ્વારા મોબાઈલ ટૂ સ્પોર્ટ્સ અભિયાન અંતર્ગત એક ચિત્રસ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે. હાલના કોરોના મહામારીના વિષમ સંજોગોમાં ફેસબુક, વ્હોટસપ એપ, ઈન્સ્ટાગ્રામ તથા વિડીઓ ગેઈમ્સ જેવી પ્રવૃત્તિઓમાં અત્યંત કીમતી સમય વેડફતા યુવાધનને હકારાત્મક રીતે ક્રિયાશીલ કરવા રમતગમતની પ્રવૃતિઓ તરફ આકર્ષિત કરાશે. આ યોજનાને “મોબાઈલ ટૂ સ્પોર્ટ્સ” ફેસબુક પેઈજ, યુ ટ્યુબ ચેનલ, રેડીઓ ક્વીઝ, ટેલિવિઝન તેમજ સોશિયલ મીડિયા સબંધિત માધ્યમો દ્વારા ખ્યાતનામ ખેલાડીઓની વિગતો, ઓડીઓ/વિડીઓ કલીપ રજુ કરી યુવાનોને રમત ગમત પ્રવૃત્તિઓ માટે પ્રેરણાસહ આકર્ષિત કરવામાં આવશે. જેમાં ૮ થી ૧૩ (જન્મ તા.૩૧/૧૨/૨૦૨૧ ગણવાની રહેશે) વર્ષના બાળકો ભાગ લઇ શકશે. સ્પર્ધકે A4 સાઈઝનાં ડ્રોઈંગ પેપર પર “મકરસંક્રાંતિ” વિષય પર પોતાની કૃતિ તૈયાર કરી ઉંમર આધાર પુરાવા(આધાર કાર્ડ/ ચૂટણી કાર્ડ) તેમજ સ્પર્ધકે કૃતિ પાછળ પોતાનું નામ સરનામું, મો.નંબર, ઈ-મેઈલ આઈ.ડી વગેરે જેવી બાબતો ઉલ્લેખ કરવાનો રહેશે. તા.૨૪/૧૨/૨૦૨૧ બપોરના ૧૨:૦૦ કલાક સુધીમાં જિલ્લા યુવા વિકાસ અધિકારી, રમત ગમત કચેરી, બહુમાળી ભવન, બ્લોક-સી, રૂમ નં-૧૧૦/૧૧૧, પ્રથમ માળે, અમરેલીને મોકલવાની રહેશે. આ સ્પર્ધામાં અમરેલી જિલ્લામાંથી ત્રણ ચિત્રોની જિલ્લાકક્ષાએ પસંદગી થયા બાદ રાજ્યકક્ષાએ મોકલવામાં આવશે. જેમાં ૧૦ વિજેતા કલાકારોની પસંદગી થશે. તેઓ પૈકી પ્રથમ વિજેતાને રૂ.૨૫,૦૦૦/-, દ્વિતીય વિજેતાને રૂ.૧૫,૦૦૦/- તથા તૃતીય વિજેતાને રૂ.૧૦,૦૦૦/- એમ ત્રણ ઇનામો અને બાકી સાત વિજેતાઓને (પ્રત્યેકને) રૂ.૫,૦૦૦/- પ્રોત્સાહક ઇનામ પણ અપાશે. આ અંગે વધુ માહિતી માટે કચેરીનો ફોન નંબર ૦૨૭૯૨ ૨૨૩૬૩૦ નંબર પર સંપર્ક કરવા એક યાદીમાં જણાવાયું છે.

Related posts

Leave a Comment