હિન્દ ન્યુઝ, રાજકોટ
“વિશ્વ એઇડ્સ” દિન નિમિત્તે રાજકોટના પ્રમુખસ્વામી ઓડિટોરિયમ ખાતે રાજ્યકક્ષાનો એઇડ્સ જનજાગૃતિ અભિયાન તથા એઇડ્સ પ્રિવેંશન એન્ડ કંટ્રોલ ક્ષેત્રે શ્રેષ્ઠ કામગીરી કરનાર સંસ્થાઓના કર્મીઓના સન્માનનો કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમના અધ્યક્ષસ્થાનેથી પ્રવચન આપતા મેયર ડો. પ્રદીપ ડવે જણાવ્યું હતું કે, એઇડ્સના દર્દીઓ પ્રત્યે સમાજે તેમનું વલણ બદલવું પડશે. એચ.આઈ.વી. ગ્રસ્ત દર્દીઓને પૂરતું માનસન્માન મળી રહે તે આપણી સૌની સામાજિક જવાબદારી છે. આ રોગને અટકાવવા સૌએ જાગૃત બની સાચી સમજણ સાથે સતર્ક જીવનશૈલી વ્યવહારમાં લાવીશું તો ચોક્કસ આપણે એઇડ્સ જેવા રોગને નાથી શકીશું. મેયરએ વિશેષમાં જણાવ્યું હતું કે, કોરોના સહીતના વિવિધ રોગોની ભારતમા શ્રેષ્ઠ સારવાર મળી રહી છે. જેની નોંધ સમગ્ર વિશ્વ લઈ રહ્યું છે. સરકાર દ્વારા આપવામાં આવતી વિવિધ સહાય અને યોજનાઓ થકી સારવાર મેળવવી સરળ બની છે. આ તકે ગુજરાત સ્ટેટ એઇડ્સ કંટ્રોલ સોસાયટીના એડિશનલ ડાયરેક્ટર ડો. રાજેશ ગોપાલે એઇડ્સ અંગે ચિતાર આપતા જણાવ્યું હતું કે, હવે પરિસ્થિતિ બદલાઈ છે. જનજાગૃતિ થકી એઇડ્સનો દર નીચો આવી રહ્યો છે. ભારત સરકર દ્વારા ૨૦૩૦ સુધીમાં એઇડ્સ નિર્મૂલન અંગે અસરકારક કામગરી થઈ રહી છે. તેઓએ જણાવ્યું હતું કે સાચી માહિતી અને તકેદારી થકી આપણે એચ.આઈ.વી.એઇડ્સનો દેશ નિકાલ કરી શકીશું. ડો. ગોપાલે એઇડ્સથી બચવા અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે, આ રોગ ચેપ ગ્રસ્ત લોકોના લોહી લેવા જેવા આંતરિક સંસર્ગથી થતો હોઈ આવી બાબતે ખાસ તકેદારી રાખવી જોઈએ. એચ.આઈ.વી. પ્રીવેન્ટેબલ છે એટલે કે પૂરતી તકેદારી રાખીએ તો બચી શકાય તેમજ એઇડ્સ એ હવે જીવલેણ રહ્યો નથી, મેડીકલી તે મેનેજેબલ છે આથી આ રોગથી ડરવાની જરૂર નથી તેમ તેઓએ આશ્વાસન આપતા જણાવ્યું હતું. પાના નં. ૨ પર પાના નં. ૨ આ પ્રસંગે રાજ્યમાં એચ.આઈ.વી. અને એઇડ્સ સંદર્ભે સૌથી વધુ એચ.આઈ.વી. ટેસ્ટ , બેસ્ટ જિલ્લા એઇડ્સ કંટ્રોલ યુનિટ સહીત વિશિષ્ઠ કામગીરી કરતી ૪૨ જેટલી સંસ્થાના કર્મીઓનું મહાનુભાવોના હસ્તે સન્માન કરાયું હતું. આ પ્રસંગે એઇમ્સના મેડિકલ વિદ્યાર્થીઓ દ્વારા માહિતી અને જાગૃતિપ્રદ નાટક રજુ કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ પૂર્વે એઇડ્સ અંગે જનજાગૃતિ રેલી યોજાઈ હતી. સ્વાગત પ્રવચન સ્ટે. કમિટીના ચેરમેન પુષ્કર પટેલે કર્યું હતું. આ પ્રંસગે ગુજરાત મ્યુનિસિપલ ફાયનાન્સ બોર્ડના ચેરમેન ડો ધનસુખભાઇ ભંડેરી, ધારાસભ્ય લાખાભાઇ સાગઠીયા, મેયર ડો. દર્શિતાબેન શાહ, પદાધિકારીઓ વિનુભાઈ ઘવા, સુરેન્દ્રસિંહ વાળા, પરેશભાઈ પીપળીયા, રાજેશ્વરીબેન ડોડીયા, ડે. કમિશ્નર આશિષકુમાર, આરોગ્ય વિભાગના અધિકારીઓ, જુદી જુદી સંસ્થાના અધ્યક્ષ, તબીબી વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતાં.