રાજકોટ,
રાજકોટ શહેર તા. ૨૧.૪.૨૦૨૦ ના રોજ “કર્મ એ જ સાચો ધર્મે છે” દિવ્યાંગ હોવા છતાં મારી કર્તવ્યનિષ્ઠામાં મને કોઈ બાધા નડતી નથી. આ મુશ્કેલીના સમયે ભગવાને મારા મનોબળને વધુ મજબુત કર્યો છે. જો હું જ હિંમત હારી જઈશ તો કોરોનાના સંક્રમણને અટકાવવામાં હું સરકારને સહયોગી કેમ થઈ શકીશ. આ શબ્દો છે ઠેબચડાથી રોજના ૧૩ કિલોમીટરની સફર કરીને પોતાની ફરજ બજાવવા આવતા ચંદ્રીકાબેન જાદવના જે રાજકોટ શહેરમાં કોરોનાનું હોટસ્પોટ બનેલું જંગલેશ્વર વિસ્તારના આરોગ્ય કેન્દ્રમાં નર્સ તરીકે કામગીરી કરે છે. કોરોનાને હંફાવવા માટે આરોગ્ય કર્મીઓ દિવસ રાત કામ કરી રહ્યા છે. ત્યારે રાજકોટના સંવેદનશીલ અને કોરોના હોટસ્પોટ તરીકે જાહેર થયેલા જંગલેશ્વર સ્થિત આરોગ્ય કેન્દ્રમાં ૨૧ સ્ટાફ મેમ્બર્સમાં ૧૯ મહિલાઓ કર્મીઓ લડવૈયા બનીને કોરોના સામેની જંગમાં સંનિષ્ઠતાથી પોતાની ફરજ બજાવી રહી છે. પોતાના જીવને જોખમમાં મુકીને દેશને આ જૈવિક આફતમાંથી બહાર કાઢવા માટે દરેક મુશ્કેલીઓને પાર કરી રહી છે. આરોગ્ય કેન્દ્રમાં નર્સ તરીકે ૩૦ વર્ષથી ફરજ બજાવતા જ્યોતિબેન જાદવે પોતાના અનુભવોને રજુ કરતાં જણાવ્યું હતું કે, હું મારા ૮૨ વર્ષીય માતાને પાડોશીની દેખરેખ હેઠળ મુકીને ફરજ બજાવવા આવું છું. આ સંકટના સમયમાં લોકોના આરોગ્યની તકેદારી માટે તેમના અયોગ્ય વ્યવહારને પણ અમે હસતા મોઢે જતો કરીએ છીએ. કોરોના ગ્રસ્ત વિસ્તારમાં કામ કરતી હોવાથી મારા એપાર્ટમેન્ટના લોકો મને શંકાની દષ્ટિએ જુએ છે. પરંતુ નિરાશ થયા વિના હું આ મારા કર્તવ્યને પ્રાઘાન્ય આપું છું. વધુમાં તેમણે જણાવ્યું હતું કે, લોકોના આરોગ્યની ચકાસણી કરતી વખતે મને શરદી ઉધરસ થયા હતા. જેના કારણે મારો ટેસ્ટ પણ કરવામાં આવ્યો. જે નેગેટીવ આવ્યો હતો. તેમ છતા લોકો ડરે છે. પરંતુ મારો અભિગમ સકારાત્મક છે.
રિપોર્ટર : દિલીપ પરમાર, રાજકોટ