હિન્દ ન્યૂઝ, ખેડા
ખેડા જિલ્લામાં જિલ્લા વહીવટીતંત્ર દ્રારા કોરોનાની મહામારીમાં જિલ્લાના નાગરિકોની સુખાકારી જળવાઇ રહે તે માટે તમામ જરૂરી પગલાં લેવામાં આવી રહ્યા છે. હાલ છેલ્લા થોડાક દિવસોથી કોરોનાના કેસો ખૂબ વધી રહ્યા છે ત્યારે જિલ્લાની મહત્તમ હોસ્પિટલોને કોવિડ કેર સેન્ટરમાં ફેરવવામાં આવી છે. નાગરિકોને ઝડપથી એમ્બ્યુલન્સ સેવાઓ, ઓક્સિજન, દવાઓ અને ઇન્જેક્શન સહિતની સેવાઓ મળી રહે તે માટે જિલ્લા કલેકટર આઈ.કે પટેલની દેખરેખ હેઠળ જિલ્લા વહીવટીતંત્ર અને આરોગ્ય તંત્ર સતત કામગીરી કરી રહ્યું છે.
આ ઉપરાંત ૧૦૮ એમ્બ્યુલન્સ સેવાના મેનેજર સંદિપભાઇ ગઢવીના જણાવ્યા મુજબ ૧લી એપ્રીલ ૨૦૨૧થી અત્યાર સુધીમાં ૧૦૮ને અંદાજે ૧૫૦૦ જેટલા કોલ આવ્યા છે. અમે ૧૦૦ટકા કોલને એટેન્ડ કરવાનો પ્રયત્ન કરેલો છે. આવનાર કોલનો અમે સારો પ્રતિસાદ પણ આપ્યો છે. ૧૬ જેટલી એમ્બ્યુલન્સની સેવાઓ આવનાર કોલના દરેક દર્દી સુધી પહોંચી છે. અમારો સ્ટાફ ૭૦ જેટલા કર્મચારીઓ છે અને અમારી સેવાઓ ૨૪ કલાક કાર્યરત રહે છે. પ્રજાજનો સુધી કોરોના મહામારીના સમયમાં ૧૦૮ ઇમરજન્સીની સેવાઓ લોકોને મળી રહે તે માટે જિલ્લા વહીવટીતંત્ર દ્રારા સઘન પગલા લેવાઇ રહ્યા છે તેમ મેનેજરએ જણાવ્યુ હતુ.
રિપોર્ટર : પ્રતિક ભટ્ટ, નડિયાદ