હિન્દ ન્યુઝ, ભાવનગર
ભાલ પ્રદેશ ગુજરાતના ભાવનગર, અમદાવાદ, અને આણંદ જિલ્લાઓની રાજકીય સીમાઓ પર ફેલાયેલો વિસ્તાર છે. ભાલ પ્રદેશ સાબરમતી, ભોગવો, ભાદર, લિલ્કા અને અન્ય સૌરાષ્ટ્રની નદીઓના ડેલ્ટા પર સ્થિત વિસ્તાર છે. જે કાઠિયાવાડ દ્વીપકલ્પથી પૂર્વ અને દક્ષિણપૂર્વમાં ખંભાતના અખાતમાં વહે છે. ભાવનગર જિલ્લાના ભાલ પંથકના ગામોમાંથી મુખ્યત્વે કાળુભાર, ગૌતમી, ઘેલો, ખારી, કેરી, વેગડ, રંઘોળી, પાડલીયો જેવી મોટી નદીઓ પશ્ચિમથી પૂર્વ તરફ વહે છે અને ખંભાતના અખાતમાં ભળે છે. ભાલ વિસ્તાર કપાળ જેવો સપાટ અને કાંકરા-પત્થર વગરનો છે.
ભાલ વિસ્તાર સપાટ હોવાથી જમીનનો ગ્રેડિયંટ(ઢાળ) બહુ સામાન્ય હોય છે આથી ભરાયેલા વરસાદી પાણીનો નિકાલ ધીમે- ધીમે થાય છે. જેથી મોટા પ્રમાણમાં ભાલ પ્રદેશમાં વરસાદી પાણી ભરાઇ રહે છે. તેથી ખેડૂતોના ખેતરોમાં પાણી ભરાઇ રહે છે અને ખેતીને મોટું નુકશાન થાય છે. આ ઉપરાંત આ વિસ્તારના પશુપાલન અને ઢોરને પણ તેનાથી મુશ્કેલીનો સામનો કરવો પડે છે.
આ અંગેની વિગતો આપતાં પંચાયતના સિંચાઇ વિભાગના કાર્યપાલક ઇજનેર ડી.આર. પટેલે જણાવ્યું કે, પાણી ભરાવાની સમસ્યાઓથી છૂટકારો મેળવવાં માટે ઘણાં સમયથી ભાવનગરના પંચાયતના સિંચાઇ વિભાગ અને મદદનીશ કલેક્ટર(ભાવનગર) પુષ્પ લતા તથા વહિવટી તંત્ર દ્વારા પ્રયત્નો કરવામાં આવતાં હતાં. પરંતુ દરિયાની ભરતીને કારણે પુનઃ પાણી ભરાઇ જતાં તેમના પ્રયત્નો સફળ થતાં નહોતાં. પરંતુ સિંચાઇ વિભાગના સ્થળ સ્થિતિના વ્યાપક અભ્યાસ બાદ આ વખતે ભરાઇ રહેતાં પાણીના નિકાલ માટે રાત-દિવસ કામ કરીને પાણીના નિકાલ માટેની એક મોટી ચેનલ તૈયાર કરી દેવામાં આવી છે.
તેનાથી ચોમાસાનું પાણી ઝડપથી દરિયામાં વહી જાય છે અને તેના લીધે ભાલ વિસ્તારમાં પાણી ભરાવાની સમસ્યાનો કાયમી અંત આવશે. આ વિસ્તાર નીચાણવાળો હોવાથી દરિયાની ભરતીનું પાણી ફરી વળવાથી ભાલ પ્રદેશમાંથી ઝડપથી પાણીનો નિકાલ થતો નથી.
અત્યારે નિરમા કંપનીના સહકારથી આવી એક જ ચેનલ બનાવવામાં આવી છે પરંતુ સુજલામ- સુફલામ યોજના હેઠળ કુલ રૂા. ૧.૨૭ કરોડના ખર્ચે આવી બીજી પાંચ ચેનલ બનાવવાનું પણ આયોજન સિંચાઇ વિભાગ દ્રારા કરવામાં આવ્યું છે.
ઉલ્લેખનીય છે કે, ભાવનગર જિલ્લાના ગારીયાધાર, ઉમરાળા, વલ્લભીપુર, બોટાદ જિલ્લાના ગઢડા તથા રાજકોટ જિલ્લાના જસદણ તાલુકામાં ભારેથી અતિભારે વરસાદ પડે છે ત્યારે ઉક્ત નદીઓમાં પુષ્કળ જળરાશીઓ ઠલવાય છે.
ચોમાસાની ઋતુમાં વરસાદના પાણીની આવક સામે દરિયાની ભરતીના પાણી આવવાથી તેમજ સપાટ જમીન હોવાથી પાણીનો નિકાલ ધીરે ધીરે થાય છે ત્યારે ભાલ પંથકના ગામોના રહેણાંકી વિસ્તારમાં તથા સીમ વિસ્તારમાં પાણી ભરાય છે. જેના કારણે આ પંથકમાં વસતા માણસો, પાલતુ પશુઓ અને રાષ્ટ્રીય ઉધ્યાન તથા રેવન્યુ વિસ્તારમાં વસતા કાળીયાર જેવા પ્રાણીઓને ભારે હાલાકી ભોગવવી પડે છે. વધુમાં ખેડુતોના ઉભા પાકમાં તથા મીઠા ઉધ્યોગોના અગરોમાં પાણી ભરાવાના કારણે પાકને તેમજ અગરોને માઠી અસર પહોંચે છે અને આર્થિક નુકશાની ભોગવવી પડે છે.
ચેનલનું કામ સુજલામ સુફલામ યોજનાના ચોથા તબક્કામાં સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવ્યું છે. મુખ્ય આયોજન મુજબ ખોદાણ કામ પૂર્ણ કરી વરસાદનું પાણી કેબલ પુલ (લાકડીયા પુલ)ની મુખ્ય ખાડીમાંથી પસાર કરવામાં આવ્યું હતું.
આ ઉપરાંત ભાલ વિસ્તામાંથી પાણીના નિકાલ માટે અન્ય અવરોધતાં માર્ગમાંની ચેનલોમાંથી કાંપ અને કચરો કાઢવાનું (ડિસીલ્ટીંગ કરવાનું) કાર્ય પણ રૂા. ૩૨.૨૫ કરોડના ખર્ચે કરવામાં આવનાર છે.
આમ, ભાલ વિસ્તારમાં પ્રભાવિત ગામોમાં ભરાઈ રહેતા પાણીના નિકાલ માટેનું ચોમાસા પહેલા કરવાનું થતુ આયોજન વહીવટી તંત્ર તથા સિંચાઈ વિભાગ તરફથી સમયસર પૂર્ણ કરવામાં આવ્યું છે. જેનાથી આ ચોમાસામાં ભરાઇ રહેતાં પાણીથી છૂટકારો મળશે. આ ઉપરાંત આ વિસ્તારમાં કાળિયાર અભ્યારણ સહિતના વિસ્તારમાંથી ઝડપથી પાણીનો નિકાલ થતાં વન્ય જીવોનું રક્ષણ થવાં સાથે સ્થાનિક પશુપાલનને પણ ફાયદો થશે.
–