ભાવનગરના કલાજગતમાં ચિરંજીવ યોગદાન કરનાર નાટ્યકર્મી વિનોદ અમલાણીનું અવસાન

હિન્દ ન્યુઝ, ભાવનગર

ભાવનગરના જાણીતા નાટયકર્મી લેખક- દિગ્દર્શક વિનોદભાઈ અમલાણીનું ટૂંકી બીમારીમાં અવસાન થતાં નગરના કલાકારો અને કલાપ્રેમીઓ ઉપરાંત તેમના વિશાળ મિત્રવર્તુળમાં ઘેરા શોકની લાગણી વ્યાપી છે. જૂનાગઢના વતની અમલાણીએ તેઓના ભાવનગર ખાતેના લાંબા સમયના તત્કાલિન સ્ટેટ બેન્ક ઓફ સૌરાષ્ટ્રના અધિકારી તરીકેના કાર્યકાળમાં ભાવનગરમાં વિઝ્યુઅલ આર્ટ્સ નામની નાટય સંસ્થાની સ્થાપના કરીને કલાક્ષેત્રમાં કરેલાં નોંધપાત્ર અને ચિરંજીવ યોગદાન બદલ શહેર તેમને કદી વિસરી શકશે નહીં.

સ્વ. વિનોદભાઈએ સ્થાપેલી વિઝ્યુયલ આર્ટ્સ સંસ્થાએ અનેક યુવા કલાકારોને તાલીમબધ્ધ કરીને રાજ્ય અને રાષ્ટ્રીય કક્ષાએ સફળતા અપાવી છે. રંગભૂમિને કદાપિ વ્યાવસાયિક ઉપાર્જનનું માધ્યમ બનાવ્યા વગર તદ્દન નિ:શુલ્ક રીતે તેમણે કરેલી નાટ્ય તાલીમ શિબિરો અને વકતૃત્વ કળા કાર્યશાળાઓએ શહેરને સંખ્યાબંધ કલાકારો, કુશળ વકતાઓ અને ચારિત્ર્યવાન યુવા પ્રતિભાઓની ભેટ આપી છે. પોતાની કલાને માત્ર ભાવનગર પૂરતી સીમિત નહીં રાખતાં વિનોદભાઈએ ગુજરાતભરમાં જ્યાં જ્યાં નાટ્યપ્રવૃત્તિઓ થતી હોય ત્યાં ત્યાં નિસ્વાર્થપણે પોતાની સેવા- માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.

વ્યાવસાયિક રીતે તત્કાલિન સ્ટેટ બેન્ક ઓફ સૌરાષ્ટ્રની વિવિધ શાખાઓમાં તેમની યશસ્વી કામગીરી ઉપરાંત બેન્કના ટ્રેનીંગ સેન્ટરમાં તેમણે આપેલી મૂલ્યનિષ્ઠ તાલીમ આજે પણ તેમના સહકર્મીઓ ભૂલી શક્યા નથી. સ્ટેટ બેંકને પણ તેમની પ્રતિભાનો પૂરતો લાભ મળ્યો છે. વિવિધ યોજનાઓના પ્રચાર માટે સ્વ. વિનોદભાઈના દિગ્દર્શનમાં ‘પગલાં પ્રગતિનાં’ અને ‘પરિવર્તન’ નામક બે ટેલિ ફિલ્મોનું નિર્માણ થયું હતું.

પોતાની ક્ષમતાઓનો માત્ર વ્યક્તિગત વિકાસમાં ઉપયોગ કરવાનું તેમણે કદી વિચાર્યું નહીં અને શહેરના કલાકારોને પોતાના સંપર્કોના ઉપયોગ થકી જે જમાનામાં દૂરદર્શનનો દબદબો હતો એ સમયગાળામાં ટી.વી. નાટકોમાં સ્થાન અપાવ્યું હતું. રાજ્ય સરકાર અને યુનિવર્સિટી યુવક મહોત્સવોની નાટ્યસ્પર્ધાઓમાં કલાકારોને સ્વ. અમલાણીનું તન-મન-ધન થી યોગદાન મળતું રહ્યું હતું. છેલ્લા થોડા સમયથી અમદાવાદ સ્થિત થયેલા વિનોદભાઇ નિવૃત્તિ બાદ ભાવનગર આવીને

પૂર્ણકાલીન કલાપ્રવૃત્તિઓ કરે તેવી મિત્રોની લાગણીને તેમણે સહજભાવે સ્વીકારી હતી પરંતુ કુદરતનું નિર્માણ કઈ અલગ હશે.

નાટ્ય અભિનય અને દિગ્દર્શન ઉપરાંત નાટયલેખન અને મોટીવેશનલ લેખનમાં પણ તેમની હથરોટી હતી. આ બંને વિષય પર તેમનાં છ પુસ્તકો પ્રકાશિત થઈ ચૂક્યા છે.

એમના લેખનો પૈકી ‘ઘોડાગાડી’ નાટકને શ્રેષ્ઠ મૌલિક એકાંકીનો અકાદમી નો એવોર્ડ મળેલો અને મંચનમાં અનેક પરિતોષીક મળેલાં જે ભાવનગર નાટય જગત માટે અદ્વિતીય છે.

ભાવનગર ઉપરાંત મહુવા, પાલિતાણા, વડોદરા, માંડવી (કચ્છ) વગેરે સ્થળોએ તેમના માર્ગદર્શનમાં ચાલતી વિઝ્યુયલ આર્ટ્સની શાખાઓના કલાકારો શોકાતુર છે. રાજ્યકક્ષા સુધીની સ્પર્ધાઓના નિર્ણાયક હોવાથી સમગ્ર રાજ્યના નાટ્યપ્રેમીઓને વિનોદભાઈની અચાનક એક્ઝીટના સમાચારથી આંચકો લાગ્યો છે.

ભાવનગરનું કલાજગત સ્વ. વિનોદભાઈ અમલાણીને તેમની કલાપ્રીતિ , મિલનસાર અને પરગજુ સ્વભાવ માટે હમેશા યાદ રાખશે.

બ્યુરોચીફ (ભાવનગર) : હકીમ ઝવેરી

Related posts

Leave a Comment