મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજના અંતર્ગત ૦ ટકા વ્યાજે સખી મંડળોને રૂા. ૧ લાખના ધિરાણની યોજના મહિલા સશક્તિકરણ માટેનું ઉત્તમ ઉદાહરણ

હિન્દ ન્યુઝ, રાજપીપલા

નર્મદા જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી પર્યુષાબેન વસાવા, જિલ્લા પંચાયતની મહિલા અને બાળ કલ્યાણ સમિતિના અધ્યક્ષ શ્રીમતી શ્રધ્ધાબેન બારીયા, કારોબારી સમિતિના અધ્યક્ષ શ્રીમતી મમતાબેન તડવી, આરોગ્ય સમિતિના અધ્યક્ષ શ્રીમતી નિલામ્બરીબેન પરમાર, શિક્ષણ સમિતિના અધ્યક્ષ શ્રીમતી શાંતાબેન વસાવા, ગુજરાત બાળ સંરક્ષણ આયોગના પૂર્વ સભ્ય શ્રીમતી ભારતીબેન તડવી, પ્રાંત અધિકારી કે.ડી.ભગત સહિત જિલ્લાના અન્ય પદાધિકારીઓ/અધિકારીઓ અને મહિલા લાભાર્થીઓની ઉપસ્થિતિમાં આજે રાજપીપલામાં ટાઉન હોલ ખાતે નાંદોદ તાલુકાકક્ષાના યોજાયેલા નારી સંમેલનના કાર્યક્રમને દિપ પ્રાગટ્ય દ્વારા ખૂલ્લો મુકાયો હતો. આ પ્રસંગે જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી પર્યુષાબેન વસાવા સહિત ઉપસ્થિત અન્ય મહાનુભાવોના હસ્તે સગર્ભા મહિલાઓને પોષણ કિટ્સનું વિતરણ કરાયું હતું. જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી પર્યુષાબેન વસાવાએ નારી સંમેલનના અધ્યક્ષસ્થાનેથી સંબોધતા જણાવ્યું હતું કે, સરકાર દ્વારા મહિલા સશક્તિકરણની સાથોસાથ મહિલાઓ પોતે આત્મનિર્ભર બને અને પોતાના પરિવારને આર્થિક રીતે સહાયરૂપ થાય તે માટે મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજના અંતર્ગત ૦ ટકા વ્યાજે સખી મંડળોને રૂા. ૧ લાખના ધિરાણની યોજના મહિલા સશક્તિકરણ માટેનું ઉત્તમ ઉદાહરણ છે. ગુજરાત મહિલા આર્થિક વિકાસ નિગમ દ્વારા મહિલાઓ સ્વાવલંબી બને તે માટે ગ્રામોદ્યોગ જેવી સ્વાવલંબન યોજના હેઠળ છેલ્લા ૩ વર્ષમાં ૨,૫૭૯ બહેનોને રૂા. ૯ હજાર કરોડથી વધુનું ધિરાણ અપાયું છે અને આ ધિરાણના ઉપયોગથી મહિલાઓ આજે પોતે સક્ષમ બની રહી છે. ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી અને દેશના હાલના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ રાજ્યના વિકાસમાં મહિલાઓની ભાગીદારી નોંધાવવા માટે મહિલા સશક્તિકરણને પ્રાધાન્ય આપ્યું હતું ત્યારથી મહિલા કલ્યાણની અનેકવિધ યોજનાઓ આપણા સંવેદનશીલ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલના નેતૃત્વમાં આગળ ધપાવીને મહિલાઓનું સશક્તિકરણ થઈ રહ્યું છે. મિશન મંગલમ અંતર્ગત સખી મંડળની યોજના થકી આપણા આદિવાસી વિસ્તારની બહેનો હવે બેંકો અને સરકારી ઓફિસોમાં કામગીરી માટે જઈ રહી છે. બહુધા આદિવાસી વસ્તી ધરાવતા નર્મદા જિલ્લાના છેવાડાના અંતરિયાળ વિસ્તારની બહેનો સુધી મહિલા ઉત્કર્ષલક્ષી યોજનાઓ પહોંચે અને હાલમાં પોષણ માસની થઈ રહેલી ઉજવણી અંતર્ગત બહેનોમાં આ બાબતે વિશેષ જાગૃતિ આવે અને દરેક બહેનો અને બાળકોને મહત્તમ લાભ મળે તેવા સહિયારા પ્રયાસો માટે તેમને ખાસ અનુરોધ કર્યો હતો. આ પ્રસંગે ગુજરાત બાળ સંરક્ષણ આયોગના પૂર્વ સભ્ય શ્રીમતી ભારતીબેન તડવીએ પ્રાસંગિક પ્રવચન કર્યુ હતું. જ્યારે નારી અદાલતના સુશ્રી ભાવિનીબેન વસાવાએ મહિલાઓને બંધારણથી મળેલ હક્કો-અધિકારોની જાણકારી આપી હતી. MSK ના જિલ્લા કો-ઓર્ડિનેટર સુ.રશ્મિબેન વસાવાએ મહિલા વિષયક યોજનાઓ, જેસલપોરના મેડિકલ ઓફિસર ડૉ. દિવ્યા ખેરે આરોગ્યલક્ષી યોજનાઓ, સાગબારાના CDPO અસ્મિતાબેન ચૌધરીએ આઇસીડીએસ યોજનાઓને લગતી જાણકારી સાથે જરૂરી માર્ગદર્શન આપ્યું હતું. આ પ્રસંગે નાંદોદના બ્લોક હેલ્થ ઓફિસર ડૉ. એ.કે.સુમન, પ્રગતિ મહિલા મંડળના પ્રમુખ શ્રીમતી જયોતિકાબેન સથવારા, મહિલા અને બાળ વિકાસ અધિકારી હસીનાબેન મન્સુરી, જિલ્લા પ્રોગ્રામ ઓફિસર શ્રીમતી ક્રિષ્નાકુમારી પટેલ, અદાણી ફાઉન્ડેશનના શીતલબેન પટેલ સહિત વિવિધ સખી મંડળની બહેનો વગેરે ઉપસ્થિત રહ્યાં હતા. પ્રારંભમાં આઇસીડીએસના પ્રોગ્રામ ઓફિસર શ્રીમતી ક્રિષ્નાકુમારી પટેલે તેમના સ્વાગત પ્રવચનમાં સૌને આવકારી નારી સંમેલનની રૂપરેખા આપી હતી. કાર્યક્રમમાં પોષણ અંગે સામુહિક શપથ લેવાયા હતા. અંતમાં નાંદોદના CDPO શ્રીમતી હેમાંગિનીબેન ચૌધરીએ આભારદર્શન કર્યું હતું. કાર્યક્રમ બાદ ઉપસ્થિત મહાનુભાવોએ આંગણવાડીની બહેનો દ્વારા વિવિધ વાનગીઓના નિદર્શનની મુલાકાત લઇ રસપૂર્વક નિહાળ્યું હતું અને આજ પ્રકારની વાનગીઓ માટે આંગણવાડીઓના ભૂલકાંઓની માતાઓને તાલીમ થકી જરૂરી જાણકારી પૂરી પાડવા હિમાયત કરી હતી.

રિપોર્ટર : હિતેન્દ્ર વાસંદિયા, રાજપીપલા

Related posts

Leave a Comment